અસૂરને પણ સૂર બનાવે એ ઉપાસના

16 June, 2022 01:40 PM IST  |  Mumbai | Morari Bapu

મનઃ પ્રસાદઃ – મનની શાંતિ, મનનો શાંત સ્વભાવ એ માનસિક તપ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ માનસિક તપની, જેમાં તમને ગઈ કાલે કહ્યું એમ મનઃ પ્રસાદઃ - મનને પ્રસન્ન રાખો.

સૌમ્યત્વ. સૌમ્યતા અને આ સળંગ ક્રમ છે. તમારે અનુભૂતિ કરવી પડશે. જ્યાં મનની પ્રસન્નતા આવે ત્યાં સૌમ્યતા આવી જ જાય અને પ્રસન્નતા ન હોય ત્યાં સૌમ્યતા લાવવાની કોશિશ કરો તો પણ એ ન આવે. મનની પ્રસન્નતાની અસર માત્ર સ્વભાવ પર હોય છે એવું નથી. મનની પ્રસન્નતાની શરીર પર ઘણી અસર થાય છે.

મન કલુષિત હોવાને લીધે જ મોટા ભાગે શરીર રોગી બને છે. શરીર પર મનની ઘણી અસર પડે છે. તમારું મન પ્રસન્ન હોય તો તમારે વધારે રોટલી ખાવાની પણ જરૂર નથી પડતી અને એ પછી પણ વાણી, વર્તન અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

જે પરિસ્થિતિ આવે એનો સહજ રીતે, હરિકૃપા કે હરિઇચ્છા સમજીને સ્વીકાર કરી લેવો એ માનસિક તપસ્યા છે. ગાળ આપનારને પણ તેનામાં એટલે કે ગાળ આપનારમાં બેઠેલા રામને યાદ કરવાની જરૂર છે. હું હરિ છું કે નથી એની તો ખબર નથી, પણ મારામાં હરિ તો છે એ ક્યારેય ભૂલવું નહીં.

મનઃ પ્રસાદઃ – મનની શાંતિ, મનનો શાંત સ્વભાવ એ માનસિક તપ છે. આ બધાનો તપની વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે અને એ તપ સર્વશ્રેષ્ઠ પુરવાર થતું રહ્યું છે. ઉપાસના માટે બહુ સરસ અને સરળ એક વાત તમને કહેવી છે. અસુરને સુર બનાવે એનું નામ ઉપાસના.

તપસ્વી એ છે જે આ ત્રણનો સ્વીકાર સહર્ષ કરી લે છે. હું આપને પ્રાર્થનાના રૂપમાં કહું છું કે આપ ફક્ત ત્રણ વસ્તુ સહન કરી લેશો આપને તપસ્વી કહેવામાં મારી વ્યાસગાદીને કોઈ હિચકિચાટ નહીં થાય. આ સફારી સૂટમાં પણ તપસ્વી છો, સ્કૂલના યુનિફૉર્મમાં પણ તપસ્વી છો, સાધુના વેશમાં તપસ્વી છો, પીતાંબરમાં તપસ્વી છો, દિગંબર હો તો પણ તપસ્વી છો. વાળ સરસ ઓળ્યા હોય તો પણ તપસ્વી છો, ઉઘાડા પગે હો તો પણ તપસ્વી છો અને કોઈ ઊંચા પદ પર બેઠા હો તો પણ તમે તપસ્વી છો. માત્ર ત્રણ વાતનો સ્વીકાર તમારે કરવાનો છે. આ ત્રણ વાતમાં સૌથી પહેલા નંબરે છે દ્વંદ્વોમાં સહિષ્ણુતા, બીજા નંબરે છે વિકારોના વેગમાં સહિષ્ણુતા અને ત્રીજા નંબરે છે બીજાની ચડતીનો સ્વીકારભાવ. જો આ ત્રણ વાતને તમે સહર્ષ સ્વીકારી લીધી તો માનજો કે તમે તપસ્વી છો અને સંસારમાં આવા જ તપસ્વીઓની તાતી જરૂર છે.

અત્યારે જે ત્રણ વાત કહી એની વિગતે ચર્ચા કરીશું આપણે આવતા અઠવાડિયે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style astrology Morari Bapu