રંગેહાથ પકડાયા પછી પ્રેમતંતુ તોડે નહીં એ પ્રેમ

06 October, 2021 05:28 PM IST  |  Mumbai | Morari Bapu

વાસના અને પ્રેમમાં આ જ ફેર છે. આ ફરક સાથે આગળ વધીએ અને હવે વાત કરીએ પ્રેમનાં કેટલાંક લક્ષણોની વાત, જે જાણકારોએ કહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે આપણી વાત થઈ કે નહેર જ્યાંથી નીકળે એ જગ્યાએ અને એ સમયે એમાં પાણી ઘણું હોય, પરંતુ જ્યારે એ ખેતર સુધી પાણી પહોંચાડતી આગળ વધે ત્યારે એમાં પાણી ઓછું થઈ જાય છે. એવું જ છે આપણી ઇન્દ્રિયોનું. જ્યારે ભાવના વ્યક્ત થાય છે ત્યારે એમાં સારું જોમ હોય છે, પરંતુ એ જ્યારે આમતેમ ફંટાઈ જાય છે ત્યારે એનું જોશ ઘટીને ખતમ થઈ જાય છે. પ્રેમ ગંગા છે. એ ક્યારેય ખતમ નથી થતો, પરંતુ વધતો જાય છે. વાસના અને પ્રેમમાં આ જ ફેર છે. આ ફરક સાથે આગળ વધીએ અને હવે વાત કરીએ પ્રેમનાં કેટલાંક લક્ષણોની વાત, જે જાણકારોએ કહ્યાં છે.
પ્રેમનાં લક્ષણોમાં પહેલા સ્થાને આવે છે છલ.
પ્રેમ તોડવા માટે સત્ય કારણભૂત હોય અને એમ છતાં પ્રેમ ન તૂટે કે ખૂટે એ પ્રેમનું મહત્ત્વનું લક્ષણ. શાસ્ત્ર કહે છે, સત્યડપી ધ્વંસ કારનન્. અર્થાત્ જેને તમે પ્રેમ કરો છો એ ખોટું બોલે છે, તમારી સાથે દગો કર્યો છે, લૂંટી લીધા છે, બેઇજ્જત કર્યા છે, ક્યાંયના ન રહેવા દીધા. બધું રંગેહાથ પકડાઈ ગયું છતાં તે એની સાથે પ્રેમતંતુ તોડે નહીં, એ છે પ્રેમ! આ પ્રેમમાં કોઈ જાતનો ઈર્ષ્યાભાવ, સ્વાર્થભાવ નથી હોતો. એમાં નરી લાગણી હોય છે અને એ નરી લાગણીના આધારે જ એ પ્રેમ ટકેલો હોય છે.
પ્રેમનાં લક્ષણોમાં બીજા નંબરે આવે છે, દ્રવિત.
જ્યાં સુધી વ્યક્તિ પ્રેમ નથી કરતી ત્યાં સુધી તેનું હૃદય ઘન છે, જડ છે. પ્રેમ ત્યારે કર્યો ગણાય જ્યારે એ ઘન હૃદય દ્રવિત થઈ જાય, પ્રવાહી થઈ જાય. હૃદય ધડકે છે છતાં ઘન છે. એનો એક આકાર છે, ઘન 
છે, સઘન છે. જ્યારે ઘનતા પીગળી જાય, બરફ પીગળી જાય ત્યારે પ્રેમ પ્રગટે છે. આ પ્રકારે પ્રગટેલા પ્રેમની લાગણી ઊંડે સુધી ઊતરેલી હોય છે અને જે પ્રેમ ઊંડે સુધી ઊતર્યો હોય એ પ્રેમ વીસરાય કે કોરાણે મુકાય એવું બને નહીં.
ત્રીજા નંબરે આવે છે માન.
પ્રેમમાં માન પેદા થાય છે, જે ગોપીઓને થયું. રામાયણમાં લખ્યું છે કે અભિમાન સમસ્ત શોકદાયક છે. માન આવે છે, પરંતુ એ માન અહીં વિકાર નથી. એ માન ત્યાં શોકદાયક નથી. આ માન સંવેદનાનું છે અને સંવેદના જ્યારે માન આપે ત્યારે એ ભલભલાને પીગળાવી દેવાનું કામ કરે.
આ ત્રણ લક્ષણ ઉપરાંત હવે આપણે વાત કરીશું સેવા, નિત નૂતન રસ, ફરિયાદ નહીં કરવાની તૈયારી, અદ્વૈત, પ્રતીક્ષા, બેચેની, અધીરાઈ, સજળ નેત્ર અને ઓછી સંતલસની. પ્રેમનાં આ તમામ લક્ષણો જાણ્યા પછી સમજાશે કે પ્રેમ કેમ જીવનની સર્વશ્રેષ્ઠ લાગણી છે, સંવેદના છે.

astrology columnists