કોઈના લાભ ખાતર સાધના છોડી દે એ કુરબાની સાધક

27 July, 2022 12:40 PM IST  |  Mumbai | Morari Bapu

બર્ફાની સાધકો હંમેશાં શાંત હોય છે, તેમનામાં બિલકુલ ઉગ્રતા નથી આવતી અને એટલે જ તે બર્ફાની છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ચાર પ્રકારના સાધકો પૈકી આપણે વાત કરી તોફાની સાધકની. હવે વાત કરવાની છે બીજા નંબરના સાધક એટલે કે બર્ફાની સાધકની.
બર્ફાની સાધક એટલે એવા સાધકો, જેઓ શાંતિથી સાધના કરે છે, માથા પર હિમશિલા રાખીને સાધના કરનારા સાધકો મતલબ બર્ફાની સાધક. આ સાધક ક્યારેય ઉગ્ર નથી થતા. તેઓ હંમેશાં હસતા મુખે, શાંત ચિત્તે, સહજભાવે સાધના કરે એવા સાધકોને મારી વ્યાસપીઠ સાધક કહે છે. આમ બર્ફાની સાધકો હંમેશાં શાંત હોય છે, તેમનામાં બિલકુલ ઉગ્રતા નથી આવતી અને એટલે જ તે બર્ફાની છે. બર્ફાની સાધકની જેમ સંસારમાં રહીને પણ જે સાધનાની જેમ વ્યવહાર નિભાવે છે એ પણ આ બર્ફાની સાધક જ છે.
તોફાની અને બર્ફાની સાધક પછી આવે છે કુરબાની સાધક.
આ પ્રકારના સાધકો કોઈ-કોઈ વાર બીજાને લાભ થતો હોય તો પોતાની સાધના છોડી દે છે. તેઓ પોતાની સાધનાની કુરબાની આપીને બીજા લોકોને જીવનદાન આપે છે. તેમને મારી વ્યાસપીઠ કુરબાની સાધક કહે છે. કુરબાની સાધકની સંસારને આવશ્યકતા છે. જે પણ કોઈને માટે કુરબાની આપે છે એ તમામ સાધક છે, પણ આ કુરબાની સ્વાર્થ વિનાની અને પરદુઃખ ભંજક હોવી જોઈએ.
હવે આવે છે વાત ચોથા અને અંતિમ સાધકની, જે છે શર્માની સાધક.
આ પ્રકારના સાધકો પોતાની સાધનાને છુપાવશે, ખૂબ જ શરમાશે. કોઈ ખુશ થઈને પણ કહે કે તમે તો આટલા જપ કરો છો, આટલી સાધના કરો છો તો તરત જ તેમના ચહેરા પર શરમાવાના ભાવ જોવા મળે છે અને તેને થાય છે કે આ વાત હવે આગળ ન વધે તો સારું. આની જાહેરાત ન થાય તો સારું. આવું માનવા પાછળનું કારણ પણ છે.
હું જોગ જુગુતિ તપ મંત્ર પ્રભાઈ, ફલઇ તબહિં જબ કરીએ દુરાઉ (૧-૧૬-૪)
આમ ચાર પ્રકારના સાધક હોય છે અને આ ચારેચાર પ્રકારના સાધકો આપણને જોવા મળે છે, પણ સૌથી અગત્યની જો કોઈ વાત હોય તો એ છે કે જેને કંઈ નથી જોઈતું એ સાચો સાધક છે. 
આધ્યાત્મિક સાધકમાં પાંચ પ્રકારની કુશળતા હોવી જોઈએ. આ પાંચ પ્રકારની કુશળતા કઈ છે અને એ કેવી હોવી જોઈએ એના વિશે વાત કરીશું હવે પછી.

astrology columnists Morari Bapu