પરાવલંબિતાભર્યું જીવન કદી પણ ઉત્તમ હોઈ શકે નહીં

16 August, 2022 05:06 PM IST  |  Mumbai | Swami Satchidananda

મોહમાયા જેવાં કારણો હોય તો એ તો પુરુષોમાં પણ હોઈ શકે છે અને કેટલીક સ્ત્રીઓ પણ આવાં મોહમાયા જેવાં કારણોથી રહિત હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે કારણો દૂર કરવાનાં હોય કે મૂળ તત્ત્વોને દૂર કરવાનાં હોય?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વાત શરૂ કરીએ એક પ્રશ્નથી.
‘પત્ની સહિતના પુરુષને મોક્ષ મળતો જ નથી એટલે શું પત્નીનો ત્યાગ મોક્ષ માટે અનિવાર્ય છે?’ 

હવેનો પ્રશ્ન એ છે કે પત્ની સહિતના પુરુષને કેમ મોક્ષ નથી મળતો? ધારો કે પત્ની મોક્ષની અવરોધક છે તો પણ કયાં કારણોથી તે અવરોધક છે? 

જે કારણો હોય એને દૂર કરવાનાં હોય કે પછી મૂળ તત્ત્વને જ દૂર કરી દેવાનું હોય? 

જે કારણોથી પત્ની મોક્ષની અવરોધક બને છે તે કારણો શું પુરુષોમાં પણ નથી હોઈ શકતાં? મોહમાયા જેવાં કારણો હોય તો એ તો પુરુષોમાં પણ હોઈ શકે છે અને કેટલીક સ્ત્રીઓ પણ આવાં મોહમાયા જેવાં કારણોથી રહિત હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે કારણો દૂર કરવાનાં હોય કે મૂળ તત્ત્વોને દૂર કરવાનાં હોય?

પત્નીનો ત્યાગ, ખાસ કરીને યુવાન પત્નીનો ત્યાગ કરવાથી પાપ લાગે કે નહીં? 

એ પાપ લાગે તો પ્રથમ પગથિયે જ પાપાચરણ કરનારને મોક્ષ મળે ખરો? કદાચ કોઈ અસાધારણ પરિસ્થિતિવશ કોઈને પત્નીનો ત્યાગ કરવો પડ્યો હોય કે પડતો હોય તો કદાચ ઠીક કહેવાય, પણ આવા પત્નીત્યાગને આદર્શ માની લેવાય અને હજારો લોકો પત્નીઓનો ત્યાગ કરીને મોક્ષમાર્ગે પ્રયાણ કરે તો હજારો પત્નીઓની હાય લાગે કે નહીં? 

જો કર્મનો સિદ્ધાંત માન્ય હોય તો આવી હાયથી અનિષ્ટ ફળ મળે કે નહીં? આવા ત્યાગથી પતિ વિનાની સ્ત્રી કુદરતી આવેગોને રોકી ન શકવાથી બીજા પુરુષો તરફ વળે તો તે પાપનો ભાગીદાર પેલો ત્યાગી પુરુષ થાય કે નહીં? માનો કે કદાચ કોઈ મહાન પત્ની એવા માર્ગે ન વળે તો પણ પતિ વિનાની, પતિના અભાવમાં જે-જે દુ:ખો ભોગવે - જેમાં પતિસુખનો અભાવ પણ આવી જાય - તો એવાં દુ:ખ આપવામાં પેલો પુરુષ કારણ મનાય કે નહીં? 

એમાં પણ જો બાળબચ્ચાં હોય તો દીકરા-દીકરીઓના ઉછેરથી માંડીને બધી જવાબદારીઓથી ભાગી છૂટવાનો દોષ લાગે કે નહીં?

આટલા બધા માણસોને દુ:ખી કરીને માત્ર પોતાના જ આત્માનો મોક્ષ મેળવવા ગૃહત્યાગ કરનાર પુરુષને ખરેખર મોક્ષ મળે છે ખરો? મોક્ષની વાત તો દૂર રહી, સૌપ્રથમ તો તેને બીજાના ઘરે, બીજાની મહેનતનું અન્ન ખાઈને જીવવાની પરાધીનતા પ્રાપ્ત થાય છે. પોતાના ઘરે પોતાની મહેનતનું અન્ન ખાવું ઉત્તમ કે બીજાના ઘરે-ઘરે ભટકીને માગેલું અન્ન ખાવું સારું? શું મોક્ષમાર્ગ ભિક્ષુકો પેદા કરે છે? જો આવું જ હોય તો તે પ્રશ્નો ઊભા કરે છે, પ્રશ્નો ઉકેલાતા નથી. યાદ રાખજો, પરાવલંબિતાભર્યું જીવન કદી પણ ઉત્તમ હોઈ શકે નહીં.

columnists swami sachchidananda astrology