ઘરમાં એવી રીતે રહો જાણે હિલ સ્ટેશન પર રહેતા હો

13 January, 2022 03:03 PM IST  |  Mumbai | Morari Bapu

આપણું શરીર પણ પ્રેમમાં અવરોધ છે. દેહનો સંબંધ કામ પર આધારિત છે. રામ સુધી એ જ પહોંચે છે જે વિદેહ હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમમાં બાધક બનતાં ક્રોધ, બોધ, નિરોધ, મળ, કપટ, વિક્ષેપ, આવરણ, અનૃત અને અમૃત્યુની વાત આપણે પહેલાં કરી, તો ગઈ કાલે આપણે વાત કરી અનિત્ય અને સંદેહની. આજે પણ આપણે પ્રેમના બાધકોની વાત કરવાના છીએ, જેમાં પ્રથમ આવે છે સુગેહની.
સુંદર ઘર, ઘરમાં રહેલી મમતા પ્રેમનો અવરોધ છે. જે લોકો પોતાનાં સુંદર ઘર છોડે તે જ પ્રેમની પ્રાપ્તિ અને અનુભવ કરી શકે. ઘરની આસક્તિ રોકી લે છે. કપિલ ભગવાન કહે છે, જેઓ પોતાના ઘર પ્રત્યે આસક્ત છે તેઓ દુર્મતિ છે. ઘર પ્રત્યે એટલી બધી આસક્તિ ન હોવી જોઈએ કે એ પ્રેમમાં અવરોધરૂપ બની જાય. વિવેકપૂર્ણ રહેવું જોઈએ. બરાબર છે, ઘર આપણું છે એટલે આપણું મમત્વ તેની સાથે જોડાયેલું હોય, પણ ઘરનું એ વાતાવરણ અસર તો કરે જ છે. ઘરમાં એવી રીતે રહો જાણે તમે હિલ સ્ટેશન પર રહેતા હો. હિલ સ્ટેશનનો અનુભવ કરી જુઓ તમે. જ્યારે ત્યાં રૂમ ખાલી થાય છે ત્યારે કોઈ રડતું નથી. દુનિયા પુલ છે, પુલ પર ચાલવાનું છે, એના પર મકાન નથી બનાવવાનું. આપણે ગતિ કરવાની છે. મમતાનું તો એવું છે કે આપણે જેટલી વધારીએ એટલી વધે, જેટલી ઘટાડીએ એટલી ઘટે. ચાવી તમારા હાથમાં છે, એને કેવી રીતે વાપરવી અને કેટલી વાપરવી. વજ્ર ગોપિકાની જેમ ભાવનાને છોડી જાય છે, તેને ઠાકુર આવકાર આપે છે, સહર્ષ સ્વીકાર કરે છે. સુગેહનો અર્થ છે સુંદર ઘર. ઘર સારું ન હોય તો તાળું મારીને નીકળી જાય છે, પણ સારા ઘરમાંથી નીકળવું મુશ્કેલ છે. એ પ્રેમમાં અવરોધ બને છે અને આ જ અવરોધ પ્રેમની પ્રાપ્તિ રોકે છે.
સુગેહ પછી આવે છે દેહ.
આપણું શરીર પણ પ્રેમમાં અવરોધ છે. દેહનો સંબંધ કામ પર આધારિત છે. રામ સુધી એ જ પહોંચે છે જે વિદેહ હોય છે. દેહ પર અટકી જવાનું નથી. ગોપીનું મિલન દેહના માધ્યમથી થયું, પરંતુ એ આત્મમિલન હતું. આત્મમિલન આવશ્યક છે. દેહનું રહસ્ય સમજાઈ જાય તો કાગડાના શરીરે પણ ભગવદપ્રાપ્તિ થઈ શકે છે અને ખિસકોલીને પણ રામની કૃપા પ્રાપ્ત થાય છે.
દેહ પછી આવે છે તૃપ્તિ. પ્રેમનો એક બહુ મોટો દોષ છે. પ્રેમમાં ગુણ ઘણા છે, પણ તૃપ્તિનો દોષ છે. પ્રેમમાં કદીયે તૃપ્તિ ન હોહ. તૃપ્તિ તો એમાં આવવી જ ન જોઈએ, પણ આવે છે. એ મોટો દોષ છે અને તૃપ્તિ આવે તો સમજો કે એ પ્રેમ છે જ નહીં. બીજું કંઈક છે. આકર્ષણને, આસક્તિને આપણે પ્રેમ કહી દીધો.

astrology columnists Morari Bapu