મોક્ષ માટે ગુણો કારણભૂત હોય કે પછી ગૃહત્યાગ?

03 October, 2022 05:17 PM IST  |  Mumbai | Swami Satchidananda

મોક્ષ તો ગૃહ ત્યાગીને જ મળે એટલે તેણે દીક્ષા લઈને પરિવ્રજ્યા ગ્રહણ કરવી જોઈએ.’

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગયા મંગળવારે કહ્યું એમ, મોક્ષની કોઈ શરત હોતી નથી. એ તમારા કર્મના આધારે જ મળે. મોક્ષ છે કે નહીં એ યક્ષપ્રશ્ન છે, પણ એની ચર્ચા અત્યારે અસ્થાને છે એટલે એ છોડીને આપણે વાત કરીએ કે મોક્ષની કોઈ શરત નથી અને જો એવું હોય તો મનમાં પહેલો પ્રશ્ન એ જાગે કે ‘ઘરમાં રહેવાથી મોક્ષ મળી શકતો નથી?’ 

અને ધારો કે એ મળી શકતો નથી તો પ્રતિપ્રશ્ન છે કે ‘શું કામ?’ 

ઘણા મોક્ષમાર્ગીઓ એવું માને છે કે ‘ઘરમાં મમત્વ, મોહ વગેરે હોવાથી તેનું મન પરમાત્મા તરફ કે સાધના તરફ બરાબર પૂરેપૂરું લાગતું નથી. આથી તેને મોક્ષ મળતો નથી.’

માનો કે આ વાત સાચી છે તો પણ જો કેટલાક લોકો ઘરમાં રહેવા છતાં મોહમાયા વિનાના થઈને રહેતા હોય તો તેમને તો મોક્ષ મળેને?

આ સવાલના જવાબમાં બની બેઠેલા પંડિતો કહે છે કે ‘ના, માણસ ઘરમાં રહીને ગમે એટલો મોહમાયાથી પર થઈ જાય તો પણ તેને મોક્ષ ન જ મળે. મોક્ષ તો ગૃહ ત્યાગીને જ મળે એટલે તેણે દીક્ષા લઈને પરિવ્રજ્યા ગ્રહણ કરવી જોઈએ.’

‘ધારો કે દીક્ષા લઈને પરિવ્રજ્યા ગ્રહણ કરનારને પણ અંતે તો મઠ, આશ્રમ જેવાં સ્થાનોમાં આશ્રય લેવો જ પડતો હોય છે. આ પણ ઘર જ કહેવાય અને ત્યાં પણ મોહમાયા થઈ શકતાં હોય છે, જન્મી શકતાં હોય છે. મઠો, આશ્રમો અને બીજાં ધર્મસ્થાનોમાં ખટપટો, કલહ, કોર્ટ-કચેરી, હત્યાઓ અને બીજાં પાપો ક્યાં નથી થતાં? કેટલીક વાર તો ઘર કરતાં ધર્મસ્થાનોમાં વધુ કલહ જોવા મળે છે, તો શું એ બધા એનાથી પર રહીને પોતે જેની શોધમાં છે એ મોક્ષ પ્રાપ્ત કરી શકતા હોય છે?’

અહીં પાછો નવો જ જવાબ છે. પંડિતો કહે છે કે ના, એવું નથી થતું. સાંભળો એ પંડિતોનો જવાબ. ‘એવા ખટપટિયા લોકોને ક્યારેય મોક્ષ ન મળે જે બીજાની જિંદગીમાં સતત ડોકિયું કર્યા કરતર હોય છે. મોક્ષ તો સાધુચરિત લોકોને જ મળે.’

‘તો પછી એવા સાધુચરિત લોકો ઘરમાં રહીને મોક્ષ કેમ પ્રાપ્ત ન કરે? ગૃહત્યાગની અનિવાર્યતા શા માટે?’ 

જો તમે આવું પૂછો તો તેમની પાસે એનો કોઈ ઉત્તર નથી. મોક્ષ હોય તો એમાં જ્ઞાન, ગુણ, ચરિત્ર કારણભૂત છે કે ગૃહત્યાગ કારણભૂત છે? ગૃહત્યાગ જ મુખ્ય કારણ છે એવું માનનારો વર્ગ ગૃહત્યાગ પર વધુ ભાર મૂકે છે. ગૃહત્યાગ વિના ઘરમાં રહીને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એવું માનનારો બીજો વર્ગ પણ છે જ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

astrology columnists swami sachchidananda