વધતી નકારાત્મકતા પણ સામે આવવા માગે છે

15 March, 2026 11:42 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

નકારાત્મક ઊર્જા હંમેશાં પોતાની હાજરીની સાઇન આપે છે, પણ એને ઓળખવી બહુ જરૂરી છે. અહીં એવી જ કેટલીક સાઇન વિશે વાત કરી છે જે જીવનમાં આવેલી નેગેટિવ એનર્જી તરફ ઇશારો કરે છે

પ્રતીકાત્મક તસવીર

નેગેટિવ એનર્જીનું સૌથી મોટું કામ છે તમામ બાબતોમાં નકારાત્મકતા લાવવી. આર્થિક મુદ્દાથી લઈને સામાજિક અને પારિવારિક મુદ્દાઓ સુધ્ધાંમાં પણ નેગેટિવ એનર્જી પોતાની તાકાત દેખાડતી રહે છે. નાની-નાની બાબતોમાં ઘરમાં કંકાસ થવો, મહેનત મુજબનું પરિણામ ન મળવું કે પછી સાચી બાબતમાં જશ ન મળવો એ તમામ બાબતો પણ નેગેટિવ એનર્જીની નિશાની છે. આ નેગેટિવ એનર્જી જ્યારે પણ તમારી આસપાસ આવે ત્યારે એ પોતાની ઓળખ દર્શાવી દે છે, પણ એને ઓળખતાં આવડવું જોઈએ. અહીં એવી જ કેટલીક સાઇન વિશે વાત કરવામાં આવી છે જે તમારી આસપાસ જુઓ તો માનવું કે તમારી આજુબાજુમાં નકારાત્મકતા વધી રહી છે.

આ નકારાત્મક ઊર્જાને કેવી રીતે દૂર કરવી એના ઉપાયોની પણ આ સાથે જ આપણે ચર્ચા કરીએ.

. દીવાલોમાં તિરાડ પડવી

હા, કોઈ જ કારણ વિના, જેને સામાન્ય શબ્દોમાં વા-તડ કહેવામાં આવે છે. ઘરમાં જો વા-તડ દેખાવા લાગે અને એ ધીમે-ધીમે વધતી હોય તો માનવું કે તમારી આસપાસ નકારાત્મકતા વધી રહી છે. વધતી આ તિરાડ તમારા પ્રોફેશન કે પછી બિઝનેસને નુક્સાનકર્તા બની શકે છે એટલે એને તાત્કાલિક બંધ કરવી હિતાવહ છે. વધતી તિરાડ સૂચવે છે કે તમારા વિકાસમાં ક્યાંક એ આડખીલી છે અને એટલે જ દીવાલોમાં વધતી તિરાડને ગંભીરતાથી લઈને કલરકામ અને ભવિષ્યમાં ફરીથી તિરાડ ઊભી ન થાય એ માટે જરૂરી કેમિકલ દ્વારા કામ કરાવવું જોઈએ.

. નળમાંથી પાણી ટપકવું

 દેખીતી રીતે આ બહુ નાની વાત લાગે, પણ એવું નથી. બંધ કર્યા પછી પણ ટપકતો પાણીનો નળ ઘરની આર્થિક અવસ્થાને ઘસારો સૂચવે છે. આ પ્રકારે બગડેલા નળને તાત્કાલિક બદલી નાખવો હિતાવહ છે. જે પણ ઘરમાં ટપકતો નળ હોય છે એ ઘરમાં આર્થિક મુદ્દે કંકાસ પણ રહેતો હોય છે.

ટપકતા નળનું રિપેરિંગ કરાવ્યા પછી પણ જો ફરીથી પાણી ટપકવાનું શરૂ થાય તો તરત નળ બદલાવવો જોઈએ.

. દરવાજાનું જમીન સાથે ઘસાવું

અગેઇન, સામાન્ય કહેવાય એવી જ વાત છે અને મોટા ભાગનાં ઘરોમાં ચોમાસાના દિવસો દરમ્યાન આવું બનતું જ હોય છે, પણ આ સારી સાઇન નથી. જો ઘરનો મુખ્ય દરવાજો જમીન સાથે ઘસાતો હોય તો માનવું કે ઘરની મુખ્ય વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ વધવાની સંભાવના છે અને ધારો કે ઘરના અન્ય દરવાજાઓ પણ ઘસાતા હોય તો માનવું કે કાયદાકીય ચુંગાલમાં ફસાવાની સંભાવના વધી છે.

આ પ્રકારના દરવાજા મિસ્ત્રીને બોલાવી તાત્કાલિક ઘસાવી એ નૉર્મલી વર્તે એવું કરવું જોઈએ.

. વારંવાર દૂધ ઊભરાવું

ફરી એક વાર સામાન્ય કહેવાય એવી આ ઘટના છે, પણ જો વીકમાં બેથી વધુ વખત આવું બને અને દૂધ ઊભરાય તો માનવું કે એ નકારાત્મકતાની નિશાની છે. દૂધ અને પાણી બે એવાં તત્ત્વો છે જે નેગેટિવિટીની સૌથી પહેલી ચાડી ખાય છે એટલે માત્ર દૂધ ઊભરાવું એ જ સાઇન નથી, પણ જો વારંવાર દૂધ બગડી જતું હોય તો એને પણ નકારાત્મકતાની જ સાઇન ગણવી જોઈએ. આવું બનતું હોય તો એ ઘરની મહિલા સભ્યની તબિયત બાબતમાં સાવચેત કરે છે. દૂધ ઉભરાવાની કે પછી બગડવાની ઘટના વધે ત્યારે માત્ર વાસણ જ નહીં પણ ચૂલાનીયે એકદમ યોગ્ય રીતે સાફસૂફી કરવી.

આ પ્રક્રિયા અટકાવવાનું કામ માત્ર ચીવટ જ કરી શકે એટલે આવું જો વારંવાર બને તો વધારે ચીવટ સાથે દૂધ ગરમ કરવાની પ્રક્રિયા કરવી.

. ઝીણી વંદીનું વધી જવું

નાની વંદી જે હોય છે એનું પ્રમાણ જો વધવા માંડે અને ઘરગથ્થુ ઇલાજ પછી પણ એનો ઉપદ્રવ બંધ ન થતો હોય તો પણ એને નેગેટિવિટીની સાઇન ગણવી. આવું ત્યારે બને છે જ્યારે પારિવારિક સંબંધોને બહારની વ્યક્તિઓ ધીમે-ધીમે ફોલી ખાવાનું શરૂ કરતી હોય છે. વંદીનો ઉપદ્રવ વધે અને સામાન્ય ઇલાજથી એ ઘરમાંથી દૂર ન થાય એવા સમયે આખા ઘરની દીવાલ ફરતે કપૂરનો ઝીણો ભૂકો પાથરવો જોઈએ. કપૂર જેટલું પૉઝિટિવ સત્ત્વ આ જગતમાં બીજું કોઈ નથી એ વાત હંમેશાં યાદ રાખવી.

કપૂરદાની દ્વારા આખા ઘરમાં કપૂરની ખુશ્બૂ પ્રસરાવવાનું કામ પણ અઠવાડિયામાં એક વાર સૌકોઈએ કરવું જોઈએ. આ ઉપરાંત ગૂગળ પણ ખૂબ જ લાભદાયી છે એટલે વીકમાં એક વાર ગૂગળનો ધૂપ પણ કરતા રહેવું જોઈએ. ગૂગળ અને કપૂર જીવાતને દૂર રાખવાનું કામ કરે છે.

astrology life and style lifestyle news columnists gujarati mid day exclusive