જે કોઈને બાધક ન બને એનું નામ સાધક

20 July, 2022 02:50 PM IST  |  Mumbai | Morari Bapu

સુધા પીએ તે તપસ્વી છે. કથા જ અમૃત છે, રામનામ અમૃત છે અને જે અમૃત પીએ તે તપસ્વી છે. સત્સંગથી માણસ રીચાર્જ થાય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે વાત કરતા હતા તા-તામસ, પ-પરતંત્રતા અને સુ-સુખ એટલે કે તાપસુની. આ જ તાપસુનાં બીજાં ત્રણ લક્ષણોની ચર્ચા કરીએ તો પહેલાં વાત કરવાની આવે તા-ત્યાગની.
ત્યાગપ્રધાન જીવન. એક વાત યાદ રાખજો કે તપસ્વીના જીવનમાં ત્યાગ હોય એ તપસ્વીનું લક્ષણ છે. આજના સમયમાં યુવકોએ શું ત્યાગવું જોઈએ એ પણ સમજવું જોઈએ. સમ્યક ત્યાગમાં ત્રણ વાત આવે છે. એમાં પહેલા નંબરે આવે છે શરીરની સ્વચ્છંદતા. મર્યાદા બહુ જરૂરી છે અને ખાસ કરીને શરીરની બાબતમાં જો શરીરની સ્વચ્છંદતા ત્યાગી જશો તો જીવન સુખમય બનશે. બીજા નંબરે આવે છે મનની સ્વચ્છંદતા. વિચારો પર કાબૂ હોવો એ સ્વચ્છંદતાને નાથવા સમાન છે. શરીર અને મનની સ્વચ્છંદતા પછી આવે છે વાણીની સ્વચ્છંદતા. જિહવા મળી છે એનો ઉપયોગ એવો નથી થતો કે તમે એનો ઉપયોગ સ્વચ્છંદતા સાથે કરો. જો આ ત્રણ સ્વચ્છંદતા પર આજનો યુવક કાબૂ મેળવે તો એ તપસ્વી સમાન છે એવું માનવું.
ત્યાગ પછી વાત આવે છે પ-પળની.
વર્તમાન પળમાં જીવે તે તપસ્વી. તપસ્વી ક્યારેય બીજા કાળમાં ન જીવે. તે વર્તમાનમાં એટલે કે મધ્યમાં જ જીવે છે. ભૂતકાળનો તેને શોક નથી હોતો અને ભવિષ્યની તે ચિંતા નથી કરતો. શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે એ ‘સંભવામિ યુગે યુગે’નો અર્થ જ આ છે - વર્તમાનમાં જીવો અને ભૂતકાળ કે ભવિષ્યકાળની ચિંતા પડતી મૂકો. જે આજમાં જીવે છે, મધ્યમાં જીવે છે, વર્તમાનમાં જીવે છે તે તપસ્વી છે.
ત્યાગ અને પળ પછી આવે છે સુ-સુધા.
સુધા પીએ તે તપસ્વી છે. કથા જ અમૃત છે, રામનામ અમૃત છે અને જે અમૃત પીએ તે તપસ્વી છે. સત્સંગથી માણસ રીચાર્જ થાય છે. એક વાત યાદ રાખવી કાયા બળે નહીં ત્યાં સુધી કૃષ્ણ મળે નહીં. આટલી સચ્ચાઈ છે એ વાતમાં કે જે કોઈને બાધક ન બને, જરાસરખી પણ બાધા કોઈને આપે નહીં તેનું નામ સાધક છે.
સાધકની ચાર વ્યાખ્યા છે. મારી સમજ મુજબ મેં જે મારી આંખે સાધુ-સંતોમાં, મહાપુરુષોમાં, ભક્તોમાં, સત્સંગીઓમાં જોયું છે એના આધારે હું હવેની વાત કહીશ. હા, એ વાતમાં થોડીઘણી શાસ્ત્રની સહમતી પણ છે, પણ બાકી મેં જે જોયું છે એ કહું છું.
ચાર પ્રકારના સાધક હોય. એમાં તોફાની સાધક, બર્ફાની સાધક, કુરબાની સાધક અને શર્માની સાધકનો સમાવેશ થાય છે. સૌથી પહેલા એવા તોફાની સાધકની વાત આપણે આવતી કાલે કરીશું.

astrology Morari Bapu columnists