સંસારના અસ્તિત્વ સાથે જ પ્રશ્નોનો જન્મ થયો છે

03 October, 2021 08:40 AM IST  |  Mumbai | Swami Sachidanand

જીવન અને પ્રશ્નો બન્ને એકબીજા સાથે જડાયેલાં, જોડાયેલાં છે. પ્રશ્નો વિનાનું જીવન હોય જ નહીં.

મિડ-ડે લોગો

અભિગમ બદલવા માટે આપણે હવે વાત કરવાની છે સ્ત્રીઓ વિશે, મહિલાઓ વિશે અને જ્યારે મહિલાઓ વિશે વાત કરવાની હોય ત્યારે તેમના જીવનમાં આવનારા કે પછી અનાયાસ આવી ગયેલા કાળના આધારે તેમને પાંચ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. આ પાંચ પ્રકારમાં પહેલા નંબરે છે સમર્પિત, બીજા નંબરે છે આશ્રિત, ત્રીજા નંબરે સ્વાશ્રિત, ચોથા નંબરે નિરાશ્રિત અને પાંચમા સ્થાને છે તિરસ્કૃત. આ પાંચ વિશે વાત કરીશું અને કોણે પોતાના જીવનમાં કેવો પ્રયાસ કરવાની આવશ્યકતા છે એના વિશે જાણીશું. જોકે એ પહેલાં કહેવાનું કે સ્ત્રીઓના પ્રશ્નો છે એ આજકાલના નથી પણ સંસારની શરૂઆતથી જ છે. માત્ર સ્ત્રીઓના જ નહીં, પુરુષોના પણ પ્રશ્નો રહ્યા છે અને એટલે કહી શકાય કે સ્ત્રી-પુરુષોના સંયુક્ત કે પછી અલગ-અલગ પ્રશ્નો રહ્યા જ છે અને જ્યાં સુધી સંસાર રહેશે ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના જ છે. જૂના પ્રશ્નોનું સમાધાન થશે એટલે તરત નવા પ્રશ્નો ઊભા થવાના. જીવન અને પ્રશ્નો બન્ને એકબીજા સાથે જડાયેલાં, જોડાયેલાં છે. પ્રશ્નો વિનાનું જીવન હોય જ નહીં. હા, મૃત્યુને ક્યારેય કોઈ સમસ્યા કે પ્રશ્ન નથી હોતાં, પણ વાત જીવનની છે અને જીવન પાસે પ્રશ્નો છે ત્યારે બુદ્ધિમત્તા એને કહેવાય કે જૂના પ્રશ્નોનું સમાધાન એવી રીતે કરવામાં આવે જેથી નવા ભીષણ પ્રશ્નો ઊભા ન થાય. 
પુરુષોના પ્રશ્નોનું સમાધાન તો પુરુષો કરે જ છે, પણ સ્ત્રીઓના પ્રશ્નોનું સમાધાન પણ પોતાને જ કરવાનું છે એવું તેમનું વર્તન અને વ્યવહાર રહ્યાં છે. પુરુષો એમ માને છે કે સ્ત્રીઓ પ્રશ્નોનું સમાધાન નથી કરતી પણ પ્રશ્નો ઊભા કરે છે. જ્યાં ખાસ કોઈ પ્રશ્ન ન હોય ત્યાં સ્ત્રીને લઈ જાઓ. તરત પ્રશ્નો ઊભા થવા લાગશે. એમાં પણ ચાર-પાંચ સ્ત્રીઓને ભેગી કરો અને જુઓ પ્રશ્નોના કેવા વંટોળિયા આવે છે. ભારતના દાર્શનિકોએ કદાચ આટલા જ માટે સુખી થવાના ઉપાયમાં સ્ત્રીનો ત્યાગ કરવાનું લખ્યું હશે. આના કોઈ પુરાવા નથી, પણ જે પ્રકારની માનસિકતા રહી છે અને જે પ્રકારનો ઇતિહાસ રહ્યો છે એ જોતાં આ વાત મહત્ત્વની તો લાગે જ છે. શાસ્ત્રોમાં કહેવાયું છેને...
ત્યાજ્યં સુખં કિં સ્ત્રિયમેવ સમ્યગ્ અર્થાત્ પૂરેપૂરું ત્યાગી દેવા જેવું કયું સુખ છે? 
જેના ઉત્તરમાં કહ્યું છે : સ્ત્રીસુખ. 
સ્ત્રી તરફથી મળનારા સુખનું પ્રબળ આકર્ષણ પુરુષોને રહે એ કુદરતી પ્રક્રિયા છે, પણ આવા સુખની સાથે એની ભારે કિંમત ચૂકવનારા પ્રશ્નો પણ મળતા હોય છે. એટલે એ પ્રશ્નોની મહારામાયણમાં જીવનને અટકાવી દેવું એના કરતાં એ સુખથી જ દૂર રહોને!

astrology columnists swami sachchidananda