બીજાનો મત બીજાનો છે, એનાથી તમારે શું લેવા-દેવા?

23 June, 2022 01:34 PM IST  |  Mumbai | Morari Bapu

તું તારા મતને તારી પાસે રાખ અને સહિષ્ણુ થઈ જા. એમાં જ તારી ભલાઈ છે અને એ જ તારી તપસ્યા છે

મિડ-ડે લોગો

કામ ક્રોધોદ્વં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ શ્રીમદ્ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં કહેવાયેલા આ શ્લોકનો અર્થ સમજવા જેવો છે.

કામ, ક્રોધને તમે બધા જાણો છો. ઈર્ષ્યા છે, નિંદા છે, અદેખાઈની બળતરા છે. આ બધા આવેગો છે. કામના આવે ત્યારે એની ગતિ તીવ્ર હોય છે. ક્રોધ આવે છે ત્યારે ક્ષણભરમાં આવી જાય છે અને એ સમયે એને રોકવાનો વિવેક જ તપ છે. ક્રોધ આવ્યો અને એ જ સમયે તમે કથા સાંભળી અથવા સાંભળેલી કથા યાદ આવી ગઈ અને તમે ક્રોધના આવેગને રોકી લીધો તો એ સમયે તમે તપસ્વી છો.

બીજા લોકોનો અભિપ્રાય સાંભળીને સહિષ્ણુ રહો. આપણે બીજાનો મત સાંભળીને પોતાની સહનશક્તિ ગુમાવી બેસીએ છીએ. બીજાનો મત બીજાનો છે. તમે એમાં શા માટે પડો છો? યોગ્ય અભિપ્રાય હોય તો એ સારી વાત છે અને જો એ યોગ્ય ન હોય તો તેમનો મત તેમને મુબારક. આપણે એમાં શા માટે પડવું? પરંતુ બીજાના મતના કારણે એનું ખંડન-મંડાણ કરીને માણસ પોતાને ગૂંચવણમાં ફસાવી દે છે અને પોતાની તપસ્વિતાને ખોઈ બેસે છે. આને શાસ્ત્રીય બોલીમાં પરમ સહિષ્ણુતા કહેવામાં આવે છે.

બીજાનો મત હોય તો ભલે રહ્યો, આપણે એની લપમાં શા માટે પડવું જોઈએ? કોઈ પરમાત્માને માને છે તો કોઈ નથી માનતું. કોઈ આત્માને માને છે અને કોઈ નથી માનતું. તો એનાથી આપણે શા માટે ગૂંચવાઈએ? આપણે તો બસ આપણું પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને એમાં જ સૌકોઈની ભલાઈ છે.

ઘણા લોકો એવું કહે છે કે હું સાચો છું છતાં તેણે એવું કેમ કર્યું? આવું કેમ કર્યું?

અરે ભાઈ, તું તારા મતને તારી પાસે રાખ અને સહિષ્ણુ થઈ જા. એમાં જ તારી ભલાઈ છે અને એ જ તારી તપસ્યા છે.

હું દરેક વાતની શરૂઆત ઘરથી કરું છું એટલે હું તમારા સૌના કુટુંબની વાત કરું છું. પોતાના ઘરથી એ વાતને અજમાવી જુઓ. ઘરમાં પણ મતભેદ થાય તો એકદમ પોતાને રોકી લો. એમાં શા માટે ફસાયા છો? તમે એટલું કેમ સ્વીકારી નથી લેતા કે બોલવાની સ્વિચ તો તેમના હાથમાં છે અને તે બોલે છે તો કોઈ કારણ હશે. તમે થોડી રાહ જુઓ.

આમ દરેકના વિકારોના આવેગોમાં સહિષ્ણુતા અને દ્વંદ્વોમાં સહિષ્ણુતા રાખો. સહિષ્ણુતાથી મોટું કોઈ હતું નહીં અને છે નહીં તો પછી આવેગોને પ્રથમ ક્રમ પર મૂકીને શું કામ કોઈનું દિલ દુભાવવું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style astrology Morari Bapu