સિકંદર બનવાને બદલે સંન્યાસી થવાનું પસંદ કરતા રહ્યા

15 May, 2022 12:36 PM IST  |  Mumbai | Swami Satchidananda

કહેવાની જરૂર નથી કે આને કારણે ન તો પોતાનું રક્ષણ કરી શક્યા, ન પ્રજાનું રક્ષણ કરી શક્યા, ન ધર્મનું રક્ષણ કરી શક્યા, ન મંદિરોનું રક્ષણ કરી શક્યા. તેમના વિચારો સ્થગિત થઈ ગયેલા હતા, એટલે નવીનતા આગળ ટકી ન શક્યા

મિડ-ડે લોગો

ફાહ્યાન, હ્યુએનત્સિઅંગ, ઇત્સિંગ જેવા જ્ઞાનપિપાસુઓ તો આપણે ત્યાં આવતા રહ્યા, પણ અહીંથી કોઈ વિદ્વાન અરબસ્તાન, ચાઇના, ઇજિપ્ત કે જપાન ગયો હોવાનું આપણને ક્યારેય જાણવા મળ્યું નથી. એવું બને પણ શી રીતે, આપણે આપણા પૂર્ણજ્ઞાનની ભ્રાન્તિમાં સ્થગિત થઈ ગયા હતા. નવા જ્ઞાનની દિશામાં આગળ વધવાની કોઈ તૈયારી નહોતી અને તૈયારી નહોતી એટલે આપણે ખાબોચિયાના દેડકા બનીને બેસી રહ્યા.

હિન્દુકુશ, ખૈબર અને બોલન જેવા માર્ગોથી આવીને ગ્રીકો, ઈરાનીઓ, તુર્કીઓ, અફઘાનો, શકો, હુણો, સિથિયનો આ દેશ અને આ દેશની પ્રજાને ધમરોળવા આવતા રહ્યા, પણ અહીંનો કોઈ સેનાપતિ કે સમ્રાટ એ જ રસ્તે બહાર જઈને ગ્રીસ સુધી કે બગદાદ સુધી પહોંચ્યો હોય એવું પણ ઇતિહાસમાં ક્યાંય વાંચવા કે સાંભળવા મળ્યું નથી. શૌર્યનો અભાવ એમાં કારણભૂત નથી, પણ બૌદ્ધિક સ્થગિતતા એમાં જવાબદાર છે. યુરોપની પ્રજા ધર્મની સ્થગિતતાની ધૂંસરીને ફગાવી શકી, મુસ્લિમ પ્રજાનો ધર્મ જ રાજકીય મહત્ત્વાકાંક્ષાવાળો હોવાથી દૂર-દૂર સુધી રાજ્યનો ઝંડો લહેરાવવામાં પ્રેરક બન્યો. જ્યારે ભારતના મુખ્ય ત્રણ ધર્મો તથા પેટા-સંપ્રદાયો રાજકીય મહત્ત્વાકાંક્ષાને ઠંડી પાડી દેનારા આત્મલક્ષી, નિવૃત્તિપરાયણ અને ઇચ્છાહીનતાના પોષક હોવાથી રાજા, સેનાપતિ અને પ્રજા પોતપોતાનાં નાનાં નાનાં કૂંડાળાંમાં જ સંતુષ્ટ તથા ધન્ય થઈ રહ્યા હતા.

સિકંદર કે નેપોલિયન થવાની જગ્યાએ તેઓ ભિક્ષુ કે સંન્યાસી થવાનું પસંદ કરતા હતા. કહેવાની જરૂર નથી કે આને કારણે ન તો પોતાનું રક્ષણ કરી શક્યા, ન પ્રજાનું રક્ષણ કરી શક્યા, ન ધર્મનું રક્ષણ કરી શક્યા, ન મંદિરોનું રક્ષણ કરી શક્યા. તેમના વિચારો સ્થગિત થઈ ગયેલા હતા, એટલે નવીનતા આગળ ટકી ન શક્યા. એવું માનવાને પણ જરૂર નથી કે આજે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. ના રે, જરા-તરા ફરક પડ્યો છે, પણ બાકી તો બધું હતું એવું ને એવું જ છે. આજે પણ આ દેશમાં ભિક્ષુ અને સંન્યાસીપણું આવે એ માટે પ્રયાસ થતા રહે છે. ભણેલા-ગણેલાઓને સંસાર છોડાવવાનું કૃત્ય કરવામાં આવતું રહ્યું છે અને એટલે જ આજે પણ આપણે પહેલાંની જેમ જ દુનિયાની સામે પાછળ જ છીએ. એ સમયે આપણે સિકંદર અને નેપોલિયન બનાવ્યા નહીં એમ, આજે આપણે વૈજ્ઞાનિક, ટેક્નાક્રેટ કે પછી સારા ફાર્મસિસ્ટ તૈયાર કરવામાં ઊણા ઊતરીએ છીએ. સંજોગો બદલાયા છે, પણ પરિસ્થિતિ એ જ રહી છે. સમય બદલાયો છે, પણ સવાલ તો એના એ જ છે, આપણે ધર્મ સ્થગિતતાને ક્યારે દૂર કરીશું?

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists