સત્ય જેટલી રક્ષા કરે છે એટલી રક્ષા કોઈ નથી કરતું

08 July, 2021 04:44 PM IST  |  Mumbai | Morari Bapu

સત્યનો નિર્વાહ કરતાં શી મુશ્કેલીઓ આવશે એનો પહેલેથી વિચાર કરી લો તો મુશ્કેલી પડતી નથી. બે વસ્તુ માણસે સમજી લેવી જોઈએ. 

મિડ-ડે લોગો

ગઈ કાલે કહ્યું એમ સતયુગ અને દ્વાપરમાં સત્યનું આચરણ જેટલું સુલભ નહોતું એટલું સત્યનું આચરણ કળિયુગમાં સુલભ છે. યુવાનોનો પ્રશ્ન હતો કે શું કળિયુગમાં આ દેશમાં સત્ય બોલીને જીવવું શક્ય છે? 
સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરમાં સત્યનો નિર્વાહ જેટલો કઠિન હતો એટલો આજના આ કળિયુગમાં નથી. સતયુગમાં સત્ય માટે વેચાઈ જવું પડતું હતું, કપાઈ જવું પડતું હતું; પણ એવું આજે નથી. એ વખતે દ્વાપરનું સત્ય તો એટલું કઠિન હતું કે ભગવાન શ્રીકૃષ્ણને પણ અસત્યનો આશરો લેવો પડ્યો હતો. આ તો સંસાર અસત્યગ્રસ્ત થઈ ગયો છે એટલે આપણને એમ લાગે છે કે આ બધાં અસત્યોમાં આપણે સત્યનો નિભાવ કેવી રીતે કરી શકીએ? 
બહુ જ શાંતિથી વિચાર કરશો તો એ ત્રણે યુગ કરતાં કળિમાં સત્યનો નિર્વાહ વધુ કઠિન નહીં લાગે. જુઓ તમે શાંતિથી, તમને થશે કે વાત ખોટી નથી. એ વખતે સત્યના નિર્વાહ માટે રામને વનમાં જવું પડ્યું હતું. આજે, આ સમયમાં મારે ને તમારે સત્યના નિર્વાહ માટે વનમાં જવું પડે એમ નથી. એ વખતે સત્યના નિર્વાહ માટે કેટકેટલું સહન કરવું પડતું હતું; પણ આજે, આજે સત્યના નિર્વાહ માટે એવો કઠોર માર્ગ અપનાવવો નથી પડતો. સત્યનો નિર્વાહ એ સમયે કઠિન હતો, પણ આજના સમયમાં એવી કઠિનતા તો નથી જ નથી. 
થોડાંક સૂત્રોને જીવનના ભાથા તરીકે તમે પકડી લો તો સત્યનો નિર્વાહ કરી શકો છો. એ સત્યનો નિર્વાહ કરતાં શી મુશ્કેલીઓ આવશે એનો પહેલેથી વિચાર કરી લો તો મુશ્કેલી પડતી નથી. બે વસ્તુ માણસે સમજી લેવી જોઈએ. 
અસત્યનો રોજ અનુભવ કરો અને સત્યની રોજ પ્રાપ્તિ કરો. 
સત્યનો અનુભવ ન થાય, એની તો પ્રાપ્તિ જ થાય. અનુભવ અસત્યનો જ થાય. આ સૂત્રને બરાબર સમજી લો. સત્યના અનુભવની જરૂર નથી, પ્રાપ્તિ પર્યાપ્ત છે. આ સૂત્ર આપણને પ્રાપ્ત છે એટલે એના બહુ વિશ્લેષણમાં જવાની જરૂર નથી. એનાથી આપણને અજવાળું મળે છે, વાયુ આપણને પ્રાપ્ય છે. અસત્યનો જ અનુભવ કરો કે મારા દ્વારા અસત્ય બોલાયું? કુટુંબમાં ક્યાં અસત્ય થયું? અસત્યનો સતત અનુભવ કરવો જોઈએ. તો અસત્યથી છુટકારો મળે. ક્યાંક સૂત્ર ઊલટું ન થઈ જાય. દાખલો ગણવામાં ભૂલ થઈ જાય તો એનો તાળો મળે જ નહીં અને જો પકડાઈ જાય તો વાત સાવ સરળ થઈ જાય. વધુ પડતું એ જ કહેવાયું છે કે સત્યનો અનુભવ કરો. સત્યનો અનુભવ શું કરવાનો? સત્ય તો તમારી નિત્ય પ્રાપ્ય વસ્તુ છે. આત્મા પ્રાપ્ય છે, બ્રહ્મ પ્રાપ્ય છે બસ.

astrology columnists morari bapu