યાદ રહે, અપેક્ષા દુઃખની જનેતા છે

08 December, 2022 05:41 PM IST  |  Mumbai | Morari Bapu

ઘણી વાર પોતાના સદ્ગુરુ પાસે પણ કંઈક સ્થૂળ લાભ મેળવવા માટે જીવ જતો હોય છે અને એ સામાન્ય માણસની નિશાની છે, પણ અહીં વાલ્મીકિએ રામને જે કહ્યું છે એ વાત સમજવાની જરૂર છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ભક્તોમાં હોવા જોઈએ એવા ગુણોની ચર્ચામાં આજે વારો છે પાંચમા ગુણનો.
જે નિરપેક્ષ રહી શરણાગતિ સ્વીકારે એ સાચો ભક્ત. 
આ વાતને સહજ રીતે સમજવાની કોશિશ કરજો.
ઘણી વાર જીવની ભક્તિ અપેક્ષારહિત હોતી નથી. ઘણી વાર પોતાના સદ્ગુરુ પાસે પણ કંઈક સ્થૂળ લાભ મેળવવા માટે જીવ જતો હોય છે અને એ સામાન્ય માણસની નિશાની છે, પણ અહીં વાલ્મીકિએ રામને જે કહ્યું છે એ વાત સમજવાની જરૂર છે.
વાલ્મીકિ કહે છે કે જે જીવ ઈશ્વર તેમ જ સદ્ગુરુને નિરપેક્ષ રીતે ચાહે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભક્તિ કરે તેવા સાધકના હૃદયમાં તમે વાસ કરજો. 
હું તો ત્યાં સુધી કહીશ કે તમારા સંતાન પાસે પણ કોઈ પ્રકારની અપેક્ષા રાખશો નહીં, કારણ કે અપેક્ષા એ તો દુઃખની જનેતા છે. જો અપેક્ષા રાખી તો એ દુઃખને જન્મ મળશે જ મળશે અને એવું દુખી થવા કરતાં તો બહેતર છે કે અપેક્ષારહિત રહેવાની કોશિશ કરીને નિરપેક્ષ રહેવું અને નિરપેક્ષ રહીને શરણાગતિ સ્વીકારવી.
કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા નહીં રાખો તો જીવનમાં કોઈ દિવસ દુઃખ આવશે નહીં અને દુઃખ આવશે નહીં તો સુખ ક્યારેય દૂર થશે નહીં. આ બહુ સરળ કહેવાય એવું વ્યાકરણ છે, પણ એને જીવનમાં ઉતારવું એ સૌથી અઘરું છે. જીવનમાં આ વાક્યને સ્થાન નથી મળતું એટલે જ વ્યક્તિ દુઃખ સહન કરે છે. વાત કરીએ ભક્તના ગુણની તો, જે પોતાના પરિવાર પાસે પણ અપેક્ષારહિત થઈ શકે તે ઈશ્વરને પણ અપેક્ષા વગર ચાહી શકે અને કોઈ પણ જાતની અપેક્ષા વગર જે ઈશ્વરની શરણાગતિ સ્વીકારશે તેના હૃદયમાં બૂરાઈને સ્થાન હોતું નથી અને જેના હૃદયમાં બૂરાઈને સ્થાન નથી ત્યાં ખુદાઈને અવશ્ય સ્થાન મળે છે.
ભક્તના ગુણમાં હજી એક ગુણ બાકી છે, જેની ચર્ચા હવે આપણે આવતા બુધવારે કરીશું અને એ પછી આપણે ચર્ચા કરીશું અનુપમ ભક્તિ અને એમાં સમાવવામાં આવેલા ૯ પ્રકારની. આ ૯ પ્રકારમાં નિદ્રાજય, ક્ષુધાજય, સ્વાદજય, કામજય, દ્વેષ જય, સંગ જય, સંગ્રહજય, નામ જય અને શાસ્ત્ર જયનો સમાવેશ છે. આ તમામ પર જે જય મેળવી જાણે છે તે અનુપમ ભક્તિના માર્ગ પર આગળ વધીને ઈશ્વરને પ્રાપ્ત કરે છે, પણ એ જય મેળવવા અને જીવનો જયજયકાર કરવાનો જે માર્ગ છે એ કેવી રીતે અપનાવવો એની ચર્ચા કરીશું હવે પછી.

astrology columnists Morari Bapu