આંખના ક્યારામાં જે જળ રાખે એ જ પ્રેમપંથ અજવાળે

13 October, 2021 06:56 PM IST  |  Mumbai | Morari Bapu

આ બધી અનુભૂતિ પામવાની ચીજ છે, કહેવાને વર્ણન કરવાની ચીજ નથી. એ તો જે જાણે તે જ જાણે અને તે જ અનુભવે. પ્રેમમાં અનુભવેલી બેચેની ક્ષણને વર્ષ અને વર્ષને જન્મારો બનાવી દેવા સક્ષમ છે.

પ્રતીકાત્મક તસવીર

છલ, દ્રવિત, માન, સેવા, નિતનૂતન, બિનફરિયાદ અને પછી અદ્વૈત. આ પ્રેમનાં લક્ષણોની વાતો પછી હવે આવે છે પ્રતીક્ષા.
પ્રેમ-મોહબ્બત કરનારાઓની પહેલી નિશાની એ છે કે તેઓ પ્રતીક્ષા કરતાં રહે છે. એવું નથી કહેતાં કે તમે આવો કે આવવા માટે તે કોઈ જાતની શરત પણ નથી મૂકતાં. માલિક કહે કે કંઈક માગો તો તેઓ એટલું જ કહેશે, મારી પ્રતીક્ષાનો ક્યારેય અંત ન આવે એવું વરદાન આપો. તમે આવો તો તમને મળ્યા પછી પ્રતીક્ષાનો અંત આવી જાય અને જો એવું બને તો તેની પ્રતીક્ષાની મસ્તીમાં ઓટ આવે અને એ તો ખોટનો સોદો થઈ જાય. પ્રતીક્ષા પણ આનંદ આપે, સંતોષ આપે, લાગણીમાં વધારો કરવાનું કામ કરે એ પ્રતીક્ષાનું નામ પ્રેમ. 
પ્રતીક્ષા પછી છે બેચેની.
ક્યાંય શાંતિ નહીં, ચેન ન પડે. કવિ કહે છેને કે ‘બેખુદી મેં ભી કરાર આતા નહીં...’ આ પરમાત્માના પ્રેમની તાલાવેલી છે અને આ બેચેની છે. ‘કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બેખુદી મેં ભી કરાર આતા નહીં...’ આ બધી અનુભૂતિ પામવાની ચીજ છે, કહેવાને વર્ણન કરવાની ચીજ નથી. એ તો જે જાણે તે જ જાણે અને તે જ અનુભવે. પ્રેમમાં અનુભવેલી બેચેની ક્ષણને વર્ષ અને વર્ષને જન્મારો બનાવી દેવા સક્ષમ છે.
દસમા લક્ષણ તરીકે આવે છે અધીરાઈ.
શબરીની જેમ કેવી રીતે સમજાવવું કે અધીરાઈ એટલે શું? કોઈ કહે ભૂખને સમજાવો, ભૂખનું વર્ણન કરો તો એનું વર્ણન કેવી રીતે કરવું? 
ગુંગા કેરી શર્કરા, ગુંગે કાં ગુડ હૈ, અવર્ણનીય, અકથનીય! અધીરાઈ સૂફીઓની હાલતનું વર્ણન છે અને એ વર્ણન કરવામાં ભલભલા પાછા પડ્યા છે. સાગરને મળવા, સાગરમાં ભળવા નદી જે ગતિ પકડે એ ગતિ અધીરાઈ છે અને આ અધીરાઈ જીવનનું અંતિમ ધ્યેય છે. એ ધ્યેય એટલે પ્રેમ, એ ધ્યેય એટલે મોહબ્બત.
અગિયારમા ક્રમે લક્ષણ છે સજળ નેત્ર.
પ્રેમ આંખોમાં નિરંતર ભીનાશ આપે. સાધુની આંખો કોરી હોય તો સમજવું કે એ ખોટનો સોદો છે. ઝાડવાંને સલામત રાખવાં હોય તો રોજ ક્યારામાં પાણી હોવું જોઈએ. આંખના ક્યારામાં જે આવી ખેતી કરશે એ જ પ્રેમપંથ અજવાળશે. જે રીતે વ્રજની ગોપી કહે છે, નિસદિન બરસત નૈન હમારે... સૂર કહે છે, અબ કે માધવ મોહિ ઉબાર... 
અંતે આવે છે ઓછી સંતલસ.
કોને કહેવું, શું કહેવું? જેની સાથે વાત કરવી છે તે તો છે નહીં. કેવી રીતે કહેવું, શું કહેવું? વાતચીત બંધ થઈ જાય. વાતચીત કરવાની ઇચ્છા નથી થતી. માણસ સૂઈ ન શકે. ‘તારે ગિન ગિન રૈન બિતાઈ, ફિર ભી શ્યામ ન આએ...’

astrology columnists