નવરાત્રી ૨૦૨૨ : જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

26 September, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવરાત્રીના નવ દિવસ એટલે માતાની ભક્તિ અને ઉપાસનાનો તહેવાર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતા શક્તિની આરાધના કરવામાં આવશે. હિંદુ પંચાગ મુજબ આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ૨૬ સપ્ટેમ્બરે છે અને આ તારીખથી આગામી નવ દિવસ સુધી મહાશક્તિની ઉપાસનાનો તહેવાર શરૂ થઈ ગયો છે.

શાસ્ત્રો શું કહે છે?

શારદીય નવરાત્રીના નવ દિવસ શ્રદ્ધા અને ભક્તિ તેમજ આધ્યાત્મિક અભ્યાસની તક લાવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ નવ દિવસો દરમિયાન દેવીમાતા પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોને ઇચ્છિત ફળ આપે છે. એટલે જ માતા ભગવતીની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રીમાં પૃથ્વી પર માતા દુર્ગાનું આગમન હાથીની સવારી સાથે થશે. હાથી પર માતાનું આગમન સૂચવે છે કે, આ વર્ષે દેશમાં સુખ-સમૃદ્ધિ વધશે.

આ રીતે કરો પૂજા

નવરાત્રી પહેલા દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવો અને દરવાજા પર કેરી અથવા અશોકના પાનનું તોરણ લગાવો. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નવરાત્રી પહેલા દિવસે માતાની મૂર્તિ અથવા ફોટાને લાકડાના ચોક કે આસન પર સ્વસ્તિક ચિન્હ સાથે સ્થાપિત કરવું જોઈએ. કળશની સ્થાપનાની સાથે સાથે રોલી, અક્ષત, મોલી, પુષ્પ વગેરેથી માતાના મંત્રોનો જાપ કરીને પૂજા કરવી. અખંડ દીવો પ્રગટાવીને માતાની આરતી કરો.

ઘટસ્થાપનાનો શુભ સમય

આ વખતે પ્રતિપદા તિથિ ૨૬ સપ્ટેમ્બર, સોમવારે સવારે ૦૩.૨૩ વાગ્યે શરૂ થશે અને ૨૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૩.૦૮ વાગ્યે સમાપ્ત થશે. ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે ૦૬.૧૧ થી ૦૭.૫૧ સુધી રહેશે. ઘટસ્થાપનનું અભિજિત મુહૂર્ત સવારે ૧૧.૫૪ થી ૧૨.૪૨ સુધી રહેશે.

આ નિયમોનું રાખો ધ્યાન

શાસ્ત્રો મુજબ, કળશને સુખ, સમૃદ્ધિ, સમૃદ્ધિ અને શુભકામનાઓનું પ્રતિક માનવામાં આવે છે. કળશમાં દેરેક ગ્રહો, નક્ષત્રો અને તીર્થોનો વાસ છે. તેના સિવાય બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, તમામ નદીઓ, મહાસાગરો, સરોવરો અને તેત્રીસ કોટી દેવી-દેવતાઓનો વાસ છે.

વાસ્તુ મુજબ, ઈશાન (ઉત્તર-પૂર્વ)ને પાણી અને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને અહીં સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તેથી પૂજા કરતી વખતે માતાની મૂર્તિ કે કળશની સ્થાપના આ દિશામાં કરવી જોઈએ. જો કે માતાનો વિસ્તાર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ દિશા માનવામાં આવે છે. તેથી એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાતી પૂર્વ દિશા તરફ મુખ કરીને પૂજા કરવાથી આપણી બુદ્ધિ જાગૃત થાય છે અને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ઉપાસકને શાંતિ મળે છે.

માતાની પૂજા કરતી વખતે વાદળી અને કાળા કપડા ક્યારેય ન પહેરવા જોઈએ, આમ કરવાથી પૂજાનું ફળ પ્રાપ્તન થતું નથી. લાલ રંગ માતાનો પ્રિય છે. તેથી પૂજા કરતી વખતે લાલ, ગુલાબી, કેસરી, લીલો, પીળો, ક્રીમ વગેરે શુભ રંગો પહેરી શકાય.

life and style astrology navratri