પૈસા કમાવવા એ પરાક્રમ, પણ પૈસા છોડવા એ મહાપરાક્રમ

04 January, 2022 05:02 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

લોભી પાસે સંપત્તિ ચિક્કાર હોય તોયે તેની પાસે નથી સંવેદનશીલતા હોતી કે નથી સામાના દુઃખને સમજી શકતું હૃદય.

પ્રતીકાત્મક તસવીર

ધમણ પાસે પ્રાણવાયુ છે, પણ પ્રાણ નથી. હૉકીની સ્ટિક પાસે માથું છે, પણ વિચાર નથી. પ્લાસ્ટિનાં ફૂલ પાસે સૌંદર્ય છે, પણ સુવાસ નથી. સાગર પાસે પાણી છે, પણ એમાં તૃષાતૃપ્તિ નથી. લોભી પાસે સંપત્તિ ચિક્કાર હોય તોયે તેની પાસે નથી સંવેદનશીલતા હોતી કે નથી સામાના દુઃખને સમજી શકતું હૃદય.
આ વાત નીકળી એ દિવસના પ્રવચનમાં અને બપોરે એક ભાઈ મળવા આવ્યા. તેમને હું રોજ પ્રવચનસભામાં જોતો.
‘મહારાજસાહેબ, આજે પ્રવચન સાંભળી સીધો ઑફિસ ગયો અને ત્યાં જે સુંદર કામ કર્યું એની જાણ કરવા આવ્યો છું...’ ભાઈએ હર્ષ સાથે વાત માંડી, ‘મારી ઑફિસમાં કાયમી માણસો ૯ અને હમાલી કામ કરતા પણ ૯. બધું મળીને ૧૮ જણ ઑફિસના કામમાં. આ દરેકે પગાર ઉપરાંત થોડી-ઘણી રકમ ઑફિસમાંથી વ્યાજે ઉપાડેલી. કોઈકના નામે ૩૦૦૦ તો કોઈકના નામે ૫૦૦૦ બોલે. કોઈકના નામે ૨૦,૦૦૦ પણ બોલે તો કોઈકના નામે ૫૦,૦૦૦ રૂપિયા પણ બોલે.’
ભાઈના શબ્દોમાં ઉત્સાહ હતો અને ખુશી પણ હતી.
‘એ ૧૮ જણને મેં બોલાવ્યા ઑફિસમાં અને લેણી નીકળતી તમામ રકમ મેં માફ કરી દીધી. તેમના ચહેરા પર જે ખુશી હતી એ ખુશી શબ્દોમાં વર્ણવવાની મારામાં તાકાત નથી, શું કહું હું આપને? દર મહિને પગાર ચૂકવતી વખતે તેમના પગારની ૨કમમાંથી ૨૦૦-૫૦૦ રૂપિયા જેટલી રકમ કાપતી વખતે તેમના મનમાં અંકાઈ જતી વેદનાની રેખા વાંચવા હું આંધળો હતો. એક બાજુ આ મોંઘવારી અને બીજી બાજુ પગાર, તેમનો જીવનનિર્વાહ થાય, પણ લોભાંધતા કોનું નામ, આજ સુધીમાં એ દિશામાં વિચારવા તૈયાર નહોતો, પણ હવે સાંભળવાં રહ્યાં છે પ્રભુનાં વચનો અને તેણે જ સદ્બુદ્ધિ સુઝાડી છે.’ ભાઈની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં, ‘આપ નહીં માનો, પણ માણસોની આંખોમાં જે પ્રેમ અને વાત્સલ્ય મેં જોયાં એ જોઈને હું સાચે એ સમયે હું રડ્યો છું. મને પહેલી વાર અનુભવ થયો, જેમાં પૈસા રાખવાના, માગવાના અને વધારવાના આનંદને ક્યાંય ટક્કર લગાવી દે એવો આનંદ તો પ્રસન્નતાપૂર્વક પૈસા છોડી દેવામાં અનુભવી શકાય છે. મહારાજસાહેબ, રૂપિયા કમાવાનું પરાક્રમ તો કર્યું મેં, પણ એ છોડવાનું મહાપરાક્રમ આજે કર્યું જેનો મારો આનંદ પરાકાષ્ઠાએ છે. એ અઢારેય જણ આપનાં દર્શન માટે આવ્યા છે. કારણ, તેમની સમક્ષ મેં ખુલાસો કર્યો કે તમારી આ રકમ છોડી દેવાની મને જાગેલી સદ્બુદ્ધિ એ ગુરુદેવની પ્રેરણાને આભારી છે.’
એ અઢાર માણસો જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તેમના એ શેઠના ભવ્ય પરાક્રમની ઝાંખી તેમની આંખોમાં પણ નિહાળી. એ ચમક શેઠને પૈસા કમાવી આપતી વખતે પણ ક્યારેય જોવા નહીં મળી હોય.

astrology columnists