સાથે જોડાયેલા સૌ કોઈને સદ્ગતિ મળે એ પ્રયાસ જ મહાપર્વની સાચી ઉજવણી

08 September, 2021 05:15 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

એ યુવકના હાથમાં એક નાનકડું મજાનું ગલૂડિયું હતું. ગલૂડિયું પણ એવું કે જોતાંવેંત વહાલ ઊપજે. આજુબાજુનું બધું જિજ્ઞાસા સાથે જોયા કરે અને એ જિજ્ઞાસા તેની આંખોમાં નિતર્યા કરે. 

ફાઇલ તસવીર

‘મહારાજસાહેબ, એક નાનકડી બાબતમાં પૃચ્છા કરવી હતી, જો આપને સમય હોય તો બેસીએ.’ 
ત્રણેક મિત્રો સાથે એક યુવક મળવા આવ્યો. યુવાન અને દેખાવે જ ગમી જાય એવું સ્મિત તેણે ધારણ કર્યું હતું. એ યુવકના હાથમાં એક નાનકડું મજાનું ગલૂડિયું હતું. ગલૂડિયું પણ એવું કે જોતાંવેંત વહાલ ઊપજે. આજુબાજુનું બધું જિજ્ઞાસા સાથે જોયા કરે અને એ જિજ્ઞાસા તેની આંખોમાં નિતર્યા કરે. 
યુવકને આવકારીને તેને પૂછ્યું
‘બોલ... શું પૂછવું છે?’
વંદન કરી એ યુવક જમીન પર બેઠો. ગલૂડિયાંને તેણે બાજુમાં બેસાડ્યું અને એ પણ એની બાજુમાં સરસ રીતે શાંતિથી બેસી ગયું. યુવકે પોતાના મનની વાત શરૂ કરી.
 ‘આ ગલૂડિયું છેને, એના પર મને ભારે પ્રેમ છે. હું ક્યાંય પણ જાઉં, એને લીધા વિના નથી જતો. એ મારા વિના રહી શકતું નથી તો હું પણ એના વિના રહી શકતો નથી.’
‘પૂર્વની લેણાદેણી...’
યુવકે પોતાની વાત કરી.
‘મહારાજસાહેબ, મારી આર્થિક સ્થિતિ સારી છે. ઘરમાં ત્રણ તો ગાડી છે અને અમારે બે ફૅક્ટરી છે. ધંધો ખૂબ ફાલ્યો-ફાલ્યો છે. લૉકડાઉનમાં પણ અમારી આવક ચાલુ ને ચાલુ જ હતી. પૈસેટકે કોઈ કમી ક્યારેય દેખાઈ નથી.’ યુવકે સાચા મને સ્પષ્ટતા કરી, ‘આ બધું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે આપણે આ ગલૂડિયાંની વાત કરવાની છે અને આ ગલૂડિયાંને જીવનપર્યંત મારા ઘ૨માં કોઈ કરતાં કોઈ જાતની તકલીફ પડવાની નથી કે પછી કોઈ જાતનું દુઃખ પણ તેને જોવા મળવાનું નથી, પણ સાહેબજી, આપનાં પ્રવચનો સાંભળ્યાં છે, રવિવારીય શિબિરો ભરી છે. પ્રવચનોમાં સાંભળ્યું છે કે પાપત્યાગ વિના અને ધર્મસેવન વિના પરલોક સધ્ધર બનવાની કોઈ જ સંભાવના નથી એ વાત મગજમાં એવી જડબેસલાક ગોઠવાઈ ગઈ છે કે ન પૂછો વાત...’
‘હમં...’ મેં તેનો ક્ષોભ દૂર કરતાં કહ્યું, ‘મનમાં જે છે એ વિનાસંકોચે પૂછી લે.’
‘મહારાજસાહેબ, પૂછવું આપને એ છે કે હું એવું તો શું કરું કે જેના પ્રતાપે આ ગલૂડિયાંની ભવાંતરમાં દુર્ગતિ ન થતાં સદ્ગતિ થાય અને એના પણ ભવોભવના ફેરાઓ પૂરા થાય?’
મુંબઈ જેવું શહેર, ફાટફાટ થતી યુવાની, અખૂટ શિક્ષણ, વિપુલ સંપત્તિ, તમામ પ્રકારની સુખસાહ્યબી અને એ પછી પણ એક આવો પ્રશ્ન?
આશ્ચર્ય, અચરજથી હું તો આનંદિત થઈ ગયો.
ગલૂડિયાંના ભવાંતરની ચિંતા કરનાર કોઈ યુવક હોઈ શકે એ વાત માનવા મન તૈયાર નહોતું; પણ એવો યુવક મારી સામે જ બેઠો હતો, નરી વાસ્તવ‌િકતા હતી આ, એટલે આ હકીકતને સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
‘તું એને બ્રેડ ખવડાવે છે?’
‘હા.’
‘બ્રેડને બદલે રોટલી ન ખવડાવી શકે?’
‘ખવડાવી શકુંને! પણ બ્રેડમાં વાંધો શો?’
‘એ અભક્ષ્ય છે...’
‘સારું... હવેથી આવી ભૂલ નહીં થાય, એને બ્રેડને બદલે હવે કાયમ રોટલી ખવડાવીશ.’
 ‘રાતે એને શું ખવડાવે છે?’
યુવકની આંખમાં ચમકારો આવી ગયો અને અવાજમાં ઉત્સાહ.
‘આપને જાણીને આશ્ચર્ય સાથે આનંદ થશે કે રાતે તેને દૂધ પીવડાવવાનો હું પ્રયત્ન તો કરું છું પણ મને એમાં આજ સુધી સફળતા નથી મળી. એ રાતે કાંઈ ખાતું તો નથી, પણ મહારાજસાહેબ, એ દૂધ પણ પીતું નથી.’ 
‘સરસ, તો એને તારે રાતે કાંઈ ખવડાવવાનો કે પીવડાવવાનો આગ્રહ ન કરવો.’
‘નહીં કરું.’
‘પાણી... પાણી કેવું પીએ છે...’
યુવકે જવાબ આપ્યો.
‘મમ્મી નિયમિત ઉકાળેલું પાણી પીએ છે. એકવાર મમ્મીએ એને પોતાની બાજુમાં બેસાડીને ઉકાળેલું પાણી પીવડાવ્યું ત્યારથી એ ઘરમાં તો ઉકાળેલું પાણી જ પીએ છે. હું એને ક્યારેક બહાર લઈ ગયો હોઉં ત્યારની વાત અલગ છે. બાકી, એ ઘર સિવાય બહારનું કંઈ ખાતું પણ નથી.’
અચરજે હવે આંખો બદલી અને મારી આંખોમાં એ ઉમેરાયું.
‘ગજબ કહેવાય.’
‘હા...’ યુવકે ધીમેકથી હાથ જોડ્યા, ‘મહારાજસાહેબ, આપને એક વાત પૂછવી છે. જો હું એને દરરોજ દેરાસરની બહારથી ભગવાનના દર્શન કરાવું તો ચાલે?’
‘હા, ચાલે.’
‘તો હવેથી મહારાજસાહેબ, એને દરરોજ પરમાત્માનાં દર્શન પણ કરાવીશ પણ સાહેબજી, આટલું એને કરાવીશ પછી એની દુર્ગતિ તો નહીં થાયને...’ યુવકનો ભાવ શતપ્રતિશત શુદ્ધ હતો, ‘મહારાજસાહેબ, મારા ઘરમાં આવેલું આ ગલૂડિયું દુઃખી થાય એ જો મારે માટે કલંકની વાત છે તો એના હાથે ભૂલથી પણ પાપ થાય એ વાત પણ મારે માટે કલંક જ ગણાયને?’ 
કેવી શુદ્ધ ભાવના, કેવો પવિત્ર આત્મા અને ગલૂડિયાંના પણ કેવા સદ્નસ‌ીબ કે આવો સાથ મળ્યો. યુવકે ફરી હાથ જોડ્યા.
‘મહારાજસાહેબ, આપ મારા મસ્તક પર વાસક્ષેપ નાખી આપો અને આ ગલૂડિયાંના મસ્તકે પણ વાસક્ષેપ નાખી આપો. અમે બન્ને પરલોકમાં સદ્ગતિએ જઈએ એવા આશિષ પણ આપો.’ 
હું હર્ષવિભોર બની ગયો. કેવું પ્રચંડ સૌભાગ્ય ગલૂડિયાંનું ગણવું કે તેને આ સંસ્કારી યુવકનું સાંનિધ્ય સાંપડ્યું?
દીકરાના જીવનની ચિંતા કરનારાં મા-બાપોનો જ્યારે દુકાળ વર્તાય છે ત્યારે ગલૂડિયાંના પરલોકની ચિંતા કરનારો એક યુવક આજના કાળે જોવા મળે એ આજના વિલાસી યુગના ચહેરા પર મોટામાં મોટી લપડાક છે, પણ એમાં નવાઈ પામવા જેવું નથી. 
પ્રાણવાયુ જો વાતાવરણમાં કાયમ માટે ઉપલબ્ધ હોય જ છે તો આવા ધર્માત્માઓ પણ આ જગતમાં કાયમ માટે ઉપલબ્ધ હોય જ છે. આ મહાપર્વ પર ધર્માત્મા બનીને સ્વ-નો વિચાર તો કરીએ જ, પણ સાથોસાથ આસપાસના અને જીવન સાથે સંકળાયેલા સૌ કોઈ પણ સદ્ગતિ પામે એની માટે પણ પ્રયાસ કરીએ.

astrology columnists