વિશિષ્ટ સફાઈકર્મચારી

09 December, 2022 03:38 PM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

હા, મહાન પુરુષોની આ જ મોટી વિશેષતા છે કે તેઓ માટે કોઈ કામ નાનું નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સન ૧૯૯૮ના અંતમાં આપણા દેશનો પીએસએલવી મિસાઇલ કાર્યક્રમ પુરજોશમાં, પણ વિદેશી જાસૂસી ઉપગ્રહોની નોંધમાં ન આવે તેમ ગુપ્ત રીતે ચાલતો હતો. આ મિસાઇલો માટે જરૂરી ક્રાયોજેનિક એન્જિનો ગુપ્તતા સાથે ચેન્નઈ બંદરે પહોંચ્યાં. ત્યાંથી વિશેષ ભારવાહક હેલિકૉપ્ટર દ્વારા એમને લૉન્ચિંગ સાઇટ પર પહોંચતાં માત્ર બે જ કલાક થાય તેમ હતા, છતાં ગુપ્ત રીતે વાંકાચૂકા માર્ગે વચ્ચે-વચ્ચે વિશ્રામ લેતાં-લેતાં ૧૬ કલાકે લૉન્ચિંગ સાઇટ સુધી પહોંચાડવાનાં હતાં. ખૂબ જ ભારને લીધે એ હેલિકૉપ્ટરમાં બે સફાઈકામદારો સહિત કેવળ બાર યાત્રીઓ જ મુસાફરી કરી શકે એમ હતું.

યાત્રાની ઘડીએ લાંબા રાખોડી રંગના વાળવાળા એક મહાશય કૅપ્ટન પાસે આવ્યા અને કહ્યું કે હું મારી ફ્લાઇટ ચૂકી ગયો છું અને લૉન્ચિંગ પૅડ પર મારે પહોંચવું અનિવાર્ય છે. એટલે આ હેલિકૉપ્ટરમાં જ જવું પડે એમ છે. કૅપ્ટને પ્રત્યુત્તર આપ્યો કે મને ભારત સરકાર દ્વારા નક્કી થયેલા આ ૧૨ જણને જ લઈ જવાનો આદેશ છે, એટલે આપને સમાવી શકીશ નહીં. હા, પ્રોજેક્ટ ડિરેક્ટર જરૂર પડ્યે બે સફાઈકર્મચારીઓને બદલી શકે.

થોડી વારે જ્યારે હેલિકૉપ્ટર ઉડાન ભરતું હતું, એ પૂર્વે તે મહાશય દોડતા કૅપ્ટન પાસે આવીને અધિકૃત કાગળ બતાવતાં કહે, ‘કૅપ્ટન, પ્રોજક્ટ ડિરેક્ટરે કૃપા કરીને એક સફાઈકર્મચારીની જગ્યાએ મને આવવા રજા આપી છે.’ એ કાગળ તપાસી કૅપ્ટને જેવી સાથે આવવાની અનુમતિ આપી કે તરત જ બાળકના જેવા ઉત્સાહથી તેઓ હેલિકૉપ્ટરમાં ચડી ગયા. ચાર કલાક પછી પ્રથમ વિશ્રામ આવ્યો, ત્યારે સૌ ચા પીતા હતા અને બન્ને સફાઈકર્મીઓ સફાઈ કરતા હતા. ત્યાં હેલિકૉપ્ટરના યાત્રિકોમાંના એક વૈજ્ઞાનિકે આવીને કૅપ્ટનને વિનંતી કરી કે ગમે તેમ કરીને પેલા નવા જોડાયેલા સફાઈકર્મચારીને સફાઈ કરતાં રોકો. કૅપ્ટને કારણ પૂછ્યું તો તેઓ કહે કે એ અમારા પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. એ. પી. જે. અબ્દુલ કલામ છે.

આ જાણતાં જ સૌ ચોંકી ઊઠ્યા. તરત જ કૅપ્ટને કલામસાહેબ પાસે જઈને સફાઈ ન કરવા વિનંતી કરી. ત્યારે કલામસાહેબે ક્હ્યું કે હું અત્યારે એક સફાઈકર્મચારી તરીકે યાત્રા કરી રહ્યો છું, એટલે મારી આ જવાબદારી અદા કરતાં મને કોઈ રોકી નહીં શકે. ત્યાર પછી બીજા વિશ્રામ વખતે પણ તેમણે પોતાનું કર્તવ્ય ખૂબ ખંતથી નિભાવ્યું. સૌ લાચારીથી પોતાના પ્રોજેક્ટ ડિરેક્ટરને સામાન્ય સાફસૂફીનું કામ કરતા જોઈ રહ્યા.

હા, મહાન પુરુષોની આ જ મોટી વિશેષતા છે કે તેઓ માટે કોઈ કામ નાનું નથી. જેટલી જવાબદારી અને ખંત સાથે કલામસાહેબ મિસાઇલનો પ્રોજેક્ટ સર કરી શકતા, એટલી જ જવાબદારી અને ખંત સાથે સામાન્ય સાફસૂફી. રાષ્ટ્રપતિના સિંહાસને આરૂઢ થવું સહેલું છે, પણ આમ જનતાના હૃદયસિંહાસને આરૂઢ થવા આવાં સચ્ચાઈ, પ્રામાણિકતા અને અહંશૂન્યતા વગેરે ગુણો અતિ આવશ્યક છે. એટલે જ આજે તેઓ આપણા અત્યંત લાડીલા રાષ્ટ્રપતિઓમાંના એક છે.

કલામસાહેબે તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ અને ઇલકાબો મેળવ્યા છે. સંખ્યાબંધ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિઓ આપેલી છે. ૨૫થી પણ વધુ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે. તેમાં છેલ્લું પુસ્તક તેમણે લખ્યું – ‘ટ્રેન્સેન્ડન્સ, મારી પ્રમુખસ્વામીજી સાથેની આધ્યાત્મિક અનુભૂતિ’. આ પુસ્તક પ્રમુખસ્વામી મહારાજને હાથોહાથ સમર્પિત કરતાં તેમણે જાતે પુસ્તકમાં નોંધેલી પંક્તિઓ વાંચી હતી કે હું ઘણા મહાનુભાવો પાસેથી ઘણુંબધું શીખ્યો છું, પણ આપ મારા અલ્ટિમેટ ટીચર (સર્વોત્તમ શિક્ષક) છો. આપે મને અહં અને મમત્વ કેવી રીતે ત્યજવાં, એ શીખવ્યું છે.

પ્રમુખસ્વામીજીને પણ જ્યારે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે માત્ર ૨૮ વર્ષની ઉંમરે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે એ સભા પૂર્ણ થયા બાદ થયેલા જમણવારનાં બધાં વાસણો તેમણે જાતે ઊટક્યાં હતાં. એ વખતે પોતે પ્રમુખ છે, એટલે આવી સામાન્ય ક્રિયા પોતાનાથી ન થાય, એવો કોઈ વિચાર તેમને આવ્યો નહોતો.
આવા ગુણો હોય, તે જ વ્યક્તિ અનેકના હૃદયસિંહાસને રાજ કરી શકે.

life and style astrology