મહેનત કર્મયોગનું કામ કરે છે, સાબુ જ્ઞાનયોગ છે અને પાણી ભક્તિયોગ છે

26 April, 2024 07:38 AM IST  |  Mumbai | Morari Bapu

અંધશ્રદ્ધામાંથી મુક્તિ એ મોક્ષ છે.ખોટાં વ્યસનોમાંથી મુક્તિ એ પણ મોક્ષ છે. દુરાગ્રહમાંથી મુક્તિ એ મોક્ષ છે.

મોરારી બાપુની તસવીર

એક ધોબી કપડાં ધોવા ગયો. કપડાં ધોતાં-ધોતાં તેના મનમાં ત્રણ સવાલ ઊઠ્યા : મારાં આ કપડાં જે સ્વચ્છ થઈ જાય છે એનું કારણ શું, એને માટે જવાબદાર કોણ? સાબુ, પાણી કે પછી મારી મહેનત? 

ધોબીના મનમાં જન્મેલો સવાલ સાચો તો હતો જ. જરૂર તો ત્રણેયની પડે છે. કપડાંને બરાબર સ્વચ્છ કરવા માટે કોઈ સારો સાબુ જોઈએ, પરંતુ સાબુ ઘસીએ નહીં અને એમ જ રાખી દઈએ તો કપડાં સ્વચ્છ થશે? ના, ન થાય. કપડાં સ્વચ્છ ત્યારે થાય જ્યારે મહેનત કરીએ. હવે ધારો કે તમારી પાસે સાબુ પણ છે અને મહેનત કરવાની ક્ષમતા પણ છે, પણ ધારો કે પાણી ન હોય તો? કપડાં સ્વચ્છ થશે? તો પણ નહીં ચાલે. સાબુ વાપરવો પડશે, એ સાબુને ઘસવો પડશે. બે-ચાર વખત પાણી પણ એમાં નાખતાં જવું પડશે. પછી ડાઘ રહી ગયા હોય એ જગ્યાએ ફરી સાબુ ઘસવો પડે. ભાર દઈને સાબુ ઘસવો પડે અને એ પછી અઢળક પાણી પણ વાપરવું પડશે. એ પછી છેક કપડાં છે એ સ્વચ્છ થશે.

અંતઃકરણના પોતનું પણ એવું જ છે. જો માણસે એ પોત સ્વચ્છ કરવું હશે તો માત્ર સાબુ નહીં ચાલે, માત્ર મહેનત પણ નહીં ચાલે, પાણી પણ જોશે. અંતઃકરણનું પોત સ્વચ્છ કરવામાં મહેનત કર્મયોગનું કામ કરે છે, સાબુ જ્ઞાનયોગ છે અને પાણી ભક્તિયોગ છે. સંસાર રસમય છે. સંસાર શું, સંસારનો સર્જનહાર પણ રસમય છે.

ભગવતી શ્રુતિ કહે છે, ‘રસૌ વૈ સઃ ।’ અર્થાત્ તું રસરૂપ છે, પણ રસમય જીવન ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ શરીર અને મનને પાત્ર બનાવે. જ્યારે જાત કેળવાય ત્યારે જ ઉપલબ્ધિ પાસે આવે છે.
જેટલું સારું જીવન જિવાય એટલું જીવી લેવાનું, બાકી રહેશે એ આવતે જન્મે આવવાનું જ છે પૃથ્વી પર. એવું જે કહે છે, મારે હવે મુક્તિ જોઈએ છે તે માણસ બહુ કંટાળી ગયો હશે. શું કામ જોઈએ છે મુક્તિ ને બાપ, કઈ મુક્તિ? નરસિંહ મહેતા તો કહેતાને... હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય ઓચ્છવ, નીરખવા નંદકુમાર...

જીવનના મેઘધનુષને પણ આપણે જોયું છે, જીવન ખૂબસૂરત છે એ પણ આપણે જોયું છે અને જીવનના દરેક ઘેરા રંગ પછી આવનારા ચમકતા રંગો પણ આપણે જોયા છે. એ છતાંયે મુક્તિની ખેવના હોય તો મુક્તિ એટલે શું એ પણ એકદમ ટૂંકમાં જાણી લઈએ.

અંધશ્રદ્ધામાંથી મુક્તિ એ મોક્ષ છે.ખોટાં વ્યસનોમાંથી મુક્તિ એ પણ મોક્ષ છે. દુરાગ્રહમાંથી મુક્તિ એ મોક્ષ છે. અકારણ ઊભા થતા વિવાદોમાંથી મુક્તિ એ મોક્ષ છે. દ્વેષ, ઈર્ષ્યા અને અહંકાર, મૂઢતામાંથી મુક્તિ એ પણ મોક્ષ છે.

columnists astrology Morari Bapu