પાંચ પ્રકારના મંડપનું સાયુજ્ય એટલે જીવન

01 June, 2023 04:51 PM IST  |  Mumbai | Morari Bapu

જીવન એક શોધ છે, એક ખોજ છે. શાંતિની, શક્તિની, ભક્તિની શોધ ચાલુ જ રહેવી જોઈએ. યાદ રહે, જે શોધક હશે તેને જ એ મળશે. ‘જિન ખોજો, તીન પાઈઆ.’ જે મરજીવો છે તેને જ મોતી મળે. જે ડરીને કિનારે બેસી રહે તેને કશું હાથ લાગતું નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ જીવનની. જીવન કોને કહેવાય? એના પાંચ જવાબમાંથી ચારની આપણે વાત કરી. એમાં જાણ્યું કે અભાવ ન હોય, પરાધીનતા ન હોય, જ્યાં નિરંતર ચૈતન્ય વહેતું હોય અને જ્યાં રસિકતા હિલોળા લે એ જીવન. હવે વાત કરવાની છે પાંચમી વાતની. જ્યાં શોધ ચાલતી રહે, જ્યાં શોધ અકબંધ રહે એનું નામ જીવન.

જીવન એક શોધ છે, એક ખોજ છે. શાંતિની, શક્તિની, ભક્તિની શોધ ચાલુ જ રહેવી જોઈએ. યાદ રહે, જે શોધક હશે તેને જ એ મળશે. ‘જિન ખોજો, તીન પાઈઆ.’ જે મરજીવો છે તેને જ મોતી મળે. જે ડરીને કિનારે બેસી રહે તેને કશું હાથ લાગતું નથી.

જીવનમાં અભ્યાસ જોઈએ, અભિવ્યક્તિ જોઈએ અને અનુભૂતિ જોઈએ. જો આ ત્રણનો સંગમ હોય તો અને તો જ જીવનપ્રાપ્તિ સમજવી.

જીવનને જાણનારા મહર્ષિઓએ જીવનને મંડપની ઉપમા આપી છે. તેમના મતે જીવન એ પાંચ પ્રકારના મંડપનું સાયુજ્ય છે. આ પાંચ મંડપ કયા-કયા છે એની વાત કરવા જેવી છે.
પહેલો મંડપ છે ગગન મંડપ અર્થાત્ નભ મંડપ. જ્યાં એક પણ સ્તંભ નથી અને બધું જ મંગલ-મંગલ છે એનું નામ ગગન મંડપ.

બીજો મંડપ છે યજ્ઞ મંડપ. અર્થાત્ શુભનું સ્થાપન. સ્વાહા, સ્વાહા... કશુંક આપવાનું હોય એ આપવાનું સતત ચાલુ હોય.

ત્રીજો મંડપ છે કથા મંડપ. જ્યાં મંગલનો નાદ હોય, શુભ ચર્ચા હોય અને ચારેકોર માત્ર ને માત્ર શાંતિ હોય એ કથા મંડપ. પ્રાપ્તિ સતત ચાલતી હોય અને એ બધા વચ્ચે શુભ ચર્ચાઓ સતત થતી રહેતી હોય.

જીવનનો ચોથો મંડપ છે વિવાહ મંડપ. આ વિવાહ મંડપમાં બે આત્મા એક થાય છે અને જીવનની સફર શરૂ થાય છે. જે સફરમાં બન્ને એકબીજાને આગળ લઈ જવાનું કામ સુખમય રીતે કરે એ વિવાહ મંડપ. હવે આવે છે પાંચમો મંડપ, જીવન મંડપ.

જેમાં કોઈ કલ્યાણકારી કામ થાય છે, જ્યાં મંગલનો સંગ્રહ હોય છે. યાદ રાખજો, વિધિ કેવળ મંગલની જ થાય છે અને અમંગલનો નિષેધ હોય છે. આ જીવન મંડપના ચાર સ્તંભ છે : મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જો કોઈ એકનું વજન વધે તો બાકીના ત્રણ સ્તંભ પર જોખમ આવે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

astrology Morari Bapu life and style columnists