મકર સંક્રાંતિ 2019 : સ્નાન, પૂજા તથા દાનની વિધિ અને તેનું મહત્ત્વ

12 January, 2019 07:10 PM IST  | 

મકર સંક્રાંતિ 2019 : સ્નાન, પૂજા તથા દાનની વિધિ અને તેનું મહત્ત્વ

મકર સંક્રાંતિના દિવસે જો વિધિપૂર્વક સ્નાન અને દાન કરવામાં આવે તો સત્કર્મોનું ફળ અત્યાધિક મળે છે.

હિન્દુ તહેવાર પ્રમાણે સૂર્ય મકર રાશિમાં જે દિવસે પ્રવેશ કરે છે, તે દિવસે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. પણ સ્નાન અને દાનની યોગ્ય વિધિ કઈ છે તે વિશે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે.

જો વિધિપૂર્વક સ્નાન અને દાન થાય તો સત્કર્મોનો ફળ વધુ મળે છે. જ્યોતિષાચાર્ય પં. રાજીવ શર્મા જણાવે છે કે, 'મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનની વિધિ શું છે.'

સ્નાન વિધિ

આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે લોકોએ સવારે વહેલા તલનું તેલ અને ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ અને જે પાણીમાં તલનું તેલ હોય તેવા પાણીથી નહાવું જોઈએ, તલનો લેપ લગાડવો, તલનો હવન કરવો, પાણીમાં તલ નાખીને પાણી પીવું, તલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક લેવો તથા તલના દાણાનું દાન કરવું. આ છ કર્મ તલથી કરવાનું વિધાન છે જેનાથી સત્કર્મોનું ફળ મળે છે.

પૂજા વિધિ

પ્રાતઃ સ્નાન પછી સૂર્ય સામે જળ લઈને સંકલ્પ કરવો, પછી લાલ કપડુ પાથરી ચંદન અથવા ચોખાનું અષ્ટ દળ કમળ બનાવવું તેમાં સૂર્ય નારાયણની મૂર્તિનું સ્થાપન કરવું. સાથે જ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરી ઘી, સાકર તથા માવો ભેળવેલા તલનું હવન કરવું અને તેનું દાન પણ કરવું. આ દિવસે ઘી અને ધાબડાના દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતું દાન, જાપ, તપ, શ્રાદ્ધ તેમજ અનુષ્ઠાન વગેરેનું મહત્ત્વ બેગણું વધારે હોય છે.

ખિચડાનું મહત્ત્વ

આ દિવસે થતાં આ વ્રતને ખિચડી કહેવાય છે, તેથી આ દિવસે ખિચડો ખાવા તથા ખિચડા, તલનું દાન આપવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.

આ પણ વાંચો : મકર સંક્રાંતિ 2019 : સંક્રાંતિનું વાહન સિંહ, જાણો રાશિઓ પર પડતાં પ્રભાવ

આ લોકો માટે મકર સંક્રાતિ છે વિશેષ

મકર સંક્રાંતિનું ફળ આ વર્ષે 2019માં સોમવારે "ધ્વાંક્ષી" નામક (30 ચોઘડિયો) મકર સંક્રાંતિ, લઘુ સંજ્ઞક નક્ષત્ર "અશ્વિની"માં હોવાને કારણે વ્યાપાર તેમજ ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે.

makar sankranti kites