ધર્મના નામે અધર્મ ફેલાવે એનો વિજય ઇચ્છી ન શકાય

13 September, 2021 07:21 AM IST  |  Mumbai | Swami Sachidanand

શાસનની જરૂર રહેવાની જ, પણ તે માત્ર છૂટાછવાયા અનર્થોને રોકવા માટે. બાકી બધી જવાબદારી આપોઆપ ધર્મ દ્વારા સ્વીકારી લેવામાં આવી હોય.

મિડ-ડે લોગો

ધર્મથી પ્રજા વ્યવસ્થિત રહે એવું માનનારો પણ એક વર્ગ છે, પણ આ ખોટી માનસિકતા છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે જ્યાં પ્રજાજીવન વ્યવસ્થિત રહેતું હોય ત્યાં ધર્મ છે અને અવ્યવસ્થિત જીવન હોય ત્યાં અધર્મ છે. 
વ્યવસ્થા એ પરિણામ છે અને ધર્મ એનું કારણ છે. બસમાં ચડવાનું હોય કે મંદિરમાં દર્શન કરવાનાં હોય, શાકમાર્કેટ હોય કે રાષ્ટ્રપતિ ભવન હોય, સર્વત્ર એક સુચારુ વ્યવસ્થા દેખાય તો એ ધર્મ છે. આ વ્યવસ્થા સ્વસ્વીકૃત નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યોની સ્થાપના વિના શક્ય નથી જ. શાસનની જરૂર રહેવાની જ, પણ તે માત્ર છૂટાછવાયા અનર્થોને રોકવા માટે. બાકી બધી જવાબદારી આપોઆપ ધર્મ દ્વારા સ્વીકારી લેવામાં આવી હોય. એ ધર્મને કયા ધર્મ સાથે સરખાવવો એ મહત્ત્વનું નથી, પણ મહત્ત્વનું એ છે કે વ્યવસ્થા અકબંધ રહે અને એ સુચારુ હોય.
જો નૈતિકતા તથા ઉચ્ચ મૂલ્યોને મનથી જ તિરસ્કૃત કરવામાં આવશે તો પ્રત્યેક વ્યક્તિદીઠ પોલીસ ઊભો કરી દેવાશે તો પણ વ્યવસ્થા રાખી શકાશે નહીં, કારણ કે પોલીસ સ્વયં અવ્યવસ્થાનો ઉપાસક અને પોષક થઈ જશે. 
નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યો ધર્મ, સમાજ અને રાજકીય ક્ષેત્રના ઉચ્ચ સ્થાને બેઠેલા માણસો દ્વારા સ્થાપિત થતાં હોય છે. 
ઊંચા આસને બેઠેલા ભ્રષ્ટ, લબાડ, લુચ્ચા માણસો પ્રજાને અનૈતિક અને અવ્યવસ્થિત કરી મૂકતા હોય છે એટલે વ્યવસ્થા પોલીસથી નહીં પણ પોલીસના સર્વોચ્ચ શાસકોથી આવતી હોય છે. 
‘ધર્મનો જય થાઓ’ એવું કહેવાનો અર્થ બિલકુલ એવો નથી કે ટીલાં-ટપકાંનો જય થાઓ. ના, ના અને ના. જરાય એવો અર્થ નથી, પણ ‘ધર્મનો જય થાઓ’ એનો અર્થ એ છે કે પ્રજામાં અને પ્રજાના પ્રહરીઓમાં, નેતાઓમાં અને માણસમાત્રમાં પૂર્ણ નૈતિકતાની સ્થાપના થાઓ. જો આવું ન થઈ શકે તો એ ધર્મ માત્ર સંપ્રદાય બનીને રહી જાય છે અને એનો લાભ સમાજને બિલકુલ નથી થતો. ઊલટું એનું નુકસાન મોટા પાયા પર થતું હોય છે. ધર્મઝનૂન માટે નારા લગાવીને ભટકેલી પ્રજાને વધુ ભટકાવાય છે, જેને લીધે વ્યવસ્થાની સ્થાપના નથી થતી. અત્યારે તાલિબાનમાં જે ચાલી રહ્યું છે એ આ જ છે. ધર્મઝનૂન સાથે નારા લગાવીને પ્રજાને વધારે ભટકાવવાનું કામ કરવામાં આવે છે. જે પ્રજા ભટકતી નથી એ પ્રજાને હેરાન કરવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. ખોટું છે, પણ એને મન એ ધર્મ છે. હવે તમે જ કહો કે શું એ ધર્મનો જય થાઓ એવું કહેવાનો ભાવાર્થ હશે? શું આવા ધર્મનો વિજય થવો જોઈએ એવી અપેક્ષા પણ રાખી શકાય ખરી?
ના, નહીં. જે ધર્મ અધર્મને ફેલાવતો હોય એ ધર્મના વિકાસની અને એના જયકારાની વાતો ક્યારેય થવી ન જોઈએ અને એને ક્યારેય એ સ્વરૂપ પર જોઈ પણ ન શકાય.

astrology columnists