આજે રક્ષાબંધન અને શ્રાવણી સોમવારનો સંગમ, જાણો રાખડી બાંધવાનો શુભ સમય

03 August, 2020 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે રક્ષાબંધન અને શ્રાવણી સોમવારનો સંગમ, જાણો રાખડી બાંધવાનો શુભ સમય

રક્ષાબંધન

આજે સોમવારે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ આવે છે, એથી એનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે.
લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી આજના દિવસે શિવલિંગ પર શુદ્ધ જળ સાથે કાચા દૂધની અંદર કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને ચડાવવાથી ભૌતિક જગતનું સુખ સાથે મોક્ષ પ્રદાન કરનારું છે તેમ જ કમળના પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા આજના દિવસે શિવપુરાણમાં આલેખાયો છે. વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમ જ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં ‘મહામૃત્યુંજય જપ’ કરવાથી આયુ, આરોગ્યની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથોસાથ રુદ્રી પાઠનું શ્રવણ કે વાંચન પણ કરવાનું વિશિષ્ટ મહત્ત્વ આજના દિવસે રહેલું છે.

રાખડી બાંધવાનો શુભ સમય સવારે ૯.૨૯થી રાત્રે ૮.૩૩નો

આજે રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમા હોવા છતાં ભદ્દા યોગને ૯.૨૮ મિનિટ સુધી રહેતો હોવાથી ત્યાર બાદ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રક્ષાબંધન પર્વ સવારે ૯.૨૯થી રાત્રિના ૮.૩૩ કલાક સુધી રાખડી બાંધવામાં વધારે શુભ માનવામાં આવે છે, જ્યારે બપોરે ૧.૩૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી અતિશ્રેષ્ઠ મુરત.

શાસ્ત્ર મુજબ માતા, ગુરુ અને બહેન રક્ષાસૂત્ર બાંધી શકે છે. આ ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને, રાજપુરોહિત રાજાને પણ રક્ષાસૂત્ર બાંધે છે. રક્ષાસૂત્ર એ સામાન્ય નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને  અનેક મુશ્કેલીઓમાં ઉગારી લે છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણા ધર્મગ્રંથો અનુસાર મહાભારતમાં જોવા મળે છે, જે અંતર્ગત કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને એનાથી છ-છ કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો.

raksha bandhan astrology