10 October, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાળીમાં આ વસ્તુઓ ફેંકજો
દિવાળી ફક્ત અજવાશ કે મીઠાઈઓનો તહેવાર નથી પણ પોતાના જીવનમાંથી અવ્યવસ્થાને દૂર કરવાનો પણ સમય છે. આપણે અજાણતાં જ ઘરમાં અનેક એવી વસ્તુઓ એકઠી કરી નાખીએ છીએ જે ફક્ત જગ્યા જ નથી રોકતી પણ માનસિક તનાવ પણ વધારે છે. આ દિવાળીમાં ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે જેને આપણે ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઈએ.
વીજળી-પાણીનું બિલ, ATM અને બૅન્ક ડિપોઝિટ સ્લિપ્સ, એક્સ્પાયર થયેલાં વૉરન્ટી કાર્ડ, જૂનાં ID કાર્ડ વગેરે જેવા કાગળોનો ઘરમાં ઢગલો કરી રાખવાને બદલે ફેંકી દેવા જોઈએ. કબાટમાં કામનું ને નકામું બધું સાથે ભરી રાખો તો જરૂર પડવા પર નકામી વસ્તુઓ જ હાથમાં આવે અને કામની વસ્તુ શોધવામાં કલાકો નીકળી જાય.
ઘણા લોકોના ઘરમાં બ્યુટી અને સ્કિનકૅર પ્રોડક્ટ્સ એક્સપાયર થયા પછી પણ એમની એમ બાથરૂમમાં અને ડ્રોઅરમાં પડી રહેતી હોય છે. આ પ્રોડક્ટ્સ અડધી વાપર્યા વગરની પડેલી હોય એટલે એને ફેંકવામાં લોકોનું મન ન માનતું હોય. આ દિવાળીમાં તમારે આ પ્રોડક્ટ્સ ફેંકી દેવી જોઈએ કારણ કે એને એમ પણ તમે ઉપયોગમાં તો લઈ શકવાના છો નહીં.
એવી જ રીતે જો તમારા ઘરમાં જૂનાં પૅકેજિંગ અને ગિફ્ટ રૅપનો ઢગલો થઈ ગયો હોય અને ભવિષ્યમાં કામ આવશે એમ વિચારીને તમે એનો સંગ્રહ કરીને રાખ્યો હોય તો આ દિવાળીમાં એને ફેંકી દેજો. તમને બહુ જ ગમતાં હોય એવાં બે-ત્રણ ગિફ્ટ રૅપ ભલે રાખી મૂકો, પણ સાવ જૂનાં અને ચોળાઈ ગયેલાં હોય એ ફેંકી દો કારણ કે એનો ઉપયોગ આમ પણ ભવિષ્યમાં કરી શકાય એમ નથી.
લગભગ બધાના જ ઘરમાં એક ડ્રૉઅર તો એવું હશે જ જેમાં જૂના મોબાઇલ ફોન, જૂના હેડફોન, જૂનાં ચાર્જર ભરીને રાખ્યાં હશે. ડેટા ચોરી થવાનો ભય, રીસેલની આશાએ કે પછી ભવિષ્યમાં કામ લાગશે એમ વિચારીને લોકો એને ફેંકતાં ખચકાય છે. એટલે એવી ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ જે વર્ષોથી તમે સંગ્રહીને રાખી છે પણ કોઈ દિવસ ઉપયોગમાં આવી નથી એને તમારે આ દિવાળીની સફાઈમાં ફેંકી દેવી જોઈએ.
એવી જ રીતે દર મહિને-બે મહિને કપડાં ધોવાનો પાઉડર, ફિનાઇલ, વાસણ ધોવાનું લિક્વિડ લાવતાં હોઈએ છીએ પણ એની ખાલી બૉટલ એમની એમ જ ઘરે જમા થતી રહે છે. સાથે જ જૂનાં થયેલાં વાસણ ધોવાનાં કૂચડાં, બ્રશ વગેરે ઉપયોગમાં ન લેવાતાં હોવા છતાં ઘરમાં જમા થતાં રહે છે. એટલે દિવાળીની સફાઈમાં આ બધી વસ્તુનો નિકાલ કરવો પણ જરૂરી છે.
બધાના જ ઘરમાં એવાં જૂનાં વાસણો અને કુકવેરનો ઢગલો હશે જે નિયમિત રીતે કામ નથી આવતાં પણ કદાચ ક્યારેક કામ આવી શકે એમ વિચારીને એને રાખી મૂકવામાં આવતાં હોય છે. આ દિવાળીએ તમારે એમાંથી તૂટેલાં વાસણો ભંગારમાં આપી દેવાં જોઈએ અને જે સારી કન્ડિશનમાં હોય એને દાનમાં આપી દેવાં જોઈએ.
ઘરમાં રહેલી નકામી વસ્તુને ફેંકી દેવાથી ઘરમાં તો જગ્યા બને જ છે પણ સાથે માનસિક શાંતિ પણ મળે છે. ઘરમાં બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય તો કામ જલદી અને સરળતાથી થાય છે. જૂની વસ્તુ ફેંક્યા બાદ જગ્યા ખાલી થવાથી નવો સામાન રાખવાની જગ્યા બને છે. સાફ સૂથરું ઘર તહેવાર માટે ઊર્જા અને સકારાત્મક વાતાવરણ તૈયાર કરે છે.