આજે રસ, કાલે નીરસ એ પ્રેમ નથી, એ મોહ છે

07 October, 2021 10:24 AM IST  |  Mumbai | Morari Bapu

Complain નહીં કરો, Complete થઈ જાઓ. પોતાની જાતને પૂર્ણ બનાવવાની કોશિશ કરો. આ કોશિશ તમારા પ્રેમને આજીવન અકબંધ રાખશે

પ્રતીકાત્મક તસવીર

છલ, દ્રવિત, માન જેવાં લક્ષણોની વાત કર્યા પછી હવે આવે છે વાત પ્રેમના લક્ષણ એવી સેવાની. પ્રેમીમાં દોષદર્શન કર્યા પછી, દર્શન થયા પછી પણ કોઈ જાતના અન્ય વિચારને મનમાં લાવ્યા વિના એની વધુ સેવા કરવાની ઇચ્છા થાય. પ્રેમનું આ લક્ષણ અદ્ભુત છે. જિંદગી પ્રેમથી જીવવી હોય તો એને જીવનમાં ઉતારજો. તેનામાં એ દોષ આવ્યા, કારણ કે મારી સેવા ઓછી પડી. મેં સેવા પૂરતી કરી હોત તો તેનામાં દોષ ન આવ્યો હોત. મા દીકરાની સેવા રોજ કરે છે, પણ તાવ આવી જાય તો વધુ સેવા કરે છે. એ વખતે ધક્કો નહીં મારે કે મેં તને હજાર વાર કહ્યું કે આ નહીં ખાતો, પણ તેં ખાધું ને તને તાવ આવ્યો. પ્રેમ સકારાત્મક હોય છે. નકારાત્મક નહીં. પ્રેમ સદૈવ સકારાત્મક વૃત્ત રાખે છે. શુભ જોશે, તેની વધુ સેવા કરવાની જરૂર છે. તેને સેવાની જરૂર છે.
એ પછી આવે છે નિત નૂતન રસ.
પ્રેમ એને કહે છે, જેમાં નિત નૂતન રસ આવે. આજે રસ આવ્યો અને કાલે એ પ્રેમ નીરસ બનાવી દે તો માનજો કે એ પ્રેમ નથી, એ મોહ છે. નારદજી કહે છે, પ્રતિક્ષણ વર્ધમાન. નિત નૂતન, અનુદિત બઢઉ. ક્ષણ ક્ષણ નવ અનુરાગ રહે છે. રામાયણ કહે છે નિત નવો રસ આપે એ પ્રેમ અને એ પ્રેમ જીવન પર્યંત રસપ્રદ રહે છે.
છઠ્ઠા લક્ષણે છે ફરિયાદ ન હો.
સમસ્ત ફરિયાદો સમાપ્ત થઈ જાય એ પ્રેમ. એક પણ ફરિયાદ ન થાય એ પ્રેમ પૂર્ણ છે. એક તબક્કો હોય છે જ્યારે પ્રેમ શિકાયતથી, ફરિયાદથી, રાવથી ભરેલો હોય છે. બાપને દીકરા માટે ફરિયાદ, પાડોશી માટે ફરિયાદ અને બસ ફરિયાદ, ફરિયાદ અને ફરિયાદ જ, પરંતુ યાદ રાખજો કે શિકાયતી ચિત્ત એટલે કે ફરિયાદી મન અધ્યાત્મમાં પ્રવેશ માટે લાયક નથી. ફરિયાદ શું કરવાની અને શું કામ કરવાની? 
Complain નહીં કરો, Complete થઈ જાઓ. પોતાની જાતને પૂર્ણ બનાવવાની કોશિશ કરો. આ કોશિશ તમારા પ્રેમને આજીવન અકબંધ રાખશે અને એની તીવ્રતા પણ અકબંધ રહેશે.
હવે પછીના સ્થાને આવે છે અદ્વૈત.
પ્રેમ કે પ્રેમના પાત્ર બે અલગ ન હોય, પરંતુ એક થઈ જાય ત્યારે અદ્વૈત પ્રગટે છે. કોઈ વ્યક્તિનું બહુ ચિંતન કરો, સ્મરણ કરો તો તેને જે વિચાર આવશે એ તમને પણ આવશે. આ જે અદ્વૈત છે, અનુપમ છે, અપ્રતિમ છે એ ઔલોકિક છે. આ લક્ષણ જ્યારે પણ પામો ત્યારે માનજો કે પ્રેમ આધ્યાત્મિક સ્તર પામી રહ્યો છે.
પ્રેમનાં અન્ય લક્ષણોને હવે જોઈશું આવતા બુધવારે.

astrology columnists