સામેનો તો પાષાણ પથ્થર ને આપણે જાણે કોમળ ફૂલ

27 June, 2022 11:32 PM IST  |  Mumbai | Swami Satchidananda

સામાને ‘અક્કલનો ઓથમીર’ માનતા આપણે જાતને તો ‘બુદ્ધિનો બેતાજ બાદશાહ’ જ માનીએ છીએ. સામાને ‘પથ્થર’ શબ્દથી નવાજતા આપણે આપણી જાતની ગણના તો ‘ફૂલ’માં જ કરતા હોઈએ છીએ.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

એક દિવસ મેં માણસો વિશેનાં બધાં વિશેષણો ભેગાં કર્યાં. 
‘અ’ દંભી છે. બોલે છે કશું, કરે છે કશું.
‘ઢ’ ઢોંગી છે. 
‘ક’ કંજૂસ છે. મુઠ્ઠી ખોલતો જ નથી.
‘ચ’ ઉડાઉ છે. હાથમાં કશું ટકતું જ નથી.
‘પ’ દારૂડિયો છે. રાત-દિવસ પીધા જ કરે છે. 
‘ફ’નો સ્વભાવ ફાટેલો છે. પોતાને શુંય સમજે છે.
‘ગ’ એક નંબરનો ગપોડી છે. તેનું કહ્યું કશું માનવું નહીં. 
‘બ’ બકરી જેવો છે. એવા નરમ થઈએ એ કેમ ચાલે?
આ ‘કખગ’ બધા જ મારા મિત્રો, સ્નેહી. કોઈ અહીં રહે છે, કોઈ દૂર. 
બધાને ઘરેથી, ખૂણેખાંચરેથી એમનાં વિશેષણો લઈ આવ્યો.
દંભી, જુઠ્ઠો, ઢોંગી, ગપોડી. બધાં વિશેષણો પર ભારોભાર ઘાસ નાખ્યું. 
- ઉપર પેટ્રોલ અને આગ લગાવી.
પછી મેં મારાં વિશેષણોનાં લાકડાં અંદર નાખ્યાં. 
વિવેકી, સમજુ, સાચ્ચાબોલો, ચોક્કસ, સંવેદનશીલ... 
શું ભડકા નીકળ્યા છે અંધારી રાતમાં!
વિપિન પરીખની આ પંક્તિઓ એટલું જ કહે છે કે બીજાઓ માટે અધમ અભિપ્રાય ધરાવતા આપણે આપણી ખુદની જાત માટે તો કાયમ ઉત્તમ અભિપ્રાય જ ધરાવતા હોઈએ છીએ. સામાને ‘અક્કલનો ઓથમીર’ માનતા આપણે આપણી જાતને તો ‘બુદ્ધિનો બેતાજ બાદશાહ’ જ માનતા હોઈએ છીએ. સામાને ‘પથ્થર’ શબ્દથી નવાજતા આપણે આપણી જાતની ગણના તો ‘ફૂલ’માં જ કરતા હોઈએ છીએ. જોકે સાચે જ જ્યારે સામી વ્યક્તિનો ખૂબ નજીકથી પરિચય થાય છે, તેના ઉદાત્ત સ્વભાવનો અનુભવ થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે તે ક્યાં છે અને આપણે ક્યાં છીએ?
જરૂર છે એક વખત પરિચય કરવાની અને એ પણ કોઈ જાતના રાગદ્વેષ કે મનમાં પ્રતિભાવ બાંધીને રાખ્યા વિના. જ્યારે પણ આ પરિચય થયો છે અને ખુલ્લી આંખે માણસે પોતાને જોયો છે ત્યારે તેને સમજાયું જ છે કે પોતાનો દંભ કેવો વિકરાળ અને મહાકાય છે. જોકે એ સમજવા માટે સૌથી પહેલાં તો આખો કક્કો બાળવો પડે અને એની સાથે આપણી કહેવાતી સમજણને પણ એમાં નાખવી પડે.
બહુ મોટો ભડકો જોવા મળશે તમને.

columnists astrology swami sachchidananda