દુનિયામાં આવ્યા છીએ તો કઈ ત્રણ બાબતો પર ધ્યાન આપીએ?

26 January, 2022 12:26 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમ સુધારક નથી એ વાત ધ્યાનમાં રાખજો તો એ પણ ધ્યાનમાં રાખજો કે પ્રેમ વિચારક પણ નથી. મોટા ભાગે એમ કહેવામાં આવે છે કે પ્રેમ વિચારક નથી હોતો, પ્રેમ કેવળ પ્રેમ છે. 

મિડ-ડે લોગો

ગયા અઠવાડિયે કહ્યું એમ, પ્રેમનું ફળ પ્રેમ જ છે. પ્રેમ મળ્યા પછી કોઈ વસ્તુ મેળવવાની રહેતી નથી. પ્રેમનું પાલન કરજો. ‘વિષમ વ્રત આચરન કો’ એ બહુ જ મુશ્કેલ વ્રત છે. પૂજા કરવી બહુ સરળ છે, પણ પ્રેમ કરવો બહુ ઉચ્ચ બાબત છે. હું ઉચ્ચ કક્ષાની વાત કરું છું. જો આપણે બિલકુલ દુન્યવી પ્રેમની વાત કરીએ તો એને પણ સમજો. એકબીજાને પ્રેમ કરીએ, એકબીજા સાથે પ્રેમપૂર્વક, હળીમળીને રહીએ એ પણ સારી વાત છે, પરંતુ અહીં જે પ્રેમની વાત કરીએ છીએ એ ઉચ્ચ કક્ષાના પ્રેમની વાત છે અને એને એ અર્થમાં જ સમજજો, નહીં તો તમે ભૂલ કરી બેસશો. પ્રેમ એવું તત્ત્વ છે.
પ્રેમ સુધારક નથી. પ્રેમે સૌને સુધારવાનો ઇજારો નથી રાખ્યો. પ્રેમ સુધારક નથી એ વાત ધ્યાનમાં રાખજો તો એ પણ ધ્યાનમાં રાખજો કે પ્રેમ વિચારક પણ નથી. મોટા ભાગે એમ કહેવામાં આવે છે કે પ્રેમ વિચારક નથી હોતો, પ્રેમ કેવળ પ્રેમ છે. 
‘મન બુદ્ધિ ચિત્ત અહમિતિ બિસરાઈ...’
ત્યાં આ વિચાર-બિચાર બધું ખતમ થઈ જાય છે. નિર્ણય-બિર્ણય, ચિંતન-બિંતન બધું જ પૂરું થઈ જાય છે. આમ પ્રેમ સુધારક નથી. તમે કોઈને પ્રેમ કરો તો તે સુધરી જશે એવી ભાવના સાથે પ્રેમ કરો. જેને પ્રેમ કરવામાં આવે તે સુધરી જાય એ તેની બાબત છે, તેની જવાબદારી છે, કારણ કે પ્રેમે કોઈને સુધારવાનો ઇજારો નથી લીધો. એટલે આવો કોઈ સુધારો લાવવાની આશા વગર બસ, પ્રેમ કરતા રહેવું, કેમ કે પ્રીત અને આશા બન્ને એવી દેવીઓ છે જેમને એકબીજા સાથે ક્યારેય ભળ્યું નથી. એકમેકની શોક્ય જેવી છે!
આ દુનિયામાં આવ્યા છીએ તો ત્રણ બાબતમાં ધ્યાન આપીએ.
પહેલી બાબત છે, પ્રેમથી જીવવાનો સંકલ્પ કરીએ. હા, પ્રેમથી જીવવું છે. મનમાં કોઈ નફરત જોઈએ નહીં, દ્વેષ જોઈએ નહીં. બસ, પ્રેમ અને નિરંતર પ્રેમ. 
બીજી બાબત છે, પ્રેમથી જોઈએ. જેકંઈ જોઈએ છે એ પ્રેમથી જોઈએ છે. લેવાની બીજી કોઈ રીત રાખવી નથી અને બીજા કોઈ માર્ગ અપનાવવા નથી. બસ, એક માર્ગ પ્રેમનો અને જે મળે એ પ્રેમથી જોઈએ.
ત્રીજી બાબત, જવાનું હોય ત્યારે પ્રેમથી જઈએ. જ્યારે પણ અને જ્યાં પણ જવાની વાત આવે એટલે પ્રેમથી છૂટાં પડવાનું અને પ્રેમથી વિદાય લેવાની. બસ, જો આ બાબતનું પાલન શરૂ કરી દીધું તો તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને પ્રશ્નોનું નિરાકરણ જ સંસારને સુખમય બનાવે છે.

astrology columnists Morari Bapu