ધારો કે હજાર હરણ હોત અને લાખો સિંહ હોત તો?

16 January, 2023 06:06 PM IST  |  Mumbai | Swami Satchidananda

સિંહનો કોઈ પ્રાણી શિકાર કરતું નથી એટલે એ વૃદ્ધ થાય છે અને પૂરું આયુષ્ય-જીવન જીવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કુદરતી વ્યવસ્થામાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’ જ વધુ ઉચિત છે અને આ જ વાતને આપણે સૌએ પણ સહજ રીતે સ્વીકારવાની છે. એનો અસ્વીકાર એ કુદરતની પરંપરાનો અસ્વીકાર છે, જે અત્યારે આપણે કરીએ છીએ. કુદરતની જ સાઇકલ આપણે તોડવાનું કામ કરીએ તો વિચારો પૃથ્વીની હાલત શું થાય. આ જ વિચારની સાથોસાથ એ પણ વિચારવાનું કે ધારો કે ભક્ષણ થતું જ બંધ થઈ જાય તો કેવી હાલત ઊભી થાય?

જે કોઈનું ભક્ષ્ય નથી એની દશા બહુ ખરાબ હોય છે, જેમ કે સિંહ. 

સિંહનો કોઈ પ્રાણી શિકાર કરતું નથી એટલે એ વૃદ્ધ થાય છે અને પૂરું આયુષ્ય-જીવન જીવે છે. તેની યુવાવસ્થા તો ઠીક, પણ વૃદ્ધાવસ્થા શરૂ થતાં જ બીજા યુવાન અને બળવાન સિંહો એના પર ચડી આવે છે. એની ચાર-પાંચ-છ સિંહણોને પડાવી લેવા પેલા વૃદ્ધ સિંહ પર આક્રમણ કરીને એને ભગાડી મૂકે છે. પેલી સિંહણો કશું બોલતી નથી. પોતાના વૃદ્ધ પતિનો પક્ષ લેતી નથી. શરૂઆતમાં થોડો વિરોધ કર્યા પછી અંતે સિંહણો નવા પતિઓને સ્વીકારી લે છે અને દામ્પત્ય શરૂ થઈ જાય છે. પેલો વૃદ્ધ સિંહ નજીક આવી શકતો નથી. એ દૂરથી બદલાઈ ગયેલી સિંહણોને અને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલા યુવાન સિંહોને ડરતાં-ડરતાં જોતો રહે છે. 

આ પણ વાંચો : જીવો જીવસ્ય ભક્ષણમ્ જ કુદરતની વ્યવસ્થા છે

પૂર્વે કહ્યું એમ, શિકાર સિંહણો કરે છે, સિંહ તો જમવા જ જાય છે. હવે પેલા વૃદ્ધ સિંહને ભૂખે મરવાના દિવસ આવે છે, કારણ કે એ શિકાર કરી શકતો નથી. એનું શરીર દુર્બળ થવા માંડે છે.

એકાકીપણાથી એ હિજરાય છે. બધી રીતે દુખી થાય છે. હાડપિંજર જેવો થઈને અંતે એ મરી જાય છે. આવું એટલા માટે થયું કે એનો કોઈ શિકાર કરનારું, એના ઉપરનું કોઈ હિંસક પ્રાણી નથી. 
પેલાં હરણાં અને બાકીની બધી જીવસૃષ્ટિની પણ આવી જ સ્થિતિ છે એટલે કુદરતે એકબીજાને એકબીજાનો ખોરાક બનાવ્યાં. કુદરતી બૅલૅન્સને પણ સમજવા જેવું છે. ૩૦ લાખ ઘાસાહારી પ્રાણીઓમાં માત્ર ૭૦૦ જ સિંહો. જો સિંહોની સંખ્યા પણ ૩૦ લાખ કરી હોત તો શું થાત? અથવા હરણાંની સંખ્યા ૧૨૫ કરી દીધી હોત તો શું થાત? જરા વિચાર કરતાં સમજાશે કે પરમેશ્વરે એક બૅલૅન્સ બનાવ્યું છે. આ સંતુલનને યોગ્ય પ્રમાણમાં રાખવા માટે હિંસક પ્રાણીઓમાં પણ એક વિચિત્ર વ્યવસ્થા ગોઠવી છે કે એ પોતે જ પોતાનાં બાળકોને મારી નાખે છે અથવા મારીને ખાઈ જાય છે. સિંહણને જ્યારે દૂધ પીતાં બે-ચાર બચ્ચાં હોય છે, ખાસ કરીને નર બચ્ચાં, ત્યારે સિંહને નજીક આવવા દેતી નથી. શું કામ એની વાત આવતી કાલે કરીશું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

astrology life and style swami sachchidananda