રિસાયેલું બાળક વાત માને નહીં એ પ્રેમનો માન-ભાવ છે

21 April, 2022 03:13 PM IST  |  Mumbai | Morari Bapu

ઘરમાં નાનું બાળક હોય તો બધા તેને બહુ પ્રેમ કરે. એ પણ બધાને બહુ પ્રેમ કરે, પરંતુ ક્યારેક તેનું દિલ દુભાય ત્યારે તમે તેને બોલાવો તો પણ તે નહીં આવે. તમે કરગરો તો પણ ન આવે અને તમે ડારો આપો તો પણ ન આવે.

પ્રતીકાત્મક તસવીર

નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવા માટે આપણા મહાપુરુષોએ વર્ણવેલી સાત બાબતોમાં આપણે વાત કરી જાત અને સ્નેહની. હવે વાત આવે છે માનની. ગઈ કાલે વાત થઈ એમ, પ્રવાહિત પ્રેમ જેમાં તેજ પણ આવ્યું અને થોડું દાહક તત્ત્વ પણ આવ્યું એ જ પ્રેમ અને જ્યારે એ પ્રવાહ આપોઆપ વહેશે તો એ સીધો નહીં વહે. એ વાંકોચૂકો થતો સરિતાની જેમ આગળ વધશે અને વહેશે. પોતાના પ્રભુને ખૂબ પ્રસન્ન કરવા માટે પોતાના પ્રેમને કોઈ કોઈ વાર દબાવીને વ્યક્તિ આડી ચાલ ચાલે છે એને માન કહે છે. પ્રેમમાં માન આવે છે. હું પણ જોઉં છું કે તું કેમ નથી આવતો, આ ગુમાન આવે છે. જે રીતે ગોપી કોઈ-કોઈ વાર કાનાને કહે છે, ‘હું જોઉં છું કે તું કેમ નથી આવતો.’ 
માનની એક અવસ્થા પ્રેમમાં આવી જાય છે. એમાં સાધક પોતાના પ્રેમને દબાવીને થોડો આડો ચાલે છે. લોકોને એમ લાગે કે તે અભિમાની થઈ ગયો, પરંતુ આ જે માન-ભાવ છે એ પ્રેમનું પગથિયું છે. ભૂલથી પણ એને અભિમાન સમજવું નહીં. માન-ભાવ એ પ્રેમનો સ્વભાવ છે. જુઓ તમે, ઘરમાં નાનું બાળક હોય તો બધા તેને બહુ પ્રેમ કરે. એ પણ બધાને બહુ પ્રેમ કરે, પરંતુ ક્યારેક તેનું દિલ દુભાય ત્યારે તમે તેને બોલાવો તો પણ તે નહીં આવે. તમે કરગરો તો પણ ન આવે અને તમે ડારો આપો તો પણ ન આવે. શું બાળકમાં અભિમાન હોઈ શકે? 
ના, ક્યારેય નહીં અને એ સમયે તે જેકંઈ કરે એ બધામાં ક્યાંય માન નથી. એ સમયે તેના રિસાવાની જે રીત છે તે રીતમાં પ્રેમ જ ઝળકે છે અને એ પ્રેમ વચ્ચે જ તે માન સાથે વર્તે છે. આ જે ભાવ છે એ માન-ભાવ છે. બાળકના આ માન-ભાવમાં તેનો ભાવ એવો છે કે હવે મને વાત કરીને બોલાવી જુઓ. જેમ ગોપીનો ભાવ છેને, હું જોઉં છું કે તું કેમ નથી આવતો એમ બાળકનો પણ ભાવ છે. હું જોઉં છું કે તમે કેટલી વખત મારા વિના રહી શકો છો.
બાળકનું આ ઉદાહરણ શ્રેષ્ઠ ઉદાહરણ છે નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવામાં નિમિત્ત બનતા માનનું. માન પછી આવે છે એકાત્મ-ભાવ. સાત ભાવ પૈકીનો આ ચોથો ભાવ છે અને આ ચોથો ભાવ સવિશેષપણે મહત્ત્વનો છે. એકાત્મ-ભાવ વિનાનો પ્રેમ વૃદ્ધિ નથી પામતો એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે એકાત્મ-ભાવ વિનાનો પ્રેમ લાંબું ટકે પણ નહીં, એ બહુ ડગમગ થાય, એમાં સ્થિરતા ન હોય.

columnists astrology Morari Bapu