રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું

23 November, 2021 07:05 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

‘હૃદય સાચે જ લાગણીસભર અને મન સંતુષ્ટ બની ગયું હોય તો જ સંપત્તિ પ્રત્યે આવી બેપરવાહી દાખવી શકાય.’ 

મિડ-ડે લોગો

‘હોય શું નહીં.’
મુંબઈના એક પરાના ડૉક્ટરની મર્દાનગીની, સંતોષવૃત્તિની, પરગજુપણાની, લાગણીશીલતાની વાત બે યુવકોએ જ્યારે મને કરી ત્યારે મારા મોઢામાંથી આ શબ્દો સરી પડ્યા.
‘મહારાજસાહેબ, ખબર નહીં. કોઈક પળે મનમાં શું વિચાર આવી ગયો કે તેમણે એક બોર્ડ બનાવીને સૌને વંચાય એ રીતે પોતાના દવાખાનાની ઉપર લગાવડાવી દીધું. લખ્યું હતું કે પૈસા આપવા ફરજિયાત નથી.’ 
બીજા યુવકે તરત વાત આગળ વધારતાં કહ્યું, ‘દરદી ગમે તેવો હોય, ગરીબ કે શ્રીમંત. રોગ કોઈ પણ હોય, તાવ કે અલ્સર. ત્રણ રૂપિયાથી વધુ ફી કોઈની લેવાની નહીં. આ સંકલ્પ છે તેમનો અને દવાના એ રૂપિયા પણ માગવાના નહીં. એ સામેથી આપે તો લેવાના અને જો દરદીનો ચહેરો જોતાં લાગે કે તેની આર્થિક સ્થિતિ સારી નથી તો પોતાના ખિસ્સામાંથી રકમ કાઢીને તેને આપી દેવાની...’ 
‘હૃદય સાચે જ લાગણીસભર અને મન સંતુષ્ટ બની ગયું હોય તો જ સંપત્તિ પ્રત્યે આવી બેપરવાહી દાખવી શકાય.’ 
મેં અભિપ્રાય આપ્યો એટલે પહેલા યુવકે વાતને આગળ વધારી, ‘તેમના આવા પ્રચંડ સત્ત્વથી આકર્ષાયેલી અનેક સંસ્થાઓએ એક દિવસ તેમનો બહુમાન સમારંભ યોજ્યો. જુદી-જુદી સંસ્થાઓએ અને અનેક નામી-અનામી વ્યક્તિઓએ તેમને જે શાલ ઓઢાડી એનો આંકડો ૪૫૦ પર પહોંચ્યો.’ 
‘પૂરી વાત સાંભળીને સાહેબજી તમે રાજી-રાજી થઈ જશો...’ યુવકે વચ્ચે અટકાવીને કહ્યું, ‘એ બહુમાન સમારંભ રાતે ૧૦.૩૦ વાગ્યે પૂરો થયો એટલે એ તમામ ૪૫૦ શાલ ડૉક્ટરસાહેબે મુકાવી પોતાની મોટરમાં. ગાડી લેવડાવી ડ્રાઇવર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં. સવારે પાંચ વાગ્યા સુધીમાં એ ૪૫૦ શાલ ગરીબોને ઓઢાડી દીધી અને સવારે છ વાગ્યે ઘરે આવીને શાંતિથી સૂઈ ગયા. ન તેમના મોઢા પર બહુમાનમાં મળેલી ૪૫૦ શાલનો ગર્વ કે ન તેમના મોઢા પર ૪૫૦ શાલ ગરીબોને આપી દીધાનું અભિમાન. બીજા દિવસે રોજિંદી સહજતાથી દવાખાનામાં હાજર અને દરદીઓને તપાસવાનું ચાલુ.’
આને જીવનને સાર્થક કરવાની નીતિ કહેવાય. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. આ જે ઉક્તિ છે એને જીવનમાં ચરિતાર્થ કરનારા આત્માઓની આવી મર્દાનગી જ આ જગતને રહેવા લાયક બનાવતી હશે એવું નથી લાગતું? 
વસંતઋતુમાં વૃક્ષ ફળ આપવાનો ઇનકાર ક્યાં કરે છે? પુણ્યના ઉદયકાળમાં ઉદાર હાથે સઘળું આપવાની ભાવના કેવી રીતે ના પાડી શકે?

astrology columnists