માનવીને અવતાર માનવાની ભૂલ કોઈ કાળે કરવી નહીં

18 April, 2022 08:12 PM IST  |  Mumbai | Swami Satchidananda

આ બધું પ્રત્યેક દેહ માટે સંભવિત છે એવું સ્વીકારવાની જગ્યાએ લોકો કહે છે, ‘આ તો લીલા કરે છે. મહારાજ કાંઈ માંદા થતા હશે? આ તો આપણને છેતરવા લીલા કરે છે, લીલા.’ 

પ્રતીકાત્મક તસવીર

પુરાણોમાં ઋષિ-મુનિઓની જે કથાઓ આવે છે એ મોટા ભાગે માનવીય સ્વભાવની દુર્બળતા, સંવેદના, ક્ષતિઓને ભરપૂર રીતે બતાવનારી છે એટલે પૌરાણિક ઋષિઓ સામાન્ય માનવના પ્રાકૃતિક ગુણદોષોથી પર હતા એવું કહી શકાય એમ નથી. અહીં હું કહીશ કે મારી આ વાતો પર જેને વિશ્વાસ ન આવે તેણે પુરાણો વાંચવાં, બહુ સહજ રીતે તેમને પુરાવા મળી જશે. 
કોઈ ચિંતક માનવસહજ દુર્બળતાથી કોઈ નાની-મોટી ભૂલ કરે તો એથી તે ચિંતક મટી જતો નથી. જ્યાં સુધી આપણે આ પરમ સત્યને નહીં સ્વીકારીએ કે ‘પ્રત્યેક દેહધારી કોઈ ને કોઈ પ્રકારની દુર્બળતાથી ગ્રસ્ત હોય જ છે, તે સર્વશક્તિમાન નથી, એમ પૂર્ણ પણ નથી’ ત્યાં સુધી આપણે કદી દંભી જીવનથી પ્રજાને મુક્ત કરી શકવાના નથી. પુરાણોમાં આવતી ઋષિ-મુનિઓની માનવસહજ કથાઓ આ વાતને સ્પષ્ટ કરે છે, પણ ધર્મવ્યાખ્યાતાઓને તો પ્રાચીનકાળના પ્રત્યેક અવતારને, ઋષિ-મુનિ-આચાર્યને પૂર્ણ— પરિપૂર્ણ—સિદ્ધ કરવો છે એટલે આવી કથાઓને તે ‘લીલા’ કહે છે. એ વાસ્તવિક નથી, પણ લીલા છે, લોકોને બતાવવા માટે છે. આવું કહીને તેમની દુર્બળતાને ઊલટાની પ્રબળતામાં રૂપાંતરિત કરી દે છે. કોઈ સંતને ભયંકર બીમારી લાગુ પડે છે; તે રિબાય છે, સન્નિપાતથી બક-બક કરે છે. આ બધું પ્રત્યેક દેહ માટે સંભવિત છે એવું સ્વીકારવાની જગ્યાએ લોકો કહે છે, ‘આ તો લીલા કરે છે. મહારાજ કાંઈ માંદા થતા હશે? આ તો આપણને છેતરવા લીલા કરે છે, લીલા.’ 
વાસ્તવિકતા આપણે સ્વીકારી નથી શકતા, કેમ કે આપણા મગજમાં બેસાડેલા અવતારો-ઋષિઓ-સંતો વગેરેનાં રૂપો પૂર્ણતાભર્યાં છે. તે ભૂલ કરે જ નહીં એવાં છે. આ કાલ્પનિક જગત આપણને વાસ્તવિકતાની નજીક જવા દેતું નથી એટલે ધાર્મિક જગત, મોટા ભાગે માન્યતાઓના અંધકારથી આછન્ન રહેતું હોય છે. 
પ્રાચીનકાળની આ કાલ્પનિક પૂર્ણતા દૂર કરીને જો પ્રજાને સમજાવવામાં આવે કે ભલે પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ થયા, પણ તેમને પણ કામનો વેગ આવતો, ક્રોધ પણ થતો, તેઓ લડી પણ પડતા — આવા માનવીય પ્રવાહોમાં તેઓ વહેતા હોવા છતાં બીજા પક્ષે તેઓ ચિંતક, શિક્ષક અને દિવ્ય ગુણોથી ભૂષિત પણ હતા. માનવને માનવ રહેવા દો, જેથી તેની પ્રબળતાની સાથે દુર્બળતાને પણ સમાજ સહન કરી શકે.
માનવને જો અવતાર બનાવી દેશો તો કાલ્પનિક પ્રબળતા ઊભી કરવી પડશે અને બીજી તરફ વાસ્તવિક દુર્બળતાને સંતાડી ‘લીલા-લીલા’ કરીને લોકોને મૂર્ખ બનાવવા પડશે. જો ધાર્મિકતાને સત્યને પામવાનું માધ્યમ બનાવવું હોય તો લીલાના અંચળાને દૂર કરી વાસ્તવિકતાનો સ્વીકાર કરો. 

columnists astrology swami sachchidananda