અનૈતિક કામવાસના તરફ ન ધકેલે એ સાચી લગ્નસંસ્થા

12 September, 2021 07:36 AM IST  |  Mumbai | Swami Sachidanand

જાણતાં-અજાણતાં કે નાદાનીથી કોઈ નાનીસરખી ભૂલ થઈ હોય તો બન્ને પક્ષે એને નિભાવી લેવાની ઉદારતા કેળવવી જ જોઈશે.

પ્રતીકાત્મક તસવીર

સામાજિક તંદુરસ્ત માનસિકતા માટે સ્ત્રી-પુરુષની એકબીજા પ્રત્યેની અને ખાસ તો પુરુષોની સ્ત્રી પ્રત્યેની જે માનસિકતા છે એમાં બદલાવ આવે એ ખૂબ જરૂરી છે.
હવે જે પ્રકારે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, લગ્નની ઉંમર પણ વધી છે ત્યારે બીબાઢાળ લગ્નસંસ્થાઓની બાબતમાં અને પૂર્વજીવનના સંબંધો પ્રત્યે ઉદારતા ધરાવે એ જરૂરી છે. જાણતાં-અજાણતાં કે નાદાનીથી કોઈ નાનીસરખી ભૂલ થઈ હોય તો બન્ને પક્ષે એને નિભાવી લેવાની ઉદારતા કેળવવી જ જોઈશે. ભૂલ ન થાય એ ઉત્તમ છે, પણ એકાદ નાની ભૂલ અહંકારભર્યા અભિગમના કારણે જીવન બરબાદ કરનારી બની જાય તો એ લગ્નસંસ્થાની ક્રૂરતા જ કહેવાય.    
સ્ત્રી-પુરુષોના કુદરતી સંબંધોને અકુદરતી બનાવવાથી અનિષ્ટો ઊભાં થાય છે. કામવાસના એ કુદરતી પ્રક્રિયા છે. પશુ, પક્ષી, જીવ-જંતુઓ સૌ કોઈ એનાથી સજ્જડ બંધાયેલાં છે. કુદરતી આવેગને કુદરતના માર્ગે વળવા દેવાથી તેમના માટે કામવાસના ગંભીર પ્રશ્નો ઊભા નથી કરતી. તેમના ચહેરા પર શાંતિ, તૃપ્તિ અને સ્વચ્છતા જોઈ શકાય છે. બીજી તરફ માણસે કામવાસનાને પાપ, અનર્થ, અધોગતિ જેવા જાતજાતના અને ભાતભાતના શબ્દોથી નિંદિત અને ત્યાજ્ય ગણી હોવાથી તે અકુદરતી જીવન દ્વારા કુદરતને પામવાનો મિથ્યા અને પીડાકારી માર્ગ પકડીને પોતાની જાતને સતત દબાણ, અશાંતિ અને અતૃપ્તિમાં પટકી રહ્યો છે. 
નૈતિક અને સ્વસ્થ જીવન માટે પણ આ યોગ્ય માર્ગ નથી. આધ્યાત્મિક વિકાસ માટે પણ આ યોગ્ય માર્ગ નથી. યોગ્ય માર્ગ છે સંયમનો, નિગ્રહનો નહીં. સંયમ કુદરતી છે, પશુ-પક્ષીઓમાં જોઈ શકાય છે, પણ માણસ જ્યારે અત્યંત અભોગી થવા માગે છે ત્યારે અથવા અત્યંત અતિભોગી થવા માગે છે ત્યારે તે જીવનથી હાથ ધોઈ નાખે છે. તે દુર્બળ, રોગી, ફિક્કો, ચીડિયા સ્વભાવવાળો, હતાશ, નિરાશ, દિશાશૂન્ય, વેગોના દબાણથી ત્રસ્ત, અશાન્ત અને ગ્લાનિભર્યું જીવન જીવતો થઈ જાય છે. એટલે વ્યક્તિ કે પ્રજાને અકુદરતી જીવન તરફ ધકેલવા કરતાં કુદરતના ખોળે બેસાડવાં વધુ હિતાવહ છે. તેથી ધર્મ નૈતિકતાનો પોષક બને છે અને પ્રજાને સુખી બનાવે છે.    
લગ્નસંસ્થા એવી હોવી જોઈએ કે સ્ત્રી-પુરુષોને અનૈતિક કામવાસના તરફ ધકેલાવું ન પડે. સામાજિક, ધાર્મિક કે આર્થિક કારણોસર વ્યક્તિને ફરજિયાત સતત એકાકી રહેવું પડે એ સ્વસ્થ સમાજનું લક્ષણ નથી. જે સમાજ મનોવૈજ્ઞાનિક તથા શરીરવિજ્ઞાનનાં તત્ત્વોને નથી જાણતો તે જ પોતાના માણસોને કઠોર અને અકુદરતી પ્રથાઓ દ્વારા રિબાવતો હોય છે. આવો સમાજ પાપી સમાજ છે, કારણ કે એ પાપનાં કારણોને પ્રશ્રય આપે છે. આ રીતે ઊંચા ગણાતા સમાજ કરતાં પછાત ગણાતો સમાજ ઘણો સ્વચ્છ તથા સ્વસ્થ છે, કારણ કે તે પોતાના માણસોને રિબાવતો નથી.

columnists sex and relationships astrology