આકાશ હોય કે જંગલ, રાજ માંસાહારીનું ચાલે છે

14 November, 2022 05:15 PM IST  |  Mumbai | Swami Satchidananda

લોકો સમજે કે અહિંસાવાદ અવ્યાવહારિક છે, સંપૂર્ણ અહિંસા શક્ય જ નથી, કુદરતી વ્યવસ્થા જ જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારે મોક્ષ નથી જોઈતો, સ્વર્ગ પણ નથી જોઈતું. આ સંસારના ભોગ-વિલાસ પણ નથી જોઈતા. નથી મારી ઇચ્છા કોઈ સંપ્રદાય કે પંથ ચલાવીને ધર્મગાદી પ્રસ્થાપિત કરવાની. મારી તો એકમાત્ર ઇચ્છા છે કે હું કમજોર હિન્દુ પ્રજાને બળવાન બનાવું. 

હિન્દુ પ્રજા મોટા ભાગે કમજોર અને બીકણ પ્રજા છે અને આ જ કારણે એ સતત માર ખાતી પ્રજા રહી છે. સદીઓથી એણે એક યા બીજા પ્રકારની ગુલામી ભોગવી છે. એનાં નિશ્ચિત કારણો છે અને આપણે એ જ કારણોની ચર્ચા કરવી છે, પણ એ કારણોની ચર્ચા કરતાં પહેલાં મુદ્દાઓ જાણવા જરૂરી છે. સૌથી પહેલો મુદ્દો આવે છે વર્ણવ્યવસ્થા અને જાતિવાદ તો બીજા નંબરે છે અસંખ્ય સંપ્રદાયોના ભેદો. ત્રીજા નંબરે છે પલાયનવાદી અધ્યાત્મવૃત્તિ અને ચોથા નંબરે છે અહિંસાવાદ. 

આ વિષયો પર મેં જુદાં-જુદાં પુસ્તકો લખ્યાં છે, પણ અહીં અત્યારે હું અહિંસા પર મારા થોડા વિચારો મૂકું છું. લોકો સમજે કે અહિંસાવાદ અવ્યાવહારિક છે, સંપૂર્ણ અહિંસા શક્ય જ નથી, કુદરતી વ્યવસ્થા જ જોવા મળે છે. શાકાહારીઓની સ્થિતિ જંગલનાં માંસાહારી પ્રાણીઓ જેવી છે, જ્યારે માંસાહારીઓની સ્થિતિ જંગલનાં હિંસક પ્રાણીઓ જેવી છે. માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં શાસન તો હિંસક પ્રાણીઓનું જ ચાલતું હોય છે. આ જ સ્થિતિ પક્ષીઓમાં પણ છે. તમે જુઓ, માંસાહારી પક્ષીઓની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં શાસન તો હિંસક પક્ષીઓનું જ ચાલતું રહે છે. તમે ક્યારેય જોયું છે કે કબૂતરોએ રાજ કર્યું હોય? જોયું ક્યારેય કે ચકલીઓ આકાશ પર રાજ કરે છે? રાજ તો બાજ અને ગીધ જ કરે અને એવી જ રીતે જંગલમાં રાજ તો માંસાહારી પ્રાણીઓ જ કરે. સિંહ, વાઘ અને દીપડાની સંખ્યા ઓછી હોવા છતાં ક્યારેય આપણે એવું નથી સાંભળ્યું કે હરણ કે સસલાંઓએ જંગલ પર શાસન કર્યું હોય. એ શક્ય જ નથી અને એ શક્ય નથી એટલે આપણે એ પણ સ્વીકારવું જ રહ્યું કે આપણી પણ હાલત એ મુજબની જ રહી છે.

હિન્દુ પ્રજા ઘાસાહારી પ્રાણીઓ જેવી થાય અને હિંસાવાદી પ્રજા હિંસક પ્રાણીઓ જેવી થાય તો હિન્દુ પ્રજાએ ગુલામી જ ભોગવવાની રહે એ સ્પષ્ટ દેખાય છે. ગમે કે ન ગમે, પણ આ વાતનો સ્વીકાર કરવા સિવાય કોઈ છૂટકો નથી અને એટલે જ કહેવું પડે કે આપણી પ્રજા એક તરફ હિંસાવાદીઓનો શિકાર થઈને તેમનો આહાર થશે તો બીજી તરફ દબાયેલી, કચડાયેલી પ્રજા થઈને નમાલું જીવન જીવશે એવું લાગે છે. જો આવું ન કરવું હોય તો એના માટે માનસિકતા બદલવી પડશે અને માનસિકતા બદલવા માટે આપણે સહજ રીતે વાસ્તવિક બનવું પડશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda