પુત્ર ન હોવાના દુ:ખ કરતાં કુપુત્ર હોવાનું દુ:ખ અનેકગણું વધારે છે

13 June, 2022 11:37 AM IST  |  Mumbai | Swami Satchidananda

ભૂમન્યુને પુષ્કરિણી નામની રાણીથી ઘણા પુત્રો થયા, પણ એમાં સુહોત્ર નામનો પુત્ર રાજાને વધુ પસંદ આવ્યો. તે યુવરાજ થયો.

મિડ-ડે લોગો

જેનો વંશ હોય તેની વંશાવલિ પણ હોય જ. બની શકે તો પ્રત્યેક વ્યક્તિએ પોતાની વંશાવલિનું જ્ઞાન જરૂર પ્રાપ્ત કરવું જોઈએ. આજના સમયમાં આ બધી વાતો પર બહુ ધ્યાન આપવામાં નથી આવતું, પણ એ એક મહાભૂલ છે. આ મહાભૂલનું પરિણામ જ્યારે પણ ભોગવવાનું આવે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે.
આપણે વાત કરતા હતા દુષ્યંત અને શકુંતલાની અને જ્યારે પણ તેમની વાત નીકળે ત્યારે કૌરવ-પાંડવોની વાત કરવી જરૂરી બની જાય છે.    
કૌરવો-પાંડવોનો મૂળ વંશ પુરુવંશ છે. પુરુવંશમાં જન્મેલા દુષ્યંતથી કૌરવ-પાંડવો સુધીની વંશાવલિ જાણવાનું સારું રહેશે. મહાભારતમાં આ બધી વંશાવલિ પત્નીઓ સાથેની છે એ બતાવે છે કે એ કાળમાં બાળક માત્ર પિતાથી જ નહીં, માતાના નામથી પણ ઓળખાતો હતો.    
દુષ્યંત અને શકુંતલાથી ભરત થયો, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. ભરતને ત્રણ રાણીઓ અને નવ પુત્રો હતાં, પણ એક પણ પુત્રથી ભરતને સંતોષ નહોતો. પુત્ર ન હોવાના દુ:ખ કરતાં પણ કુપુત્ર હોવાનું દુ:ખ અનેકગણું વધારે હોય છે. ત્રણેય રાણીઓ ભરત પર કોપિત થઈ અને આવેશમાં તેમણે નવેનવ પુત્રોને મારી નાખ્યા. છેવટે ભારદ્વાજ ઋષિના આશીર્વાદથી ભરતને ‘ભૂમન્યુ’ નામનો પુત્ર થયો. ભૂમન્યુને યુવરાજ બનાવવામાં આવ્યો.    
ભૂમન્યુને પુષ્કરિણી નામની રાણીથી ઘણા પુત્રો થયા, પણ એમાં સુહોત્ર નામનો પુત્ર રાજાને વધુ પસંદ આવ્યો. તે યુવરાજ થયો.    
રાજા સુહોત્રને રાણી એકવાકીના દ્વારા ઘણા પુત્રો થયા. એમાંથી અજમીઢને યુવરાજ બનાવ્યો. રાજા સુહોત્રે ભારતની સીમા દૂર-દૂર સુધી ફેલાવી. રાષ્ટ્રને ધનધાન્યથી સમૃદ્ધ કર્યું. તેનો વૈભવ લોકોત્તર હતો.    
અજમીઢને ત્રણ રાણીઓ હતી, જેમાંથી ધૂમિનીથી ઋક્ષ, નીલથી દુષ્યંત અને પરમેષ્ઠી કેશિનીથી જહન, વ્રજન અને રૂપિણ પુત્રો થયા. આમાંથી દુષ્યંત અને પરમેષ્ઠીના વંશજો પાંચાલ કહેવાયા. દ્રૌપદી પાંચાલી તરીકે પણ ઓળખાય છે એ સહેજ તમને યાદ કરાવવાનું. જ્યારે ઋક્ષપુત્ર સંવરણ રાજા હતા ત્યારે પ્રજાની કત્લેઆમ થઈ હતી. પ્રજાનો ઘણો ભાગ મારી નખાયો હતો. પૂરો દેશ ભૂખ-તરસ અને આપત્તિઓથી નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયો હતો. પાંચાલ નરેશે આક્રમણ કરીને સંવરણના રાષ્ટ્રને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. સંવરણ હારી ગયો હતો એથી પરિવાર સાથે રાજ્ય છોડીને ભાગી ગયો હતો.

astrology columnists swami sachchidananda