જે પત્નીની શરતે ચાલે તે હંમેશાં દુખી જ રહે

04 July, 2022 05:52 PM IST  |  Mumbai | Swami Satchidananda

સ્ત્રીઓની જોહુકમી પુરુષોને અધમૂઆ કરી દેતી હોય છે. પુરુષો બિચારા થઈને જીવન જીવતા જોવા મળે તો તેમની દયા ખાજો. તે દયાને પાત્ર હોય છે.

મિડ-ડે લોગો

જે આક્રમણ સામે વિશ્વામિત્ર જેવા અનેક ઋષિમુનિઓ ટકી ન શક્યા એ આક્રમણ સામે રાજા પ્રતીપ અડગ રહ્યા, કારણ કે તે તૃપ્ત હતા, ભૂખ્યા નહોતા. પેલા ભૂખ્યા હતા. તીવ્ર ભૂખ ભોગો સામે ટકી શકતી નથી, તૃપ્તિ જ ટકી શકે છે. ગંગા વીલે મોઢે પાછી ચાલી ગઈ, પણ એ દિવસથી તે રાજા પ્રતીપના પુત્ર શાન્તનુને શોધતી રહી.    

રાજા પ્રતીપે પોતાના પુત્ર શાન્તનુને એકાંતમાં બેસાડીને સમજાવ્યો કે જો ગંગા નામની કોઈ રૂપાળી સ્ત્રી તારું વરણ કરવા આવે તો તેને સ્વીકારી લેજે. મેં તેને વચન આપ્યું છે. તું પૂરું કરજે. બન્યું એવું કે એક વાર શોધતી-શોધતી ગંગા શાન્તનુની સમીપ આવી ગઈ. શાન્તનુ પણ મહાતેજસ્વી. તેને જોતાં ગંગા મુગ્ધ થઈ ગઈ. બીજી તરફ પિતાજીની આજ્ઞા હોવાથી શાન્તનુ પણ ગંગા પ્રત્યે આકર્ષાયો. બન્ને નજીક આવ્યાં અને બન્ને લગ્ન કરવા તૈયાર થયાં, પણ ગંગાએ એક શરત કરી કે લગ્ન પછી તમારે કોઈ પણ બાબતમાં મને રોકવી નહીં. હું જે કરું એ કરવા દેવું. શાન્તનુએ સ્વીકાર કર્યો.

જે લોકો પત્નીની શરતે લગ્ન કરતા હોય છે તેઓ ભાગ્યે જ સુખી થતા હોય છે. સ્ત્રીઓની જોહુકમી પુરુષોને અધમૂઆ કરી દેતી હોય છે. પુરુષો બિચારા થઈને જીવન જીવતા જોવા મળે તો તેમની દયા ખાજો. તે દયાને પાત્ર હોય છે.    

ગંગાએ એક પછી એક એમ સાત પુત્રો પેદા કર્યા. જેવો પુત્ર જન્મે કે તરત જ તે તેને ગંગાજીમાં પધરાવી દે. શાન્તનુ જોતો જ રહી જાય. શરત પ્રમાણે કશું બોલી ન શકે. આ પીડા અસહ્ય હતી. હવે તેને શરતી વિવાહ કરવાની ભૂલ સમજાઈ, પણ શું થાય?    

જ્યારે આઠમો પુત્ર જન્મ્યો અને ગંગા તેને પણ ગંગાજીમાં ફેંકવા તૈયાર થઈ ગઈ ત્યારે રાજાથી રહેવાયું નહીં. તે આડા ફરી વળ્યા અને તેમણે પુત્રને પડાવી લીધો.

ગંગા ખડખડાટ હસી પડી અને બોલી, ‘રાજા, તમે શરત તોડી નાખી. હવે હું વિદાય થાઉં છું.’ એમ કહીને પેલું નવજાત બાળક રાજાને સોંપીને ગંગા સડસડાટ ચાલતી થઈ ગઈ. સ્વકેન્દ્રિત સ્ત્રી ગમે ત્યારે પતિનો ત્યાગ કરીને ચાલી જતી હોય છે. અરે, આમનું શું થશે એવો વિચાર તેને આવતો નથી. તેનું જે થવું હોય તે થાય, મારે મારી ઇચ્છા પ્રમાણે જ જીવન જીવવું છે. હું આ ચાલી અને આજે આ નીતિ ધરાવતી કન્યાઓ વધી છે જે દુઃખની વાત છે.

શાન્તનુની વાત પર ફરી આવીએ, રાજાએ પેલા બાળકનું નામ ગંગાદત્ત-દેવદત્ત રાખ્યું, પણ પછીથી તેની પ્રસિદ્ધિ ભીષ્મ નામથી થઈ, જેને આપણે સૌ તાતશ્રીના નામે પણ ઓળખીએ છીએ.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists swami sachchidananda