સ્વર્ગ-નરક અને મોક્ષમાં પ્રભુદર્શન ક્યારેય થાય?

07 December, 2022 03:34 PM IST  |  Mumbai | Morari Bapu

જો જીવનમાં આ પાંચની આવશ્યકતા પૂરી થતી હોય અને વ્યક્તિ પાસે એ પાંચેપાંચ હોય તો સ્વર્ગ, નરક અને મોક્ષ એમ ત્રણેત્રણ સ્થાનમાં તેને ઈશ્વરનાં દર્શન થાય અને ઈશ્વરનો વાસ તેના હૃદયમાં રહે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ ભક્તોના ગુણોની અને એમાં હવે વાત કરવાની છે ભક્તમાં હોવો જોઈએ એવા ચોથા ગુણની. આ ચોથા નંબરનો ગુણ છે, જે સ્વર્ગ-નરક અને મોક્ષ એમ ત્રણેત્રણ જગ્યાએ પ્રભુનાં દર્શન કરે છે.

જે વ્યક્તિ ભૂત-ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેત્રણ કાળમાં, બચપણ-યુવાની અને બુઢાપો એ ત્રણેત્રણ અવસ્થામાં, શિયાળો-ઉનાળો અને ચોમાસું એમ ત્રણેત્રણ ઋતુમાં, સવાર, બપોર અને સાંજ એમ ત્રણેત્રણ ટાણામાં, સુખ-દુઃખ તથા સ્થિતપ્રજ્ઞતા એમ ત્રણેત્રણ પરિસ્થિતિમાં અને સ્વર્ગ, નરક તથા મોક્ષ એમ ત્રણેત્રણ જગ્યાએ સતત પ્રભુનાં દર્શન કરે, સતત ઈશ્વરનું સ્મરણ કરે એના હૃદયમાં હરિ સદાય વાસ કરે છે. એ હૃદયમાંથી ભગવાનને કોઈ કાઢી પણ ન શકે અને હૃદયમાંથી ઈશ્વર પણ ક્યારેય વિદાય લઈ ન શકે. આ જે અવસ્થા છે એ અવસ્થા જીવનની શ્રેષ્ઠ અવસ્થા છે.
જ્યારે માણસના જીવનમાં પાંચ વસ્તુ મળે ત્યારે જ એ ઉપર કહ્યું એ મુજબ વર્તી શકે છે. આ પાંચ વસ્તુમાં સૌથી પહેલું આવે છે, નાનકડું ઘર. બીજા નંબરે આવે છે, પતિ-પત્ની વચ્ચેનો પ્રેમાળ સંબંધ. ત્રીજા નંબરે આવે છે, સગાંવહાલાં અને પાડોશી ભક્ષક ન હોય, પણ રક્ષક હોય અને સદાય સાથે રહેવાની ભાવના ધરાવતાં હોય. ચોથા ક્રમે આવે છે, બે સંતાન હોય અને બન્ને સંતાનો ગુણીજન હોય. સૌથી છેલ્લા ક્રમે એટલે કે જીવનમાં અનિવાર્ય કહેવાય એવી પાંચમી આવશ્યકતા છે, જીવનનિર્વાહ માટે સહજ સંપત્તિ હોય. 

જો જીવનમાં આ પાંચની આવશ્યકતા પૂરી થતી હોય અને વ્યક્તિ પાસે એ પાંચેપાંચ હોય તો સ્વર્ગ, નરક અને મોક્ષ એમ ત્રણેત્રણ સ્થાનમાં તેને ઈશ્વરનાં દર્શન થાય અને ઈશ્વરનો વાસ તેના હૃદયમાં રહે.

અહીં કહેલી એ પાંચેપાંચ આવશ્યકતાને જરા ધ્યાનથી સમજવાની જરૂર છે. નાનકડું ઘર એટલે ઈંટ-સિમેન્ટનું મકાન નહીં, પણ ચહેરો. આપણો ચહેરો નાનકડું સુંદર ઘર છે. પરમાત્માનું નામ રસ છે. એ નામ જીભ જપે ત્યારે રસના બને છે. આમ રસ અને રસના બન્ને પ્રેમાળ દંપતી છે. આપણા દાંત સગાંવહાલાં અને પાડોશી છે, જે ભક્ષક ન બનતાં રક્ષક બને. ર-કાર અને મ-કાર બે શિશુ છે, જેથી સતત રામનામનું રટણ ચાલતું રહે અને સહજ સ્નેહ એ આધ્યાત્મ જગતની સંપદા છે.

આ પ્રમાણે પાંચ-પાંચ વસ્તુ જેના જીવનના ગૃહસ્થાશ્રમમાં પ્રાપ્ત થાય તેને તમામ કાળમાં, તમામ અવસ્થામાં, તમામ ઋતુમાં, તમામ ટાણામાં, તમામ પરિસ્થિતિમાં અને સ્વર્ગ-નરક તથા મોક્ષ એ ત્રણેત્રણ સ્થાનમાં સતત પ્રભુનાં દર્શન થશે અને એવા માણસના હૃદયમાં રામ બિરાજે એવી ઋષિની ભલામણ છે.

columnists astrology Morari Bapu