આપ, આપ અને આપ કરાવે એનું નામ અનન્ય પ્રેમ

22 September, 2021 03:00 PM IST  |  Mumbai | Morari Bapu

ચકોર ચંદ્રને જોયા જ કરે, પણ ચંદ્ર ચકોરને પ્રેમ કરે? ચંદ્રને તો ખબર પણ નથી કે કોણ છે ચકોર, એ મને જુએ કે ન જુએ, હું એને જોયા કરું. એ મારી સાથે બોલે કે ન બોલે, પણ હું એની સાથે બોલતો રહું.

પ્રતીકાત્મક તસવીર

મધુવત્ અને ધૃતવત્ એમ બે પ્રકારના પ્રેમની આપણે વાત કરી. મધુવત્ પ્રેમ 
મધ જેવો હોય છે, તો ધૃતવત્ પ્રેમ ઘી સમાન હોય છે. હવે વાત કરીએ પ્રેમના ત્રીજા પ્રકાર એવા લાક્ષાવૃત્ પ્રકારના પ્રેમની.
ખૂબ તાપ પડે તો જ પીગળે એવી જડતા જ્યાં હોય એ પ્રેમ એટલે લાક્ષાવૃત્ પ્રેમ. શૂરવીર માણસનો એકનો એક દીકરો જો શહીદ થાય કે પછી એનું અકાળે અવસાન થાય તો પણ તે રડી ન શકે એનો અર્થ એવો નથી કે તેને પ્રેમ નથી. ના, પણ ઊંડો ઘા લાગે અને એ ઘાને કારણે તેનું હૈયું પીગળે નહીં, એમાં ભીનાશ આવે નહીં, આને લાક્ષાવૃત્ પ્રેમ કહેવાય. ઘણા કહે કે કંઈ પણ થઈ જાય તો પણ અમારી આંખમાં આંસુ નથી આવતાં તો ઘણા એવું કહે છે કે અમને કથામાં આનંદ આવે, પણ બીજા જેમ ગદ્ગદિત થાય છે એમ ગળગળા નથી થવાતું, ભાવુક નથી થઈ શકાતું, રડી નથી શકાતું. મન હળવું કરવું છે, પણ એ હળવું નથી થતું. આ લાક્ષાવૃત્ પ્રેમ છે. પરમાત્માને પામવા હોય તો લાક્ષાવૃત્ પ્રેમમાંથી સત્સંગ કરતાં ધૃતવત્ પ્રેમમાં પ્રવેશ કરો. ધૃતવત્ પ્રેમમાંથી ગતિ કરતાં-કરતાં મધુવત્ પ્રેમમાં પ્રવેશ કરો, પછી કૃષ્ણ તમને છોડીને ક્યાંય જશે નહીં, ગૅરન્ટી. એ ક્યારેય સાથ છોડે નહીં, એને પણ તમારા સિવાય બીજું કોઈ દેખાય નહીં.
હવે વાત કરીએ અનન્ય પ્રેમની.
સામેની વ્યક્તિ પ્રેમ કરે કે ન કરે, તે ચાહે કે ન ચાહે, પણ હું પ્રેમ કરતો રહીશ; હું તેને ચાહતો રહીશ. આ જે ભાવ છે, આ જે લાગણી છે એ અનન્ય પ્રેમ. મેઘાને ક્યાં ખબર હોય છે કે કોઈ ચાતક તેના માટે તૃષાતુર છે. મેઘાને એ પણ ખબર નથી કે કોઈ ચાંચ પહોળી કરીને, મોઢું ફાડીને ગ્રીષ્મઋતુમાં મારા માટે વલખાય છે. ચકોર ચંદ્રને જોયા જ કરે, પણ ચંદ્ર ચકોરને પ્રેમ કરે? ચંદ્રને તો ખબર પણ નથી કે કોણ છે ચકોર, એ મને જુએ કે ન જુએ, હું એને જોયા કરું. એ મારી સાથે બોલે કે ન બોલે, પણ હું એની સાથે બોલતો રહું. એ ચાહે કે ન ચાહે, હું ચાહતો રહું. આ છે અનન્ય પ્રેમ. 
એક હી છબિ, એક શી રૂખ, 
એક હી બોલી, એક હી સકલ, 
જિસ મેં અપના સબ સમા દેના. 
આનું નામ અનન્ય પ્રેમ. પતિ-પત્નીનો, મિત્ર-મિત્રનો, પાડોશી-પાડોશીનો પ્રેમ એને સ્થાને બરાબર છે. માનવતાને પ્રેમ કર, પ્રાણીઓને પ્રેમ કર, અનન્ય પ્રેમમાં લેવડ-દેવડ નથી હોતી. એમાં કોઈ હિસાબને સ્થાન નથી, એમાં કોઈ અકાઉન્ટ કામ કરતું નથી. બસ, આપ, આપ અને આપ જ કરાવે એનું નામ અનન્ય પ્રેમ.

astrology columnists