12 June, 2023 04:35 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઇસ્લામના નામે બધું જ જોહુકમીથી કરાવાય છે અને આ જોહુકમી કરાવવાનું કામ બીજું કોઈ નહીં પણ ઇસ્લામની રક્ષાનો જાણે કે ઠેકો લીધો હોય એ ઠેકેદારો જ કરે છે. ધર્મની રક્ષા માટે કામ કરવું, ધર્મ કાજે આગળ આવવું અને ધર્મના નામે જોહુકમી કરવી એ બહુ ખોટી બાબત છે. જોકે એવું ઇસ્લામમાં થઈ રહ્યું છે. દાઢી રાખવી, બુરખો પહેરવો, ન પહેરે તો તેજાબ નાખશે, દીકરી ભણવા જશે તો તેની સાથે કોઈએ શાદી નહીં કરવાની - આ અને આવી બધી જોહુકમીથી બધું ચાલુ રહ્યું છે, પણ એને સમજણ સાથે કંઈ લેવાદેવા છે જ નહીં. અફસોસની વાત એ છે કે આ બધું ખુદાના નામે, ધર્મના નામે, ઉદ્ધારના નામે ચાલે છે. કેવી વિચિત્રતા અને વિડંબના છે કે આતંક મચાવવો એ પણ ધર્મના નામે. સમય આવી ગયો છે કે વૈચારિક યુદ્ધને મૂળમાંથી જ ડામી દેવું જોઈએે. આ સૌથી શ્રેષ્ઠ રીત છે જે સમાજમાં શાંતિ લાવવાનું કામ કરશે.
ઇસ્લામનો જે ઉદારતાવાદી અને વિકાસ ચાહનારો વર્ગ છે એ ઘણો મોટો છે, પણ એય સમસમીને લાચારીથી બધું જોયા કરે છે. ‘આ ખોટું થઈ રહ્યું છે’ એવું બુલંદીથી આ વર્ગ પડકારી શકતો નથી. જ્યાં સુધી હિન્દુઓ કે ભારત સામે આતંકવાદ સફળ કરી શકાયો છે ત્યાં સુધી તો ઠીક છે, પણ આતંકવાદે પશ્ચિમી રાષ્ટ્રોને શિંગડાં મારવાં શરૂ કર્યાં છે. સામ્યવાદીઓની સામે જેવી રીતે પશ્ચિમી રાષ્ટ્રો વિજયી થયાં એવી જ રીતે ઇસ્લામિક આતંકવાદની સામે પણ સફળ રહેશે જ એવું લાગે છે.
ઉદારવાદી સાચા મુસ્લિમો સહિત વિશ્વની બધી પ્રજાએ આ નવા વૈચારિક યુદ્ધને એના મૂળમાં જ ડામી દેવું જોઈએ. એમાં જ વિશ્વની ભલાઈ અને ભવિષ્ય છે. જે લોકોએ વિશ્વવ્યાપાર કેન્દ્રના બન્ને ટાવરોને અમેરિકાનાં જ વિમાનો દ્વારા, અમેરિકાના જ પૅસેન્જરોથી, અમેરિકાના જ પેટ્રોલથી અને અમેરિકામાં જ પ્રશિક્ષણ લઈને નષ્ટ કર્યા છે એ લોકોના હાથમાં જો અણુબૉમ્બ આવે તો ન્યુ યૉર્ક, લંડન, કરાચી કે મુંબઈના બારામાં કોઈ સામાન્ય માછલી મારનારી નૌકામાં લઈ જઈને ફોડી શકે છે અને એવું બને એ પહેલાં જ સમય-સંજોગોએ આખેઆખા ધર્મને અણુબૉમ્બ બનાવી દીધો છે. માત્ર હસ્તાંતરિત કરવાનો જ પ્રશ્ન છે, જે અસંભવ નથી. વિશ્વ વહેલી તકે ચેતે એમાં જ વિશ્વનું ભલું છે. આજે દુનિયાની એક પણ કમ્યુનિટી એવી નથી જેને લઈને ડરવું પડે, પણ એકમાત્ર ઇસ્લામિક મજહબ એવો છે કે એ સંર્પૂણપણે સૌકોઈને તાબામાં રાખવા માગે છે અને તાબામાં રાખવાની એની નીતિને કારણે જ આજે અડધી દુનિયા એનાથી ફફડે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)