સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

13 November, 2022 07:38 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

લોકો અને સંજોગોને અનુકૂળ થાય એ રીતે સંવાદ સાધજો. જરૂર પડ્યે આખાબોલા થવું, પણ ક્યારેક મુત્સદ્દીપણું પણ રાખવું પડે છે. તમારા લાભમાં હોય એનો મહત્તમ ઉપયોગ કરવો. 
સંબંધો સાચવવા માટે સલાહ : પ્રેમસંબંધમાં હો તો બીજા કોઈને ખબર પડે અને શરમાવું પડે એવું કંઈ બોલવું કે કરવું નહીં. ગેરસમજ હોય તો એ દૂર કરવી, છેલ્લી પાટલીએ બેસી જવું નહીં.   

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પણ સ્થિતિમાં અહમ્‍‍ને વચ્ચે ન લાવો તો જ સફળતા પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત શાંત રહીને પ્રતિક્રિયા કરવી. મહત્ત્વપૂર્ણ સંદેશવ્યવહારમાં તત્પરતા દાખવવી. 
સંબંધો સાચવવા માટે સલાહ : તમારા પ્રિયપાત્ર દૂર રહેતા હોય તો સંદેશવ્યવહાર ટકાવી રાખવા માટે ખાસ પ્રયાસ કરવા. અંગત તથા વ્યાવસાયી સંબંધો બાંધવા માટે ઉત્તમ સમય છે.  

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

બૉસ અને ઉપરીઓ સાથેના વ્યવહારમાં પોતાના લાભની સ્થિતિનો મહત્તમ ઉપયોગ કરવો. શૉપિંગ વખતે પોતાના બજેટને વળગી રહેવું અને પોતાની જરૂરિયાતો વિશે સ્પષ્ટતા રાખવી. 
સંબંધો સાચવવા માટે સલાહઃ જો તમે સચ્છો તો કોઈ પણ ગેરસમજને દૂર કરી શકો છો. બીજાઓ પાસેથી રખાયેલી અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખવી. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જીવનમાં ક્યાંય કંટાળો કે ઉદાસીનતાને વચ્ચે આવવા દેવાં નહીં તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ સંભાળી લેવી. જવાબદારીઓ ન ગમતી હોય તો પણ એ નિભાવવી. 
સંબંધો સાચવવા માટે સલાહઃ મૈત્રીમાં ક્યાંય ગેરસમજ વચ્ચે આવે નહીં એનું ધ્યાન રાખવું. પરિવારના વડીલ બાબતે થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.   

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમે અટકી પડેલા કોઈ પ્રોજેક્ટ કે પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા ઇચ્છતા હો તો દૃષ્ટિકોણ બદલી નાખજો. કાનૂની આંટીઘૂંટી કે કોર્ટ કેસમાં અટવાઈ જતા નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહઃ પોતાની પાસે સાચી માહિતી હોય તો જ કોઈની પણ સાથે ભીડી જવું. કોઈ નવી વ્યક્તિના પરિચયમાં આવેલા કુંવારાઓએ સંબંધ વધારવામાં ઉતાવળ કરવી નહીં. ભયસ્થાનોને ઓળખી લેવાં.  

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાના નેટવર્કનો ઉપયોગ કરવો અને લક્ષ્ય વિશે સ્પષ્ટતા રાખીને સજ્જતા કેળવવી. સ્વયં રોજગાર કરનારાઓએ બજેટને વળગી રહેવું. 
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતી વખતે લાગણીઓને કાબૂમાં રાખજો અને સ્પષ્ટપણે સંવાદ સાધજો. નકારાત્મક લોકોની સાથે રહીને સમય બગાડવો નહીં.  

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવચેતી રાખવી અને કોઈ બાટલીમાં ઉતારે તો ઊતરી જવું નહીં. ડાયટિંગ અને વ્યાયામની બાબતે અતિરેક કરવો નહીં, યોગ્ય સંતુલન જાળવી રાખવું. 
સંબંધો સાચવવા માટે સલાહઃ પારિવારિક કૂથલીઓ અને નાટકવેડાથી શક્ય એટલા દૂર રહેજો. પરિવારના વડીલોની કાળજી લેજો અને પ્રેમપૂર્વક વાર્તાલાપ સાધજો.   

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

આર્થિક સ્થિતિ ડગમગી ગઈ હોય તેમણે ખર્ચ બાબતે સભાન થઈ જવું. કામના સ્થળે કોઈની સાથે દલીલોમાં ઊતરવું નહીં. જે કંઈ કહેવું હોય એ શાંતિપૂર્વક કહેવું. 
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ સંબંધનો અંત લાવવો પડે એવું હોય તો અચકાવું નહીં. ખટરાગી લોકો સાથે સંભાળીને વર્તવું. કોઈ તમને પરેશાન કરી જાય નહીં એની તકેદારી લેવી. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જે વસ્તુ પોતાના કાબૂમાં હોય એના પર એકાગ્રતા સાધવી. લોન ચૂકવવાની ત્રેવડ લાગતી ન હોય તો એ દિશામાં એક ડગલું પણ માંડવું નહીં. 
સંબંધો સાચવવા માટે સલાહ ઃ પોતાની કહેલી વાત સાચી છે એ પુરવાર કરવા માટે જિદ કરવી નહીં. સંબંધોની બાબતે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ઘણું ધ્યાન રાખવું. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ બાબતે કાનૂની કે નિષ્ણાતનો મત લેવો પડી શકે છે. ઉતાવળે નિર્ણય લેતા નહીં. મીટિંગ, ઇન્ટરવ્યૂ કે વાટાઘાટ માટે જાઓ તો પૂરેપૂરી સજ્જતા રાખજો. 
સંબંધો સાચવવા માટે સલાહઃ અવિચારી વર્તન પરિસ્થિતિને જટિલ બનાવી શકે છે. ખાસ કરીને બીજા કોઈએ કહેલી વાતનો સવાલ હોય ત્યારે તો ખાસ એવું વર્તવું નહીં. રૂઢિવાદી બનવું નહીં.  

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

મનમાં શંકા ઘર કરી જાય એવી સ્થિતિ ઊભી થવા દેવી નહીં. પરિવારની આર્થિક બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધવું. 
સંબંધો સાચવવા માટે સલાહઃ બીજાઓનાં મંતવ્યોને તમે ભલે ધ્યાનમાં લો, પરંતુ તમારા મન પર એની વધુપડતી અસર થવી જોઈએ નહીં. સંબંધની બાબતે નિર્ણય લેવાની વાત આવે ત્યારે કાળજી રાખવી.  

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

રોકાણ માટે લક્ષ્યો નિર્ધારિત કરી લેવાં. કામના સ્થળે કોઈ દસ્તાવેજ કે પ્રેઝન્ટેશન બનાવવાની વાત આવે ત્યારે ઘડાયેલા નિયમોનું અનુસરણ કરવું. 
સંબંધો સાચવવા માટે સલાહઃ પોતાના વિચારો પ્રામાણિકપણે વ્યક્ત કરવા. કોઈનામાં ત્રુટિઓ શોધવા જવું નહીં. વિશાળ સામાજિક વર્તુળ ધરાવતાં જાતકોએ મિત્રોની પસંદગીમાં થોડી સાવચેતી રાખવી. 

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં એ વાતનું ઘણું મહત્ત્વ છે. તમે ગોપનીય રાખવા માગતા હો એ વાત કોઈને ખબર હોય ત્યારે તે વ્યક્તિ પર ભરોસો કરવામાં સાવચેતી રાખવી. કાળજીપૂર્વક અને પૂરેપૂરી સમજ સાથે જ નાણાકીય નિર્ણયો લેવા. ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનાં લક્ષ્યો નક્કી કરી લેવાં. નવા સંબંધમાં બંધાયેલાં જાતકોએ શરૂઆતમાં હળવે હલેસે કામ લેવું અને બન્નેને એકબીજા સાથે પૂરેપૂરું ફાવી જાય પછી જ દુનિયાને સંબંધની જાણ કરવી. 

સ્કૉર્પિયો જાતકોનાં અજાણ્યાં પાસાં : સ્કૉર્પિયો જાતકો કડક સ્વભાવના અને લાગણીહીન હોવાની છાપ પડી શકે છે, પરંતુ વાસ્તવમાં તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે. તેમની ભાવનાઓ જીવનના બીજા દરેક પાસા પર હાવી હોય છે. એને લીધે બિનજરૂરી પેચીદી સ્થિતિ સર્જાતી હોય છે. આ જાતકો કોઈ પણ કારણ વગર ઇર્ષ્યા અને અવિશ્વાસ કરવા લાગી જાય છે. તેઓ બીજાઓ પર કાબૂ રાખવાની વૃત્તિ ધરાવતા હોવાથી તેમને સંભાળી લેવાનું મુશ્કેલ હોય છે. સ્કૉર્પિયોને જીવનમાં રોમાંચ જોઈતો હોય છે અને એમ કરવામાં ક્યારેક તેઓ બિનજરૂરી જોખમો લઈ લે છે.

life and style astrology