જીવો જીવસ્ય ભક્ષણમ્ જ કુદરતની વ્યવસ્થા છે

10 January, 2023 05:43 PM IST  |  Mumbai | Swami Satchidananda

કુદરતી વ્યવસ્થામાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’ જ વધુ ઉચિત છે અને આ જ વાતને આપણે સૌએ પણ સહજ રીતે સ્વીકારવાની છે. એનો અસ્વીકાર એ કુદરતની પરંપરાનો અસ્વીકાર છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આફ્રિકાનાં જંગલોની મુલાકાત દરમ્યાન મારું ધ્યાન અચાનક જ એક દૃશ્ય પર પડ્યું. હરણી ભાગતી હતી અને એની પાછળ સિંહણ પડી હતી. હરણી જાન બચાવીને પૂરી તાકાતથી બચવા માટે દોડી રહી છે. જોતજોતામાં સિંહણ નજીક પહોંચી ગઈ અને હરણીને ગબડાવી દીધી. એના ગળા પર પોતાનું મજબૂત જડબું જોરથી દબાવી દીધું. 

આ આખું દૃશ્ય જોઈને મને કમકમાં આવી ગયાં. સિંહણ જ્યારે હરણીની પાછળ પડી હતી ત્યારે સ્તબ્ધ થયેલી અવસ્થામાં મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી હતી કે ‘પ્રભો! આને બચાવી લો. આ મૂંગા-નિર્દોષ જીવને બચાવી લો.’ જોકે મારી પ્રાર્થના સફળ ન રહી. મને ભારે અરેરાટી થઈ. સાથે-સાથે આ આખી વ્યવસ્થામાં ક્રૂરતા અને અન્યાય દેખાયો. મ્લાન ચહેરે અને ગ્લાનિભર્યા મનથી અમે સાંજે પાછા ફર્યા. 

સૂતા પહેલાં થનારી પ્રાર્થનામાં મેં ફરી પાછી પરમેશ્વરને ફરિયાદ કરવા માંડી કે આ તે તારી કેવી સૃષ્ટિ કહેવાય કે નિર્દોષ પ્રાણીઓને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. થોડી જ વારમાં મને અંદરથી જાણે જવાબ મળવા લાગ્યો... ‘મેં જે વ્યવસ્થા કરી છે એ બરાબર જ છે. જરા ધારણા કર કે આખા જંગલમાંથી બધા સાતસો સિંહો અને બીજાં હિંસક પ્રાણીઓ હટાવી લેવામાં આવે તો શું થાય?’  - તો એક પણ ઘાસભક્ષી પ્રાણીનો શિકાર ન થાય. 

બધાં પૂરા આયુષ્યનું જીવન જીવે તો માત્ર દસ જ વર્ષમાં એક કરોડ હરણાં થઈ જાય. પંદર વર્ષમાં બે કરોડ અને વીસ વર્ષમાં ચાર કરોડ હરણાં થઈ જાય. આ બધાં માટે ઘાસ-પાણી લાવવાં ક્યાંથી? આ ત્રીસ લાખને પણ પૂરું ઘાસ-પાણી મળતું નથી. ઘણી વાર દુકાળ પડે છે, જેથી ભૂખ-તરસથી રિબાઈ-રિબાઈને તેઓ મરી જાય છે તો આ કરોડો હરણાંના આહારની વ્યવસ્થા તૂટી પડે. અત્યારે હરણાં ઘરડાં નથી થતાં. એ પછી તેઓ ઘરડાં થાય અને અન્નજળ વિના રિબાઈ-રિબાઈને મરે. અત્યારે જે ક્રૂરતા દેખાય છે એ પાંચ જ મિનિટની છે. પેલી રિબાવાની ક્રૂરતા તો વર્ષો સુધી ચાલનારી છે. એટલે હિંસક પ્રાણીઓના અભાવમાં હરણાં વધુ દુ:ખી થઈને રિબાઈ-રિબાઈને મરતાં થઈ જાય. કુદરતી વ્યવસ્થામાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’ જ વધુ ઉચિત છે અને આ જ વાતને આપણે સૌએ પણ સહજ રીતે સ્વીકારવાની છે. એનો અસ્વીકાર એ કુદરતની પરંપરાનો અસ્વીકાર છે, જે અત્યારે આપણે કરીએ છીએ. કુદરતની જ સાઇકલ આપણે તોડવાનું કામ કરીશું તો વિચારો કે પૃથ્વીની હાલત શું થઈને ઊભી રહેશે?

columnists swami sachchidananda astrology