બીજાની સફળતાની ઈર્ષ્યા ન થવી એ પણ ભક્તિની યુક્તિ

29 March, 2023 06:31 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રભુને વહાલા થવું હોય તો અમર્ષતા મુક્ત થાઓ. જો એનાથી મુક્ત થયા હશો તો જ તમે ભક્તિની આ યુક્તિ પામી શકો અને ભક્તિને પામવી હોય તો અમર્ષતાથી દૂર થતા જાઓ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ વિભીષણે હનુમાનજીને દેખાડેલી ભક્તિની નવ યુક્તિઓની; જેમાં આપણે અભય, અલખ, અશોક માનસિકતા, અશંક, અ-અશુભ અને અમૂળની વાત કરી. હવે વાત કરવાની બાકીની ત્રણ યુક્તિની, જેમાં સૌથી પહેલાં એટલે કે સાતમા ક્રમે આવે છે અ-અમર્ષની.

આ અ-અમર્ષને સમજતાં પહેલાં આપણે અમર્ષને સમજવો જોઈએ. અમર્ષ ગીતાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે બીજાની ઉન્નતિ જોઈને આપણને ક્યાંય ચેન ન પડે. બેચેની મનમાં પ્રસરેલી રહે અને સતત ઉકળાટ મનમાં પ્રસરેલો રહે. આવી જે મનોદશા ઉત્પન્ન થાય એને અમર્ષ કહેવાય. બીજા ક્ષેત્રમાં નહીં, પરંતુ એક માણસ ભજન બહુ કરે છે. તેનું ભજન જોઈને, ભજનને લીધે તેની પ્રતિષ્ઠા જોઈને, ભજનને લીધે તેની તેજસ્વિતા જોઈને, ભજનને લીધે તેની વધેલી પ્રામાણિકતાને લીધે તેને જે અંદરનું તત્ત્વ ઓળખાઈ ગયું હોય, એને લીધે હૃદયમાં અમર્ષ ન થવો જોઈએ. આ જે ભાવ છે એને અ-અમર્ષતા કહે છે. અ-અમર્ષતા, કોઈની ઉન્નતિ જોઈને મનમાં ઈર્ષ્યા ન કરવી. 

આ પણ વાંચો: અશુભ તત્ત્વ તરફની ઉપેક્ષા ભક્તને બાધક નથી

તમે જુઓ, આજે ઘણા માણસો બીજાની પ્રગતિ જોઈને, બીજાની આવક કે પછી નામના જોઈને ઈર્ષ્યામાં બળી જાય. ભગવદ્ગીતાએ બહુ દૃઢતા સાથે જ ના પાડી છે. પ્રભુને વહાલા થવું હોય તો અમર્ષતા મુક્ત થાઓ. જો એનાથી મુક્ત થયા હશો તો જ તમે ભક્તિની આ યુક્તિ પામી શકો અને ભક્તિને પામવી હોય તો સીધો હિસાબ છે, અમર્ષતાથી દૂર થતા જાઓ. મનમાં એવો જ ભાવ રાખો કે સકળ થાઓ આ વિશ્વનું... દુશ્મન હોય તો એનું પણ શુભ થાઓ અને મિત્ર હોય તો એમાં પણ શુભત્વ અકબંધ રહે.

સાચું કહેજો, તમને નથી લાગતું કે આ બધું આપણે ધારીએ તો આ બધું અને આ સિવાયનું પણ કાર્ય આપણે કરી શકીએ? એક વાત યાદ રાખજો કે આમાં કાંઈ પદ્‍‍માસન વાળીને બેસી જવાની જરૂર નથી. આમાં કંઈ રેચક-પૂરક કે કોઈ જાતના પ્રાણાયામ કરવાની જરૂર નથી અને આમાં કોઈ યોગનાં આસન પણ આવતાં નથી. તમારે બસ, માત્ર મનને સ્થિરતા આપીને સકળ ભાવને સ્થાન આપવાનું છે. આ બધું આપણે આપણા મનમાંથી આસાનીથી કાઢી શકીએ છીએ, પણ એ માટે ભાવના જોઈશે.

વિભીષણે હનુમાનજીને દેખાડેલી ભક્તિની ૯ યુક્તિઓ પૈકીની બે યુક્તિ અમાન અને અમલની વાત હજી બાકી રહે છે, પણ એની ચર્ચા આપણે હવે કરીશું આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style Morari Bapu astrology