હિન્દુ પ્રજાએ અહિંસાવાદથી ખરેખર તો નુકસાનકર્તા એવું અશૌર્ય મેળવ્યું છે

26 September, 2021 07:38 AM IST  |  Mumbai | Swami Sachidanand

તમારી ચારે બાજુ ધાર્મિક શક્તિઓ રાજકીય લાભ મેળવવા ફૂંફાડા મારતી હોય અને સફળ થતી હોય ત્યારે તમે જો ધાર્મિક ક્ષેત્રની ઉપેક્ષા કરો તો પરિણામ દુ:ખદાયી જ આવે. આદર્શવાદ ઉત્તમ છે, પણ એ જો એકપક્ષી હોય તો સ્વવિનાશક થઈ શકે છે.

મિડ ડે લોગો

આજના સમયમાં ધર્મ દ્વારા રાજકીય શક્તિ મેળવવી અને લાભ પ્રાપ્ત કરવા ઉચિત નથી, એવા ધર્મને ચાલુ રાખવો જે કદી પ્રજાકીય એકતા કે સંગઠન કરવાની ક્ષમતા જ ધરાવતો ન હોય એ પણ યોગ્ય નથી. તમારી ચારે બાજુ ધાર્મિક શક્તિઓ રાજકીય લાભ મેળવવા ફૂંફાડા મારતી હોય અને સફળ થતી હોય ત્યારે તમે જો ધાર્મિક ક્ષેત્રની ઉપેક્ષા કરો તો પરિણામ દુ:ખદાયી જ આવે. આદર્શવાદ ઉત્તમ છે, પણ એ જો એકપક્ષી હોય તો સ્વવિનાશક થઈ શકે છે. એ સર્વપક્ષીય ન થઈ શકતો હોય તો એવી આદર્શ-ઘેલછા પડતી મૂકીને વ્યવહારવાદ સ્વીકારવો જોઈએ.
હિન્દુ પ્રજાએ અહિંસાવાદથી અશૌર્ય મેળવ્યું છે. કોઈ સાધુ-સંત-યોગી-મુનિ માટે એ બરાબર હોઈ શકે, પણ પ્રજા માટે એ ગેરવાજબી વાદ છે. હિંસાવાદી શત્રુઓની સામે પ્રજાને અહિંસાવાદની બાળાગોળી પીવડાવતા રહેવાથી તો હિંસાવાદના વિજયનો માર્ગ જ મોકળો કરી આપવાનું કામ થશે. જો અહિંસા જ સર્વોપરી હોત તો દેવતાઓ પણ દાનવ સામે યુદ્ધે ન ચડ્યા હોત. જો અહિંસાવાદ જ સર્વોચ્ચ હોત તો ભગવાન શ્રીરામે પણ રાવણનો વધ ન કર્યો હોત અને જો અહિંસાવાદ જ ઉત્તમ હોત તો ભગવાન શ્રીકૃષ્ણએ પાપાચારીઓના વધની હારમાળા ઊભી ન કરી હોત. શાંત અને સૌમ્ય સામે કરવામાં આવેલી હિંસા જેમ પાપ છે એવી જ રીતે હિંસાત્મક માનસિકતા ધરાવતા લોકો સામે અહિંસાની પીપૂડી વગાડવી એ પણ સામાજિક પાપ માત્ર છે. અહિંસા જરૂરી છે, પણ એની જરૂરિયાતને પણ સમજવાની જરૂર છે. દરેક જગ્યાએ અને દરેક વાતમાં અહિંસાની વાતો કરનારા નમાલી પ્રજાનું સર્જન કરી બેસે છે, જે આપણી પ્રજા સાથે થયું છે.
ભારતનો તથા વિશ્વનો ઇતિહાસ બતાવે છે કે આદર્શઘેલા રાજાઓ તથા નેતાઓથી પ્રજાએ સહન જ કરવું પડ્યું છે. જ્યાં જે યથાયોગ્ય હોય એ કરનાર રાજા કે નેતા પ્રજા માટે ઉત્તમ રક્ષક તથા કલ્યાણકારી સાબિત થયા છે. પરમાત્મા પ્રજાને આદર્શઘેલા રાજનેતાઓથી, પક્ષપાતી ધર્મગુરુઓથી, દેશદ્રોહી જયચંદોથી તથા માત્ર પ્રાચીનપંથી વિચારકોથી બચાવે તો પ્રજાનું ભલું થાય, પણ એવું બને એને માટે મનથી કેટલીક સ્પષ્‍ટતાઓ આવવી જોઈશે અને એ સ્પષ્ટતા આવે તો જ સમજણ આવશે કે આપણે ધર્મ પાસેથી શું મેળવવા માગીએ છીએ?
ધર્મ આપવા જ બેઠો છે એટલે એવા સમયે એવું કોઈએ ધારવું નહીં કે ધર્મ પાસેથી અપેક્ષા ન રાખવી જોઈએ. ધર્મ આપવા બેઠો છે અને એવી જ રીતે તમારે પણ ધર્મને આપવાનું છે. તમારી પાસેથી કોઈ ધર્મને દોરા-ધાગા કે ટીલા-ટપકાંની આશા નથી. ધર્મને વ્યક્તિ પાસેથી નીતિમત્તા, પ્રામાણિકતા, આસ્થા અને શ્રદ્ધાની અપેક્ષા છે. જો આ નીતિ પ્રજામાં આવે તો એનો લાભ સમગ્ર રાષ્ટ્રને સાંપડે અને એક સુદૃઢ રાષ્ટ્રનું નિર્માણ થાય.

astrology columnists