જે હૃદયમાં જીવદયા નથી એ હૃદયમાં ધર્મને સ્થાન નથી

04 September, 2021 04:08 PM IST  |  Mumbai | Kalaprabhsagarsurishwarji Maharaj Saheb

માણસને જોઈતી વસ્તુ ન મળે તો યાચના કરશે, પ્રયત્ન કરશે, અથાક પ્રયાસ કરશે પણ તે એ વસ્તુ પ્રાપ્ત કરશે, પણ એની સામે, મૂંગાં પ્રાણીઓ, એ બાપડાં ભૂખ્યાં-તરસ્યાં હશે

પ્રતીકાત્મક તસવીર

જીવતત્ત્વથી અમૂલ્ય આ વિશ્વમાં કશું જ નથી. જીવતત્ત્વનાં મૂલ્ય જેને સમજાય તેને જ જીવદયાનું મૂલ્ય સમજાય. જીવને જ શિવની પ્રાપ્તિ થાય છે, જીવ જ શિવ બને છે અને એટલે જ જીવનનું મહત્ત્વ છે. આવા જીવતત્ત્વ પ્રત્યે અંતરમાં દયા-કરુણાની ભાવના એનું નામ જ જીવદયા છે.

માણસને જોઈતી વસ્તુ ન મળે તો યાચના કરશે, પ્રયત્ન કરશે, અથાક પ્રયાસ કરશે પણ તે એ વસ્તુ પ્રાપ્ત કરશે, પણ એની સામે, મૂંગાં પ્રાણીઓ, એ બાપડાં ભૂખ્યાં-તરસ્યાં હશે. વેદના સહન કરતાં હશે, પીડા અને વ્યાધિ સહન કરતાં હશે. એ કોને કહેશે, કેવી રીતે કહેશે?

આ મૂંગાં પ્રાણીઓમાં મારા-તમારા જેવો જ આત્મા છે. એને પણ માણસ માત્રની જેમ જ સુખ–દુઃખની લાગણીઓ છે. સુખ એને પણ ગમે ને દુઃખ એને પણ અકળાવે. વહાલ એને પણ ગમે અને નફરત એને પણ તિરસ્કાર આપે. આ જીવો પણ દુઃખમાંથી મુક્તિ ઇચ્છે છે અને આ જીવ પણ સુખને પામવા માગે છે. એમને અભયદાન મળે, એમને સંતોષ પ્રાપ્ત થાય, એમને શાતા મળે એ જીવન એ જ માનવજીવન. દરેકેદરેક માણસે આ મૂંગા જીવોને ચારો, ચણ, પાણી સુલભતાથી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવા જોઈએ, એ માણસ માત્રનો પહેલો ધર્મ છે.

જીવદયાનાં કાર્યો જેમ-જેમ જીવનમાં વધતાં જશે, વિકાસ પામતાં જશે એમ-એમ  જીવનમાં પરમ શાંતિની અનુભૂતિ થશે. અશાતામય જીવનમાં શાતા પામવાનો એકમાત્ર ઉપાય જીવદયા છે. યાદ રાખવું કે જીવદયામાં વાપરેલી મૂડી ક્યારેય નિષ્ફળ જતી નથી. જીવદયા માટે વાપરેલી સંપત્ત‌િ દ્વારા દુઃખનો ક્ષય થાય છે અને કાયા રોગરહિત બને છે.        આજે દુનિયામાં વધતા રોગો સૂચવે છે કે માણસના જીવનમાં જીવદયાની ખામી અતિરેક પર પહોંચવા માંડી છે. સ્વસ્થ રહેવા માટે જીવદયાનું પાલન અતિ આવશ્યક છે.

તં દાણં તં ચ વયં,

તં ચ તવો સા ય દેવગુરુપૂયા

જીવાણં જત્થ દયા,

અન્નહા તં વિણા સવ્વં

દાન, વ્રત, તપ અને દેવગુરુની પૂજા ત્યાં જ સફળ છે, જ્યાં જીવોની દયા છે. જીવદયા વિના બધું નિષ્ફળ છે અને એવું જીવન નિષ્ફળતાથી જરા પણ ચડિયાતું નથી. જીવદયા એ તો તીર્થંકરપ્રાપ્તિનું પણ મૂળ છે. જે હૃદયમાં જીવદયા નથી એ હૃદયમાં ધર્મ સ્થાન પામી શકતો નથી. જીવદયા વિનાનો ધર્મ ક્યારે પણ શોભા પામતો નથી. જીવદયાની પ્રવૃત્તિ જીવનમાં વણાયેલી હોય તો જીવનમાં ધર્મ સ્વયંમેવ આનંદદાયી બને છે. કેવી રીતે એ પ્રાસંગિક કથા દ્વારા જોઈએ.

રાજગૃહી નગરી, ધર્મી નગરી. દેવ-ગુરુ ધર્મશ્રદ્વાળુ પ્રજા. ત્યાં વસતા હતા એક શ્રમણોપાસક, નામ હતું તેમનું રતિસાર શ્રેષ્ઠી. તેમનાં ધર્મપત્નીનું નામ હતું રંભા. રતિસાર અને રંભાને એકનો એક દીકરો આરક્ષકુમાર. શેઠ અત્યંત દયાળુ અને ધર્મી, દયાધર્મનો ડંકો દેવલોકમાં છેક વાગે.

શકેન્દ્રે તેમના દયાધર્મની પ્રશંસા દેવલોકમાં કરી અને કહ્યું, ‘શ્રી

તીર્થંકર પ્રરૂપિત દયાધર્મમાં રતિસાર શ્રાવક મેરુ સમાન અચલ છે. દયાધર્મમાંથી તેમને ચલિત કરવાની કોઈની શક્તિ નથી.’

એક દેવને આ વાતમાં અતિશયોક્તિ લાગી. તેમને થયું કે માનવી ચલાયમાન ન થાય એ શક્ય જ નથી.

‘હું હમણાં જાઉં અને રતિસાર શ્રાવકને દયાધર્મથી વિમુખ કરું...’

આવા ભાવ સાથે દેવ તો આવ્યા દેવલોકમાંથી નીચે. પૃથ્વીલોકમાં આવીને તે સીધા રતિસારના ઘરમાં સર્પરૂપે પ્રવેશ્યા અને રતિસાર-રંભાના એકના એક દીકરાને ડંખ માર્યો. શરીરમાં ઝેર વ્યાપ્યું અને દીકરો બેહોશ થઈને પડ્યો, હાહાકાર મચી ગયો.

એ દીકરાના શરીરમાંથી ઝેર દૂર કરવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ બધા નિષ્ફળ.

હવે દેવ વૈદ્યનું રૂપ લઈને આવ્યા. આવીને તેઓ રતિસાર સામે ઊભા રહ્યા.

‘ચપટી વગાડતાં દીકરાને ઊભો કરું, પણ દવાની સાથે પિતાએ ભાવના મનમાં લાવવી પડે, અંતરથી માગવું પડે કે મારો દીકરો જીવે અને દંશ આપનારા સાપનું મોત થાય.’

રતિસાર જેનું નામ, કંપી ઊઠ્યો એ જીવદયા જીવ.

‘ના, ના. જરાય નહીં. ધોળે ધર્મે પણ એવું ન બને, હું તો કહીશ, માગીશ કે મારો દીકરો અને સાપ બન્ને જીવે...’

વૈદ્યરાજ ચાલ્યા ગયા અને થોડી વાર પછી માંત્રિકનું રૂપ લઈને આવ્યા, ફરી સૌકોઈની આશા બંધાઈ. માંત્રિકે કહ્યું, ‘મંત્રબળથી હમણાં આને ઊભો કરું, પણ એના માટે રતિસારે સર્પને મારવાની તૈયારી બતાવવી પડે...’

રતિસારનો નકાર અને માંત્રિકે પણ વિદાય લીધી. ફરીથી નિરાશા અને ફરીથી દેવનું આગમન. આ વખતે દેવ યોગી બનીને આવ્યા.

‘હું યુવાનને ક્ષણવારમાં ઝેરમુક્ત કરું, પણ પિતાએ સાપના મોત માટે જાપ કરવો પડે.’

રતિસારે યોગી સામે હાથ જોડ્યા.

‘યોગીરાજ, દીકરો ઝેરમુક્ત થશે પણ મારું મન અને આત્મા ઝેરીલો બની જાય એનું શું? બહારનું ઝેર તો એક વખત માટે, પણ અંતરમાં પેસી ગયેલું ઝેર તો ભવોભવનું.’

ક્ષણવાર અટકીને રતિસારે ના પાડતાં કહ્યુંઃ ‘ના, એવું નહીં થાય. જન્મ તેનું મરણ નિશ્ચિત છે. આયુષ્ય બળવાન હશે તો દીકરો બચશે, નહીં તો લાખ પ્રયત્નોથી પણ નહીં બચે. દીકરાના જીવના સ્વાર્થ ખાતર મારે હૈયાની દયા, પ્રેમ અને કરુણાને હાંકી નથી કાઢવી. માફી આપો...’

યોગીરાજ રતિસારની વાત સાંભળીને સ્તબ્ધ થયા અને તેમણે મનોમન હાર સ્વીકારી લીધી. શ્રાવકની જીત થઈ. દેવતા હારી ગયા. દેવ પ્રગટ થઈને ક્ષમા માગે છે. પુત્રને જીવિત કરી દયા ધર્મની પ્રશંસા કરી સ્વસ્થાને જાય છે.

આપણને સૌને પણ દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થાપિત જૈન ધર્મ મળ્યો છે, દયાનો વારસો મળ્યો છે. શું તમારું જીવન આવા જ દયાભાવથી છલકાઈ રહ્યું છે, શું આવી જ કરુણા, આવો જ પ્રેમ અને આવી જ જીવદયા મનુષ્ય માત્રના હૈયે છે?

તપાસ કરીએ, સત્ય સમજાઈ જશે. સમજાશે કે વ્યક્તિને સુખ પ્રિય છે એમ જ વિશ્વના સર્વ જીવોને સુખ પ્રિય છે. મને જેમ મારું જીવન પ્રિય છે એમ વિશ્વના નાના-મોટા તમામેતમામ જીવોને પોતાનું જીવન વહાલું છે. એમના પ્રાણ લેવાનો મને કોઈ અધિકાર નથી.

જીવો અને જીવવા દો.

પ્રભુ મહાવીરનો સંદેશ છે. આ સંદેશને સૌકોઈ જીવનસંદેશ બનાવશે તો જ પર્યુષણ પર્વનો સાક્ષાત્કાર થશે અને આપણે અદ્ભુત દયાધર્મના સ્વામી બનીશું.

columnists