શાંત રહેનારી, ધીમું અને ઓછું બોલનારી પ્રજા ઇતિહાસ સર્જે

24 January, 2022 01:22 PM IST  |  Mumbai | Swami Sachidanand

અત્યંત ઘોંઘાટ કરનારી અને ઘોંઘાટમાં જીવનારી પ્રજા ઐતિહાસિક પ્રજા નથી થઈ શકતી. શાંત રહેનારી, ધીમું બોલનારી અને ઓછું બોલનારી પ્રજા ઇતિહાસની સર્જક બનતી હોય છે.

મિડ-ડે લોગો

આપણે ત્યાં માર્ગ છે, વાહન છે, ડ્રાઇવર છે, પણ કાયદો નથી. કાયદાનું પાલન કરાવનારા રોડ પર ફરે છે ખરા, પણ તે બીજા મહત્ત્વના કાર્યમાં રોકાયેલા રહે છે એટલે વાહનો લાઇટ વિના, કેટલીક વાર બ્રેક વિના, કેટલીક વાર લાઇસન્સ વિના પણ સડસડાટ ચાલે છે, જેને જેમ ફાવે તેમ પેસી જાય છે. મોટા ભાગના ચાલકોને વાહનવ્યવહારના નિયમોની ખબર જ નથી અને ખબર હોય તો નિયમોને અભરાઈએ ચડાવવાની કુટેવ થોડા ઘણા અંશમાં સૌને પડી ગઈ છે. ભારતમાં વાહનવ્યવહાર એટલો બધો અવ્યવસ્થિત છે કે એને આપણી પ્રજાની શિસ્તનું પ્રતિબિંબ કહી શકાય. આને કારણે અહીં કરુણ અને ગોઝારા અકસ્માત થાય છે. લોકો કૂતરાના મોતે મરે છે. જો નિયમોને ચુસ્તતાથી પળાય તો ઘણા અકસ્માતને રોકી શકાય. 
ખરેખર શું થવું જોઈએ? પ્રથમ તો ચાલકે પોતાનું વાહન ડાબા હાથે પોતાના ટ્રૅક પર ચલાવવું જોઈએ. માર્ગ વચ્ચે કે જમણી તરફ ચલાવવું એ કુટેવ છે. ડાબી તરફ પોતાની નિશ્ચિત જગ્યાએ વાહન ચાલતું હોય તો પાછળવાળાને ઓવરટેક કરવા વારંવાર અટકી જવું ન પડે તથા વારંવાર ભોં-ભોં વગાડવું ન પડે. તે પોતાની ગતિ પ્રમાણે ઓવરટેક કરીને સડસડાટ ચાલ્યો જાય. કોઈની ગતિના અવરોધક ન બનવું જોઈએ. આપણી ઓછી ગતિ બીજાને માટે અભિશાપ ન બને એની કાળજી રાખવી જોઈએ. આ માનવતા છે. તમે જ્યારે બરાબર ડાબા હાથે ચાલો છો એટલે સામો આવનારો પણ ડાબા હાથે ચાલે છે. હવે બન્નેનાં વાહન વચ્ચે ખાસ્સું અંતર રહે છે, એટલે કશી હુંસાતુંસી, અજંપો કે અકસ્માત થયા વિના બન્ને તરફનાં વાહનો નિર્ભયતાથી સડસડાટ ચાલ્યાં જાય છે. માત્ર એક જ કુટેવને સુધારવાથી કેટલાય અકસ્માત નિવારી શકાય છે અને શાંતિથી ડ્રાઇવિંગ કરી શકાય છે. 
વારંવાર લાંબાં અને તીવ્ર અવાજવાળાં હૉર્ન વગાડવાં એ કુટેવ છે. આપણો એક હાથ તો હૉર્ન ઉપર જ હોય છે. ઘણા લોકો તો જાણે તેમના લગ્નપ્રસંગે બૅન્ડવાજાં ન વગાડતા હોય એમ તાલબદ્ધ લાંબો સમય અકારણ હૉર્ન વગાડ્યા જ કરતા હોય છે. આ ત્રાસદાયી કુટેવ છે. કેટલાક રાતના સમયે મિત્રને મળવા આવે તો મિત્ર છે કે નહીં એની ખાતરી કરવા આંગણામાં ઊભા રહીને જ્યાં સુધી પેલો વાહન પાસે ન આવે ત્યાં સુધી ભોંપું વગાડ્યા જ કરતા હોય છે. કેટલાંય વૃદ્ધો-બાળકો-રોગીઓ-મજૂરો બિચારાં માંડ ઊંઘ્યાં હોય છે તેમની આ કુટેવ ઊંઘ બગાડે છે. અત્યંત ઘોંઘાટ કરનારી અને ઘોંઘાટમાં જીવનારી પ્રજા ઐતિહાસિક પ્રજા નથી થઈ શકતી. શાંત રહેનારી, ધીમું બોલનારી અને ઓછું બોલનારી પ્રજા ઇતિહાસની સર્જક બનતી હોય છે.

columnists astrology swami sachchidananda