સંસારમાં જીવીએ એનાથી મોટું તપ બીજું કોઈ નહીં

08 June, 2022 09:02 PM IST  |  Mumbai | Morari Bapu

ઘરમાં કોઈ કડવું વેણ કહી દે અને એ વેણ તમે વિવેકથી સહન કરી લો ને પછી સમય આવે ત્યારે વિવેકથી તેને સમજાવો. આ જે સમજણ દાખવો ત્યારે માનવું તમારું તપ થઈ ગયું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ગયા ગુરુવારે કહ્યું એમ, તપનો અર્થ બધું છોડવું એવો બિલકુલ નથી. આજે મોટા ભાગના લોકો એવી માન્યતા વચ્ચે રહે છે કે બધું છોડી દો તો એ તપ કહેવાય, પરંતુ એવું નથી. ના, જરાય નથી. પ્રેમનો સેતુ બનીને સૌને સાંકળી લેવા એ તપ છે. ઘરમાં કોઈ કડવું વેણ કહી દે અને એ વેણ તમે વિવેકથી સહન કરી લો ને પછી સમય આવે ત્યારે વિવેકથી તેને સમજાવો. આ જે સમજણ દાખવો ત્યારે માનવું તમારું તપ થઈ ગયું.
તમારે પંચધૂણી તાપવાની જરૂર નથી. આપણે આ સંસારમાં જીવીએ છીએ એ જ મોટું તપ છે. તમે લગ્ન કરી સંસારમાં વિષાદપૂર્ણ જીવન જીવો એ તપ. મારા ભાઈ માટે હું આટલું જતું કરું એ મારું તપ. રેડિયો ધીમે વગાડો, ફાટફાટ થતી વૃત્તિને વિવેકથી રોકવી એ તપ. માણસે તપવું જ જોઈએ. બટાટાને ઠંડા પાણીમાં રાખી મૂકો તો કોહવાઈ જાય, એને ગરમ પાણીમાં બાફો તો સ્વાદ આવે. તપ ક્રોધ, ઉગ્રતા ને અહંકારનું ક્યારેક સર્જન કરે છે, એનાથી સાધકે બચવું.
ઓછું બોલવું તપ છે. જરૂર કરતાં વધારે ન બોલો. ડેલ કાર્નેગી કહે છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો બોલવાનો અવસર બીજા લોકોને આપો અને તમે ઓછું બોલો, કારણ કે ભૂલ કરશે તો તે કરશે, ખોટું બોલશે તો તે બોલશે. તમે બોલો, પરંતુ ઓછું બોલો. નિંદા સહી લેવી, વિકારોના આવેગને પર્યામ વિવેકથી સંભાળવા, બીજાની ચડતી જોઈને મનમાં ખરાબ ભાવના ન લાવવી અને જીવનમાં જેટલું ઓછું બોલી શકાય એટલું જ બોલવું એ તપ છે. કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે, જેનામાં તપ ન હોય તેને આ જ્ઞાન ન આપતો, તપસ્વી હોય તેને જ મારી વાટ કહેજે, મારી વિદ્યા તેને જ પ્રદાન કરજે.
તપ એને કહેવાય જે આપણને શુદ્ધ કરે, જે આપણને પવિત્ર કરે. તપ એ નથી જે અન્યને તકલીફ આપે અને એ તકલીફ પછી અન્ય આપણા માટે મનમાં અભાવ રાખે.
તપના પ્રકાર છે અને એ પ્રકારમાં પણ પેટા-પ્રકાર છે. આપણે પહેલાં વાત કરીએ શારીરિક તપની. 
દેવદ્વિજ ગુરુપ્રાજ્ઞ પૂજનં શૌચમાર્જવમ્બ્રહ્મચર્યમહિંસા ચ શરીર તપ ઉચ્ચતે. (શ્રીમદ ભગવદ્ગીતા ૧૭/૧૪)
ગીતા તપનો અર્થ સમજાવે છે. શરીરનાં તપ કયાં-કયાં છે?
શારીરિક સ્તરની તપસ્યા સ્થૂળ તપસ્યા છે, જેમાં શરીરને હદથી વધુ કષ્ટ આપવામાં આવે છે. જે તપસ્યા પ્રસન્નતા છીનવી લે, હસવાનું છીનવી લે એ તપસ્યા યોગ્ય નથી. તપસ્વી તો પ્રસન્નચિત્ત હોવો જોઈએ. શારીરિક તપનો અર્થ શું શરીરને ભૂખે મારવું? નહીં ભાઈ. તુલસીદાસજી પણ એવી સલાહ નથી આપતા. તુલસીદાસજીની સલાહ શું છે અને શારીરિક તપ કેટલા પ્રકારનાં હોય એની વાતો કરીશું આપણે આવતી કાલે.

astrology Morari Bapu columnists