નાના માણસની મોટાઈ અને સારપ અપરંપાર હોય છે

18 January, 2022 12:55 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

રૂપાળી ચામડીવાળો ક્રૂર હોઈ શકે અને કાળી ચામડીવાળો હૈયાનો કોમળ હોઈ શકે. શેઠ ગુંડો તો નોકર પણ સજ્જન હોઈ શકે.’

મિડ-ડે લોગો

‘બંધ બારણા આગળથી પાછા ફરતાં પહેલાં આપણે એને હડસેલો મારીને ખોલવાની કોશિશ તો કરવી જોઈએ. શક્ય છે કે બારણાની પેલી બાજુએ સાંકળ ન પણ હોય.’
‘રેખા સરવૈયા’ની આ પંક્તિઓને ટાંક્યા પછી વ્યાખ્યાનમાં મેં કહ્યું, ‘વ્યક્તિ કે વસ્તુનું માત્ર ઉપરછલ્લું દર્શન તમને એની વાસ્તવિકતાનો ખ્યાલ આવવા ન દે. વ્યક્તિને તમે અન્યાય પણ કરી બેસો કે પરિસ્થિતિનું મૂલ્યાંકન તમે અવળી રીતે કરી બેસો. સ્ટેશન પર રહેલો મજૂર ખાનદાન હોઈ શકે, રિક્ષા-ડ્રાઇવર પણ પ્રામાણિક હોઈ શકે, રસ્તાનો ભિખારી સહૃદયી હોઈ શકે અને દેખાવે આવારા લાગતો યુવક પણ સત્યવાદી હોઈ શકે છે, પણ મન માનશે નહીં, એ સૌ માટે એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે એ બધા તો જૂઠા, ચોર, લબાડ અને વિશ્વાસઘાતી જ હોય, પણ હકીકત એવી નથી. કરોડપતિ દિલનો શેતાન હોઈ શકે તો ભિખારી હૈયાનો અમીર હોઈ શકે છે. રૂપાળી ચામડીવાળો ક્રૂર હોઈ શકે અને કાળી ચામડીવાળો હૈયાનો કોમળ હોઈ શકે. શેઠ ગુંડો તો નોકર પણ સજ્જન હોઈ શકે.’
‘મહારાજસાહેબ, આજે કમાલનો અનુભવ થયો.’ પચાસેક વર્ષના એક ભાઈ વંદન કરીને બેઠા અને તેમણે વાત શરૂ કરી, ‘મારી ઑફિસમાં ૧૮ માણસો કામ કરે છે. પ્રવચનમાં અવારનવાર માંદગી-મોંઘવારીના ચક્કરમાં નાના માણસોની હાલત શી થતી હશે એવી વાતો સાંભળવા એક પ્રયોગ કરવાનું મન થયું, એ પ્રયોગ મેં કરી જોયો, પણ એનું જે પરિણામ આવ્યું એણે મને પગથી માથા સુધી ખળભળાવી નાખ્યો છે.’
‘શું થયું?’ પૃચ્છા કરી એટલે ભાઈએ વાત કહી, ‘ઑફિસના અઢાર માણસોને મેં ભેગા કર્યા. સૌના હાથમાં એક કાગળ આપ્યો અને પછી એ સૌને મેં એક વાત કરતાં કહ્યું કે મોંઘવારીના આ સમયમાં તમને અપાતા પગારમાં તમારો મહિનો નીકળતો નહીં હોય એટલે તમે એક કામ કરો. ઑફિસના ઉપલા માળે અલગ-અલગ કમરામાં તમે જાઓ અને એકબીજાને મળ્યા વિના આપેલા આ કાગળમાં તમને દર મહિને કેટલા રૂપિયા મળે તો તમારો મહિનો નીકળી જાય એ રકમ લખી આવો. તમે જે રકમ લખશો એ હું આપીશ જ એવી બાંયધરી નથી આપતો, પણ મારે જાણવું છે કે તમારી જરૂરિયાત અને પગારની રકમ વચ્ચે અંતર કેટલું છે?’ ભાઈની આંખમાં હર્ષ હતો, ‘મહારાજસાહેબ, એ અઢારેઅઢાર જણ ગયા તો ખરા, પણ પંદરેક મિનિટમાં પાછા આવી ગયા અને મારા હાથમાં કાગળ પકડાવી દીધો. કાગળ કોરો હતો. બધાની એક જ વાત હતી, જે પગાર આપો છો એમાં ઘર ચલાવતાં અમે શીખી લીધું છે.’ 
નાના માણસની મોટાઈના દાખલા તો દઈએ એટલા ઓછા છે.

astrology columnists