જીવ જશે ત્યારે પંચમહાભૂત પોતપોતાનો હિસ્સો લઈ જ લેશે

01 December, 2022 04:45 PM IST  |  Mumbai | Morari Bapu

પંચમહાભૂત એટલે કે પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણું આ શરીર પંચમહાભૂતથી બનેલું છે. આ જીવ જ્યારે જશે, આ જીવ જ્યારે શરીર છોડશે ત્યારે પંચમહાભૂત એટલે કે પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી પોતપોતાનો હિસ્સો પાછો લઈ લેવાના છે. જો આપણી પાસે પંચમહાભૂતના ખોળિયામાં આપણું કંઈ જ નથી તો પછી ચપટી વગાડીને મોજ કરી લેવામાં, જીવનને ખુશી-ખુશી જીવવામાં જ શાણપણ છે. ગઈ કાલે પેલા રાજા અને પુરુષની જે વાત કરી કે જ્ઞાતિજમણ દરમ્યાન પેલો માણસ પ્રેમથી ચપટી વગાડતો બધા વચ્ચે ફરતો હતો અને જ્ઞાતિના વડીલોએ એવા વર્તન માટે તેને ટકોર કરી ત્યારે તેણે આ જ જવાબ આપ્યો હતો.

‘મુગટથી લઈને મોજડી સુધી કશું જ મારું નથી. આ નાતજમણના રૂપિયા પણ મારા નથી. મારી માત્ર એક ચપટી છે જે વગાડીને આનંદ કરું છું.’

આ બોધ જેને યાદ રહે તે બીજાના દુખે દુખી તો થઈ શકશે અને સાથોસાથ તે બીજાના સુખે સુખી પણ થઈ શકશે અને બીજાના સુખમાં સહભાગી બનીને તેના સુખમાં વધારો પણ કરી શકે. આવી વ્યક્તિ પોતાના દુઃખની કસોટીમાં તો ઉત્તિર્ણ થશે, પણ સાથોસાથ સુખની કસોટીમાં પણ એટલી જ સારી રીતે ઉત્તિર્ણ થઈ અન્યના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે.

હવે વાત આવે છે ભક્તના ત્રીજા લક્ષણની. જે પોતાના ગુણને પ્રભુના ગુણ ગણે અને અવગુણ પોતાના અંગત માને.

બહુ સરસ વાત છે. આ વાતને ખાસ સમજજો. સારું એ બધું તારું, ખરાબ એ બધું મારું. આવું માનવા માટે બહુ મોટું મન જોઈએ અને એ મન બિલકુલ ભારરહિત હોય. ભગવાન શંકરાચાર્ય વિવેક ચુડામણિમાં કહે છે કે જગતમાં ત્રણ વાત ખૂબ કઠિન છે. આ ત્રણ વાત કઈ એ જાણવું જોઈએ. પહેલી છે, મનુષ્યનો અવતાર. બીજી છે, મનમાં મુક્તિની ચાહના જાગવી અને ત્રીજી અગત્યની વાત છે, મહાપુરુષનો સંગ. 

જે જીવને મનુષ્યનો અવતાર મળે અને મહાપુરુષનો સંગ થાય તો મુક્તિની ચાહના એટલે મુમુક્ષા જાગે અને જે માણસમાં મુક્તિની ઝંખના જાગે તે પોતાના તમામ સદ્ગુણોને ઈશ્વરના સદ્ગુણ અને પોતાના કોઈ અવગુણ હશે તો એમાં અન્યનો દોષ કાઢવાને બદલે તે પોતાનો દોષ છે એમ માનશે અને આ પ્રકારની માન્યતા ધરાવનારના હૃદયમાં ઈશ્વરને નિવાસ કરવાની વાત વાલ્મીકિ કહે છે. આ ત્રણ વાત અને ત્રણેય વાતનો જીવનમાં સમયસર અમલ થવો એ પણ ઈશ્વર કૃપાથી સહેજ પણ ઊતરતી વાત નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style astrology Morari Bapu