લખલૂટ સંપત્તિ વચ્ચે આત્માની જાગૃતિનો ઉદય

07 December, 2021 03:42 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

મુંબઈમાં રહેવાનું, પણ સંયોગોવશાત્ ધંધા માટે લંડન જવું પડ્યું. ધર્મસંસ્કારોની મૂડી સારીએવી, પણ પરદેશમાં પ્રલોભનો અપાર અને ધર્મ કરવાનાં આલંબનો અને નિમિત્તો નહીંવત્.

પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝનો જૈન ઉપાશ્રય, સમય બપોરે ત્રણ વાગ્યાનો. પ્રૌઢ વયના અપરિચિત શ્રાવક આસન પાસે આવીને ઊભા રહ્યા. પગે તકલીફ હોવાથી જમીન પર બેસી શકે નહીં એટલે ખુરસી તેમની પાસે લાવીને એક ભાઈએ મૂકી, પણ તેમને બેસતાં સંકોચ થતો હતો. બેસવાનું કહ્યું, પણ તે બેઠા નહીં, બીજી વાર કહ્યું એટલે તેમણે ચોખવટ કરી.
‘કેમ બેસું? આચાર્ય મહારાજની પાટ નીચી છે અને ખુરસી ઊંચી. આ રીતે બેસવામાં ગુરુની આશાતનાનો દોષ લાગે.’ 
બીજી કોઈ ખુરસી ત્યાં હતી નહીં અને ઊભાં-ઊભાં વાત કરી શકે એવી શારીરિક ક્ષમતા નહોતી એટલે કચવાતા મને ક્ષમા માગીને બેઠા અને પોતાનો પરિચય આપ્યો.
‘મુંબઈમાં રહેવાનું, પણ સંયોગોવશાત્ ધંધા માટે લંડન જવું પડ્યું. ધર્મસંસ્કારોની મૂડી સારીએવી, પણ પરદેશમાં પ્રલોભનો અપાર અને ધર્મ કરવાનાં આલંબનો અને નિમિત્તો નહીંવત્.’
‘આ બાજુ અચાનક આવ્યા?’
‘બે-ત્રણ વર્ષે એકાદ વાર મુંબઈ આવું, આ વખતે જાણવા મળ્યું કે આપ બિરાજમાન છો એટલે વંદનાર્થે આવ્યો અને સાથોસાથ આપની પાસેથી વચન લેવા પણ આવ્યો...’
‘વચન, અને એય મારી પાસેથી?’
‘હા, આપની પાસેથી.’ તેમણે વિનમ્રતાથી હાથ જોડ્યા અને કહ્યું, ‘યુવાનીમાં અજ્ઞાનતાને કારણે ઘણાં પાપો કર્યાં. એમાં પાછું લંડન જવાનું થયું. પુણ્ય અનુકૂળ એટલે સંપત્તિક્ષેત્રે સફળતા મળી, પણ કલ્યાણમિત્રોનો કોઈ સહવાસ નહીં એટલે પાપ ખૂબ થયાં, પાપો ખૂબ કર્યાં, પણ અચાનક સમ્યક્ સાહિત્ય હાથમાં આવ્યું. વાચનમાં રસ પડ્યો. મળેલા માનવજીવનની કિંમત સમજાઈ અને જીવનમાંથી પાપોને દેશવટો આપવાનું ચાલુ કર્યું. આજે તો મનથી હું ખૂબ પ્રસન્ન છું. લંડનમાં પણ દરરોજ બે-ત્રણ સામાયિક કરું છું, સમ્યક્ વાચન ચાલુ છે, રાત્રિભોજન સદંતર બંધ અને ટીવી સામે બેસવાનું બંધ કર્યું છે, પણ મૂંઝવણ એ છે કે શ્રેણિક મહારાજાએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યા એ પહેલાં જેમ નરગતિનું આયુષ્ય બાંધી દીધું હતું એ જ રીતે મારું આયુષ્ય પણ યુવાવસ્થાના પાપપ્રચુર કાળમાં દુર્ગતિનું બંધાઈ ગયું હશે તો?’
તેમની આંખો ભીની થઈ.
‘મરીને કદાચ હું દુર્ગતિમાં ચાલ્યો જાઉં તો હું જ્યાં હોઉં ત્યાં આપે મને બચાવવા આવવાનું જ. આપ એ વચન નહીં આપો ત્યાં સુધી મને ચેન નહીં પડે.’ 
આંખોમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યાં. તેમની એ આંસુસભર માગણીએ મને ગદ્ગદ બનાવી દીધો! આત્મકલ્યાણની આ પ્રબળ ઝંખના, લખલૂટ સંપત્તિ વચ્ચેય આત્માની આટલી સરસ જાગૃતિ? મનોમન એ ઝંખનાને અને જાગૃતિને નમસ્કાર થઈ ગયા.

astrology columnists