તમે કેટલા લુચ્ચા અને સ્વાર્થી છો એ જોતા રહેજો

28 June, 2022 01:40 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ગુજરાતની યાત્રા દરમ્યાન સુરતથી એક દંપતી વંદન કરવા આવ્યું. બે-ત્રણ દિવસ રહ્યા બાદ એ દંપતી સુરત જવાની તૈયારીમાં લાગ્યું. નીકળતાં પહેલાં એ જે બહેન હતાં એ પાછાં મળવા આવ્યાં.

મિડ-ડે લોગો

થોડા સમય પહેલાંની વાત છે. ગુજરાતની યાત્રા દરમ્યાન સુરતથી એક દંપતી વંદન કરવા આવ્યું. બે-ત્રણ દિવસ રહ્યા બાદ એ દંપતી સુરત જવાની તૈયારીમાં લાગ્યું. નીકળતાં પહેલાં એ જે બહેન હતાં એ પાછાં મળવા આવ્યાં.
‘ગુરુદેવ, ગજબનાક અનુભવ થયો...’
‘કેમ, શું થયું?’ 
સહજ રીતે જ મેં પૂછતાં તેમણે કહ્યું,
‘આજે પ્રવચનમાં કોઈક ભાગ્યશાળી તરફથી લાડવાની પ્રભાવના થતી હતી. અમારા બન્નેના હાથમાં લાડવો હતો. અમે પ્રવચનમંડપની બહાર આવ્યાં ત્યારે રસ્તા પર બેઠેલા ભિક્ષુઓ પર અમારા બન્નેની નજર પડી. ભિક્ષુઓમાં બે નાનાં બાળકો હતાં, જ્યારે બીજાં બે પતિ-પત્ની હતાં. ટૂંકમાં કહું તો લેનારા ચાર જણ, જ્યારે અમારી પાસે લાડવા બે...’ બહેનના શબ્દોમાં સ્નેહ હતો, ‘ગુરુદેવ, મેં રસ્તો કાઢ્યો. જે સ્ત્રી હતી તેના હાથમાં મેં લાડવો મૂક્યો અને એટલું જ કહ્યું કે ‘તમે બન્ને અડધો-અડધો લાડવો ખાજો.’ એ સ્ત્રીએ પ્રસન્નવદને એ લાડવો જ્યારે રાખી લીધો ત્યારે પતિના હાથમાં રહેલો બીજો લાડવો મેં તેમની પાસેથી લઈને પેલી સ્ત્રીને ફરી આપવા માંડ્યો અને તેને પૂછ્યું.
આવેલાં એ બહેને એ સવાલ-જવાબ મને કહ્યા.
‘આ બન્ને બાળકો તમારાં છે?’
‘હા...’
‘તો લો આ બીજો લાડવો. બન્ને બાળકોને અડધો-અડધો આપી દેજે.’ પેલી સ્ત્રીના શબ્દો કહ્યા પછી બહેને એ જ સ્ત્રીના શબ્દો આગળ વધાર્યા, ‘બહેન, મારી વાત સાંભળો. આ એક લાડવો તમે જ રાખી લો. બન્ને લાડવા જો તમે અમને આપી દેશો તો પછી તમે શું ખાશો? તમે એક લાડવો તો મને આપ્યો જ છેને, એના ચાર ભાગ કરીને અમે ચારેય જણ પા-પા લાડવો ખાઈ લઈશું. આખરે આ તો પ્રભુનો પ્રસાદ છે બહેન. તમારું મોઢુંય મીઠું ન થાય એ તો કેમ ચાલે?’
વાત કરતાં-કરતાં એ બહેનની આંખમાં આંસુ આવી ગયાં.
‘ગુરુદેવ! આટલાં વર્ષોની જિંદગીનો આ પહેલો અનુભવ છે કે જ્યાં ભિક્ષુકે લાડવો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હોય! ‘ભિક્ષુઓ જુઠ્ઠા અને લુચ્ચા જ હોય છે’ની જે અમારી સંસારીઓની માન્યતા છે એનો આ ભિક્ષુક સ્ત્રીએ એકઝાટકે છેદ ઉડાડી દીધો. આ એક જ અનુભવે જિંદગી માટે એવો જબરદસ્ત બોધપાઠ આપી દીધો કે ક્યારેય કોઈને હલકા કે નીચા ન માનવા. બાકી ગુરુદેવ સાચું કહું, ભિક્ષુક મહિલાના આ દિલ સામે મારું દિલ તપાસ્યું તો મારે શરમાઈ જવું પડ્યું.’
એક વખત તમે પણ આ જ કાર્ય કરજો અને જોજો, તમારે શરમાવું ન પડે.

columnists astrology