જે રામાયણ હોય છે એ જીભની જ તો હોય છે

21 June, 2022 12:33 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ગુરુદેવ, પેલા નિયમના પાલનમાં એટલી બધી મજા આવી રહી છે જેનું વર્ણન કરવું શક્ય નથી. હું કલ્પના જ નથી કરી શકતો કે આવો કઠિન ગણાતો નિયમ હું આટલી બધી આસાનીથી પાળી શકીશ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રસંગ હતો ત્રણ મુનિવરોએ કરેલા અઠ્ઠાઈ તપની આરાધનાની અનુમોદનાર્થે એકત્રિત થયેલા જનસમુદાયને ઉદ્બોધન કરવાનો. ‘તપશ્ચર્યાની અનુમોદનાનો ત્યાગ કરો’ની વાત કરીને સૌ સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો. 
‘સાચે જ તપની સક્રિય અનુમોદના કરવી છે?’ બધાની હા આવી એટલે પ્રસ્તાવ મૂકતાં કહ્યું, ‘આજે એક એવો વિક્લ્પ તમારી સામે રજૂ કરવો છે જેના સ્વીકાર માટે તમારે મન સાથે ભારે સંઘર્ષ કરવો જ પડે. કદાચ તમારું મન એ માટે સંમત ન પણ થાય.’
‘એ શક્ય જ નથી...’
‘શું વાત કરો છો?’
‘આપ વિકલ્પ મૂકી જુઓ...’
‘ત્રણેય મુનિભગવંતોએ આઠ દિવસના ઉપવાસ કર્યા છે. એની અનુમોદના નિમિત્તે આઠ દિવસ માટે ચા ગરમ નહીં પીવાની અને દૂધ સાકરવાળું નહીં પીવાનું!’
‘કબૂલ છે...’
શ્રોતાઓના આ મસ્ત પ્રતિભાવને જોઈને હું ખુશ થઈ ગયો. સૌએ પ્રસન્નચિત્તે એનો નિયમ તો લીધો, પણ ચારેક દિવસ બાદ એક યુવક મળવા આવ્યો.
‘ગુરુદેવ, પેલા નિયમના પાલનમાં એટલી બધી મજા આવી રહી છે જેનું વર્ણન કરવું શક્ય નથી. હું કલ્પના જ નથી કરી શકતો કે આવો કઠિન ગણાતો નિયમ હું આટલી બધી આસાનીથી પાળી શકીશ, પણ એ શક્ય બન્યું જ છે તો એક કામ કરો...’
‘શું?’ 
‘હજી ચાતુર્માસ આવવાને વાર છે તો આપશ્રી મને આજથી સંપૂર્ણ ચાતુર્માસ સુધીનો આ નિયમ આપી દો...’
તે યુવકના આ સત્ત્વે મને સ્તબ્ધ તો કરી જ દીધો, પણ વધુ આશ્ચર્યચકિત તો ત્યારે કરી દીધો જ્યારે તે યુવકે ફરી આવીને એક વર્ષ સુધીનો આ નિયમ માગ્યો.
‘તકલીફ નથી પડતી?’
‘આપ તકલીફની વાત ક્યાં કરો છો ? ખૂબ મજા આવે છે. દૂધમાં સાકર હોય કે ન હોય, શરીરને ક્યાં કોઈ ફેર પડે છે? જે પણ રામાયણ છે એ જીભની જ છેને ગુરુદેવ. આમેય જીભ પર ભોજનનું કોઈ પણ દ્રવ્ય બે મિનિટ પણ ક્યાં રાખી શકાય છે? આપ આપી જ દો આ નિયમ. ઇચ્છા તો મારી આજીવન આ નિયમ ચલાવવાની છે, પણ એ નિયમ લેવા આવતા મહિને આવીશ...’
યાદ રાખજો, જરૂર હોય છે માત્ર આંખ ખૂલે એની.

astrology columnists